મસ્કત : ઓમાનનું પાટનગર. તે ઓમાનના ઈશાન કાંઠે ઓમાનના અખાત પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 23° 35´ ઉ. અ. અને 58° 25´ પૂ. રે. 1970 સુધી મસ્કત અને ઓમાન એકબીજાના પર્યાય ગણાતા હતા. તે જ્વાળામુખી પર્વતોથી કમાન-આકારમાં ઘેરાયેલું છે, માત્ર તેના દક્ષિણ અને પશ્ચિમ ભાગ તરફ અખાત સાથે સડક માર્ગથી જોડાયેલું છે.

1507–1508માં પૉર્ટુગીઝોએ મસ્કત અને તેની આજુબાજુના વિસ્તારનો કબજો મેળવેલો. સોળમી સદીમાં તે ઓમાનનું મુખ્ય બંદર તેમજ વેપારનું મથક બની રહેલું. 1650માં પૉર્ટુગીઝોને અહીંથી હાંકી કાઢવામાં આવ્યા ત્યાં સુધી તેમણે તેમનું વેપારી થાણું અને નૌકામથક જાળવી રાખેલાં. આ શહેરનું રક્ષણ કરતા સોળમી સદીના છેલ્લા ચરણમાં બંધાયેલા બે પૉર્ટુગીઝ કિલ્લા અહીં આવેલા છે. કિલ્લાની જૂની રક્ષણ-દીવાલ તેમજ કેટલાક દરવાજાઓ હજી આજે પણ અહીં જોવા મળે છે. આ કિલ્લો તથા ભારતીય સ્થાપત્યશૈલીથી બનાવેલો કાંઠા પરનો ઓમાનના સુલતાનનો મહેલ આ શહેરને ભવ્યતા આપે છે. વળી અહીં અરબી, પૉર્ટુગીઝ, ઈરાની, ભારતીય, આફ્રિકી તેમજ આધુનિક પશ્ચિમી સ્થાપત્યની ઝલક જોવા મળે છે. મસ્કત ઓમાનના અખાત પર આવેલું હોવાથી વેપારી સ્થળ તરીકે તેનું ખૂબ મહત્વ છે. તેના આ મહત્વને કારણે તે ઓમાનના રાષ્ટ્રીય સંગ્રહસ્થાનનું સ્થળ પણ બન્યું છે.

મસ્કત : ઐતિહાસિક કિલ્લો પણ ચિત્રમાં ર્દશ્યમાન છે.

1970ના દસકાની શરૂઆતમાં તેના બંદરની અને વેપારની પ્રવૃત્તિઓને તેની અડોઅડ આવેલા પરા મત્રાહ ખાતે ખસેડાઈ છે. ઈરાની અખાતના ખનિજતેલ-વિસ્તારોમાંથી તેલ લઈને નીકળતાં ટૅન્કરો માટે મસ્કતનો માર્ગ રોજિંદો બની ગયો છે. અહીંથી કુદરતી વાયુ અને રસાયણોનું ઉત્પાદન લેવાય છે.

મસ્કતમાં જૂના વખતનાં એક કે બે મજલાનાં ઘણાં મકાનો જોવા મળે છે. લોકો મુખ્યત્વે વેપાર-વાણિજ્યનાં કામમાં કે સરકારી નોકરીઓમાં રોકાયેલા છે. મસ્કત અને તેનાં નવાં આધુનિક પરાં ‘કૅપિટલ એરિયા’ નામથી ઓળખાય છે. આ ‘કૅપિટલ એરિયા’માં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, તેલનાં ટૅન્કર ભરવાનાં મથક, લશ્કરી થાણું અને ઊંડાં જળનું બારું આવેલાં છે. મસ્કત ઘણા પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવે છે. તેની વસ્તી 40,900 (1993) જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા