મલાક્કા (મલેકા) : મલેશિયાનું રાજ્ય તથા તે જ નામ ધરાવતું શહેર અને પાટનગર. તે હવે ‘મલેકા’ નામથી ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 2° 12´ ઉ. અ. અને 102° 15´ પૂ. રે.ની આજુબાજુનો 1,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે અગ્નિ એશિયામાં મલય દ્વીપકલ્પના નૈર્ઋત્ય કિનારે મલાક્કાની સામુદ્રધુની નજીક સિંગાપુરથી 193 કિમી. અંતરે આવેલું છે. આ શહેર મહત્વનું બંદર પણ છે.
મલાક્કાનો આખોય પ્રદેશ વિષુવવૃત્તની તદ્દન નજીક આવેલો હોવાથી વર્ષભર તેની આબોહવા ગરમ અને ભેજવાળી રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 2,300 મિમી. જેટલો પડે છે. અહીંની કુદરતી વનસ્પતિ અયનવૃત્તીય જંગલ પ્રકારની છે. રબર-ઉત્પાદન, વહાણવટું, વેપાર અને કલાઈની નિકાસ અહીંના અર્થતંત્રને નિભાવે છે. શહેરમાં રસ્તાઓની સુવિધા સારી છે, રાજ્યના અંદરના ભાગો માટે હવાઈ સેવા પણ ઉપલબ્ધ છે તથા કિનારા પર જળમાર્ગ-વ્યવહારથી અવરજવર તેમજ માલની હેરફેર થતી રહે છે.
તેરમી સદીમાં મુસ્લિમ શાસન હેઠળ તેની સ્થાપના થયેલી. તે વખતે મલાક્કા એક નાનકડું ગામ હતું. ધીમે ધીમે ત્યાં વેપાર-વાણિજ્યનો વિકાસ થતો ગયો. 1511થી 1641ના ગાળા દરમિયાન ઈસ્ટ ઇન્ડિઝના પૉર્ટુગીઝોની પ્રવૃત્તિઓ માટેનું તે મુખ્ય મથક બની રહેલું. 1641 પછીથી તે ડચ લોકોના કબજામાં ગયું. 1824માં તે ગ્રેટ બ્રિટનના આધિપત્ય હેઠળ આવ્યું. મલય અને સુમાત્રા વચ્ચે આવેલી મલાક્કાની સામુદ્રધુનીને કારણે તેનું વિશિષ્ટ વ્યૂહાત્મક મહત્વ વધતું ગયેલું; પરંતુ જ્યૉર્જટાઉન, સ્વેટનહૅમ (કેલાંગ) અને સિંગાપુર જેવાં બંદરોનો વધુ વિકાસ થતો ગયો હોવાથી બંદર તરીકે આ શહેરનો વિકાસ રૂંધાતો ગયો છે.
મલાક્કાની સામુદ્રધુની પર વિશિષ્ટ સ્થાન ધરાવતું આ શહેર અત્યંત રમણીય બની રહેલું છે. શહેરના મુખ્ય પુલો તથા ઘેરા ટેરાકોટા રંગથી રંગેલી તેની ઇમારતો તેને વધુ સુંદર બનાવે છે. શહેરમાંની જૂની સાંકડી ગલીઓને કારણે તે મધ્યકાલીન હોવાની યાદ અપાવે છે. ચીની (70 %) અને મલય લોકો અહીંના મુખ્ય નિવાસીઓ છે. 1993 મુજબ આ શહેરની વસ્તી 5,83,400 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા