મહમ્મદ રફી (જ. 4 ડિસેમ્બર 1924, કોટા સુલતાનસિંહ – હવે પાકિસ્તાનમાં; અ. 3 જુલાઈ 1980, મુંબઈ) : ભારતીય ચલચિત્ર-જગતના વિખ્યાત પાર્શ્વગાયક. પિતાનું નામ હાજી અલીમહમ્મદ તથા માતાનું નામ અલ્લારખી. ચૌદ વર્ષની વયે 1938માં લાહોર ગયા અને ત્યાં ખાન અબ્દુલ વહીદખાં, જીવણલાલ મટ્ટો અને ગુલામઅલીખાં પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. ફીરોઝ નિઝામી નામના સ્વરકારે મહમ્મદ રફીને આકાશવાણી, લાહોર સાથે મેળાપ કરી આપ્યો. 1944માં નિર્માણ થયેલા પંજાબી ચલચિત્ર ‘ગુલ બલોચ’માં પહેલી વાર પાર્શ્વગાયક તરીકે તેઓ દાખલ થયા એવી માન્યતા છે. પરંતુ કેદાર શર્મા દ્વારા નિર્દેશિત ‘પહલે આપ’ (1944) ચલચિત્રમાં નૌશાદના સંગીતનિર્દેશન હેઠળ રફીએ ગીત ગાયાં હતાં

મહમ્મદ રફી

એના કેટલાક પુરાવા સાંપડ્યા છે. 1944માં કાયમી વસવાટ માટે મુંબઈ આવ્યા, જ્યાં જાણીતા સ્વરકાર નૌશાદે તેમને પાર્શ્વગાયક તરીકે બૉલિવુડના ચલચિત્ર-જગતમાં દાખલ થવાની તક આપી. નિર્માતા મહેબૂબના ચલચિત્ર ‘અનમોલ ઘડી’(1946)નાં ગીતોથી તેઓ અગ્રણી પાર્શ્વગાયક તરીકે પ્રસ્થાપિત થયા. એ. આર. કારદાર દ્વારા નિર્મિત ‘શાહજહાં’ (1946) ચલચિત્રમાં કુંદનલાલ સહગલ સાથે ‘મેરે સપનોં કી રાની’ ગીત ગાવામાં જોડાયા. ‘જુગનૂ’ (1947), ‘સાજન’ (1947) અને ‘મેલા’ (1948) આ ત્રણ ચલચિત્રોમાં નૂરજહાં સાથે રફીએ ગાયેલાં ગીતોથી અપાર લોકપ્રિયતા મેળવી. આ ચલચિત્રમાં કૉલેજની હૉસ્ટેલમાં રફી  ગીત ગાઈ રહ્યા છે એવા એક દૃશ્યમાં તેઓ રૂપેરી પડદા પર દેખાયા હતા; તે સિવાય અન્યત્ર તેમણે કોઈ પણ ચલચિત્રમાં અભિનય કર્યો હોય એવો કોઈ પુરાવો નથી. આમ એક પાર્શ્વગાયક તરીકે જ આજીવન તેમની કારકિર્દી રહી છે. નૌશાદ ઉપરાંત મદનમોહન, શંકર-જયકિશન બેલડી, ઓ. પી. નય્યર તથા સારંગદેવ (એસ. ડી.) બર્મન જેવા અગ્રણી અને લોકપ્રિય સ્વરકારોના સંગીતનિર્દેશન હેઠળ રફીએ ગાયેલાં ગીતો હિંદી ચલચિત્રજગતમાં આજે પણ કાયમી વારસો ગણવામાં આવે છે, જેમાં ‘દીદાર’ (1951), ‘આન’ અને ‘બૈજુ બાવરા’ (1952), ‘ઉડન ખટોલા’ (1955), ‘પ્યાસા’ (1957), ‘કાગઝ કે ફૂલ’ (1959) ‘મુગલે આઝમ’(1960)નો સમાવેશ થાય છે.

મહમ્મદ રફીએ શાસ્ત્રીય સંગીતના જુદા જુદા રાગો પર આધારિત ગાયેલાં ચલચિત્રોનાં ગીતોએ પણ ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી હતી, જેમાં ‘બૈજુ બાવરા’, ‘બરસાત કી રાત’, ‘દિલ દિયા, દર્દ લિયા’ ‘મેરે મહેબૂબ’, ‘કોહિનૂર’ અને ‘બેટી બેટે’ જેવાં ચલચિત્રોનાં તેમનાં ગીતોનો સમાવેશ થાય છે. ચલચિત્રો ઉપરાંત પણ રફીએ ગાયેલાં કેટલાંક ભજનોએ લોકપ્રિયતાનાં શિખરો સર કર્યાં હતાં.

વીસમી સદીના સાતમા દાયકા સુધી મહમ્મદ રફી હિંદી ચિત્ર, જગતના પુરુષ પાર્શ્ર્વગાયકોમાં ‘બેતાજ બાદશાહ’નું સ્થાન ધરાવતા હતા. તેમણે તેમની સમગ્ર કારકિર્દી (1944-80) દરમિયાન આશરે પચીસ હજાર ગીતોને કંઠ આપ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે