મહાંતી, શરતકુમાર (જ. 26 જાન્યુઆરી 1938, જારીપદા, જિ. કટક, ઓરિસા) : ઊડિયા નિબંધકાર. તેમને તેમની કૃતિ ‘ગાંધી મનિષ’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં એમ.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1959માં તેઓ ઓરિસા શિક્ષણસેવામાં ગણિતના પ્રાધ્યાપક નિમાયા. તેઓ ઓરિસા રાજ્ય પસંદગી બોર્ડના સભ્યપદેથી 1996માં સેવાનિવૃત્ત થયા. તેઓ સંગીત અને ક્રિકેટમાં રસ ધરાવે છે.

શરતકુમાર મહાંતી

1961માં તેમની પ્રથમ કૃતિ ‘વિજ્ઞાનદૃષ્ટિ’ પ્રગટ થઈ. તેમણે 30થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ઇતિહાસ, ચરિત્ર, લોકલક્ષી વિજ્ઞાન (Popular Science) અને બાળકો માટેની કૃતિઓનો સમાવેશ થાય છે. તેમાં ‘જીન પૉલ સાર્ત્રે’ (1973) અને ‘સૉક્રેટિસ ઓ પ્લેટો’ ચરિત્ર છે. ‘અસ્તિત્વબાદરા મર્મકથા’, ‘ગ્રીક જાતિરા જીવનગાથા’ (1982), ‘સંસ્કૃતિ અપસંસ્કૃતિ’ (1984) સાંસ્કૃતિક ઇતિહાસના ગ્રંથો છે. ‘વિચિત્ર બ્રહ્માંડ’ (1990), ‘એટમ રૂ ક્વૉન્ટમ’ (1991), ‘એકવિંશા શતાબી રા નાસ્તા પરિવેશ’ (1995) – એ વૈજ્ઞાનિક નિબંધો છે. ‘શેષ દસકાર પ્રબન્ધ’ અને ‘ગાંધી મનિષ’ તેમની નોંધપાત્ર કૃતિઓ છે. તેમને ઓરિસા સાહિત્ય અકાદમી પુરસ્કાર અને સરલા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા; પરંતુ તેમનો તેમણે અસ્વીકાર કર્યો છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ગાંધી મનિષ’ ગાંધીજીના જીવનનું મૌલિક પ્રતિપાદન કરે છે. તેમાં એક માનવી તરીકે ગાંધીજીની અપ્રતિમ છબી પ્રસ્તુત કરવામાં આવી છે. લેખકે યુગપુરુષ ગાંધીની અનન્યતાને એવી ભવ્ય ઐતિહાસિક શૈલી અને રચનામાં અંકિત કરી છે કે આ કૃતિ ભારતીય ભાષાઓમાં અત્યાર સુધી ઉપલબ્ધ ગાંધીચરિત્રોમાં શ્રેષ્ઠ ગણાય છે. આ કૃતિ ઊડિયામાં લખાયેલ ભારતીય ચરિત્રસાહિત્યમાં એ રીતે અનન્ય છે.

બળદેવભાઈ કનીજિયા