મસૂરિકા : આયુર્વેદમાં નિર્દેશેલો એ નામનો એક રોગ. લગભગ બાળકોમાં એ થાય છે. એ રોગમાં મસૂરની દાળ જેવા દાણા શરીર ઉપર નીકળે છે તેથી તેને ‘મસૂરિકા’ કહે છે.
સામાન્ય લોકભાષામાં તેને અછબડા–બળિયાના નામથી ઓળખવામાં આવે છે. ઓળીને ‘રોમાંતિકા’ નામથી આયુર્વેદ ગ્રંથોમાં વર્ણવેલ છે.
ઓળી–અછબડા, બળિયા – એ બાળકોમાં દેખા દેતા રોગ છે. સામાન્ય કાળજી રાખવાથી આ રોગો મટી શકે છે; પરંતુ ક્યારેક તે હદ બહાર ફેલાઈ જાય તો તે ઘાતક બને છે.
આગળ જમેલું પચ્યું ન હોય ને ફરી જમવાથી; ખૂબ તીખા, ખાટા, ખારા ખોરાક વારંવાર અને વધુ ખાવાથી; વિરુદ્ધ ભોજન કરવાથી; કઠોળ અન્નનો વધુ પડતો ઉપયોગ કરવાથી; બગડેલા અન્નસેવનથી તથા ઋતુના સાંધાઓના સમયે આ રોગ થાય છે.
મસૂરિકા રોગ થતાં પહેલાં શરીર તૂટે છે, તાવ આવે છે, શરીરમાં ખૂજલી આવે છે, અરુચિ થાય છે તથા ચામડી લાલ રંગની બને છે. વળી આંખો અને મોં ઉપર પણ વધુ પડતી રતાશ પણ દેખાય છે.
રોગની તીવ્રતામાં ખાંસી ખૂબ જ આવે છે. બહુમૂત્રતા, તરસ, દાહ તથા લવારો જેવાં લક્ષણો આમાં દેખાય છે.
પાંચ પ્રકારનો મસૂરિકા રોગ થાય છે. દરેકમાં ફોડકીઓનાં રંગ, કદ, પ્રભાવ જુદાં જુદાં હોય છે. શરીરની સાત ધાતુઓમાં જેમ જેમ આ રોગ ઊંડો ઊતરતો જાય છે તેમ રોગની અસાધ્યતા વધતી જાય છે. અમુક સમય થતાં આ રોગનો પ્રભાવ ઓસરવા માંડે છે. બાળકોના આ રોગમાં કાળજી લેવી જરૂરી છે.
રોગ માટે ઉપયોગી ઔષધોમાં કડવાં, શીતળ અને રક્તશોધક ઔષધો આપવાં જોઈએ; દા.ત., ચંદન, ઉશીર, અરડૂસી, પાઠાં, કડવાં પરવળનું પંચાંગ વગેરે. પરીપાઠાદિ ક્વાથ બાળકોના આ રોગનું જાણીતું ઔષધ છે.
કિરીટ પંડ્યા