મલયગિરિ : હેમચંદ્રાચાર્યના સમકાલીન સહવિહારી વિદ્વાન સંસ્કૃત ટીકાકાર. તેમણે પોતાની અનેક કૃતિઓમાં પોતાનો કંઈ પણ પરિચય કે રચનાવર્ષ આપેલાં નથી. અમુક કૃતિઓમાં આપેલા ‘कुमारपाल राज्ये’ — એવા ઉલ્લેખથી તેમજ પોતાના શબ્દાનુશાસન વ્યાકરણમાં આપેલા ‘अऱुणत् कुमारपालोडरातीन्’ – એ ઉદાહરણથી તેઓ કુમારપાળના સમયમાં થયા હશે એમ માની શકાય. મલયગિરિએ મુખ્યત્વે આગમો પર ટીકા રચી છે. તેમાં ‘આવશ્યક બૃહદવૃત્તિ’, ‘ઓઘનિર્યુક્તિવૃત્તિ’, ‘ચંદ્રપ્રજ્ઞપ્તિટીકા’, ‘જીવાભિગમવૃત્તિ’, ‘જ્યોતિષ્કરંડટીકા’, ‘નંદીટીકા’, ‘પિંડનિર્યુક્તિવૃત્તિ’, ‘પ્રજ્ઞાપનાવૃત્તિ’, ‘બૃહત્કલ્પપીઠિકા’, ‘વિશેષાવશ્યકવૃત્તિ’, ‘વ્યવહારસૂત્રવૃત્તિ’ અને ‘સૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ’નો સમાવેશ થાય છે.
વળી આગમ સિવાયના ગ્રંથોમાં જિનભદ્ર ક્ષમાશ્રમણકૃત ‘ક્ષેત્રસમાસ’ પર ટીકા, શિવશર્મસૂરિકૃત ‘કર્મપ્રકૃતિગાથા’ના પ્રાચીન કર્મગ્રંથ પર ટીકા જેમાં ‘પંચસંગ્રહ’ અને ‘ચંદ્રમહત્તરની ટીકા’, ‘અનુયોગદ્વારચૂર્ણિ’ અને ‘વિશેષણવતી’નો પોતે ઉલ્લેખ કર્યો છે. ‘ધર્મસંગ્રહણી ટીકા’, ‘ધર્મસારટીકા’, ચંદ્રર્ષિમહત્તરકૃત ‘પંચસંગ્રહ’ પર વૃત્તિ, ‘સપ્તતિકા’ – ટીકા આદિ રચેલ છે. સ્વતંત્ર ગ્રંથમાં ‘મુષ્ટિવ્યાકરણ’ – મલયગિરિ વ્યાકરણ – નામની શબ્દાનુશાસન-વિષયક 6,000 શ્લોકપ્રમાણની રચના ઉલ્લેખનીય છે.
રામજીભાઈ ઠા. સાવલિયા