મહલ (ચલચિત્ર) (1949) : હિંદી ચિત્રોમાં પુનર્જન્મના કથાનકવાળાં ચિત્રો માટે પ્રેરણાસ્રોત ગણાતું પ્રશિષ્ટ રહસ્યચિત્ર. શ્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણ સંસ્થા : બૉમ્બે ટૉકિઝ. દિગ્દર્શક-કથા-પટકથા-સંવાદ : કમાલ અમરોહી. ગીત : નક્શાબ. છબિકલા : જૉસેફ વિર્ચિંગ. સંગીત : ખેમચંદ પ્રકાશ. મુખ્ય કલાકારો : અશોકકુમાર, મધુબાલા, કુમાર, વિજયલક્ષ્મી, કનુ રાય.

દિગ્દર્શક તરીકે કમાલ અમરોહીનું આ પ્રથમ ચિત્ર હતું. અતૃપ્ત પ્રેમીઓની પ્રેમકહાણીને રહસ્યમયી રીતે આ ચિત્રમાં રજૂ કરાઈ છે. એક જૂની હવેલી ‘સંગમ ભવન’ના માળીની દીકરી આશા પોતાની જાતને ગયા જન્મની કામિની માને છે. હવેલી ખરીદનાર માલિકનો પુત્ર શંકર આ ભેદી જણાતી હવેલીમાં રહેવા જાય છે. ત્યાં તેના જેવો જ ચહેરો ધરાવતી વ્યક્તિની તસવીર દીવાલ પર ટિંગાતી હોય છે. પૂછપરછ કરતાં માલૂમ પડે છે કે ચિત્ર બંગલાના ભૂતપૂર્વ માલિકનું છે. હવેલીના માલિકનું લગ્નની રાતે જ મોત થયું હોય છે. તેની પત્ની કામિની પોતાનો પતિ પાછો આવશે એ આશાએ લાંબી વાટ જોયા પછી મૃત્યુ પામે છે. કામિનીના ભટકતા આત્મા સાથે મુલાકાત થયા બાદ શંકર પોતાની જાતને ગયા જન્મનો કામિનીનો પતિ માનવા માંડે છે. કામિની તેને કહે છે કે બંનેએ જો એક થવું હોય તો તેણે મરવું પડશે અથવા તેણે માળીની દીકરી આશા સાથે લગ્ન કરવાં પડશે.

શંકરને આ ભેદભરમમાંથી બહાર કાઢવા માટે તેનો મિત્ર શ્રીનાથ તેનાં લગ્ન રંજના સાથે કરાવે છે. થોડા સમય બાદ રંજના આપઘાત કરે છે, પણ પત્નીની હત્યા કરી હોવાનું આળ શંકર પર આવે છે. અદાલતમાં આશા કબૂલ કરે છે કે તે પોતે જ કામિનીના આત્મા તરીકે શંકર સમક્ષ આવતી હતી. ચિત્રનું એક ગીત ‘આયેગા આનેવાલા….આયેગા….’ સદાબહાર બની ગયું છે. પાર્શ્વગાયિકા લતા મંગેશકરને આ ગીતની લોકપ્રિયતા બાદ દેશભરમાં ખ્યાતિ મળી હતી.

હરસુખ થાનકી