મર્યાદિત ભાગીદારી : એક અથવા વધુ ભાગીદારોની આર્થિક જવાબદારી–મર્યાદિત હોય તેવી ભાગીદારી. જવાબદારી પ્રમાણેની ભાગીદારી પેઢીના બે પ્રકાર છે : (1) મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી, (2) અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા એક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય અને બાકીના ભાગીદારોની જવાબદારી મર્યાદિત હોય છે. પેઢીના વિસર્જન કે નાદારીના પ્રસંગે પેઢીનું દેવું ચૂકવવા માટે ધંધામાં જેટલી મૂડીનું આ ભાગીદારે રોકાણ કર્યું હોય તેટલી મૂડી પૂરતી તેની જવાબદારી મર્યાદિત બને છે. ધંધાના સંચાલનમાં આ પ્રકારનો ભાગીદાર ભાગ લઈ શકતો નથી. ધંધાનું દેવું ચૂકવવા માટે ધંધાની મિલકત અપર્યાપ્ત હોય તો મર્યાદિત જવાબદારીવાળા ભાગીદારની અંગત મિલકત પર કોઈ બોજો આવતો નથી. દેખાવનો અથવા નામનો ભાગીદાર કે જેણે પેઢીને પોતાનું નામ આપ્યું હોય છે, તે સામાન્ય સંજોગોમાં પેઢીનું દેવું ચૂકવવા માટે જવાબદાર નથી હોતો; પરંતુ અમર્યાદિત જવાબદારીવાળા ભાગીદારોની અંગત મિલકતોમાંથી પણ પેઢીનું દેવું ચૂકવી શકાતું ન હોય તો નામના ભાગીદારની અંગત મિલકતમાંથી તે ચૂકવવામાં આવે છે. આ કારણે તેને મર્યાદિત જવાબદારીવાળો ભાગીદાર કહી શકાય નહિ અને તેવી પેઢીને મર્યાદિત ભાગીદારી કહી શકાય નહિ. ભાગીદારી પેઢીના અસ્તિત્વ માટે કરાર જરૂરી છે. સગીર વ્યક્તિ કરાર કરવા માટે અસમર્થ હોય છે. આ સગીર વ્યક્તિને ધંધાના નફામાં ભાગીદાર બનાવી શકાય છે, પરંતુ ખોટમાં ભાગીદાર બનાવી શકાતો નથી, છતાં પુખ્ત ભાગીદારની જેમ સગીરને મર્યાદિત જવાબદારીવાળો ભાગીદાર કહી શકાતો નથી. બધા જ ભાગીદારોની જવાબદારી મર્યાદિત હોય તેવી ભાગીદારી ભારતમાં ગેરકાયદેસર ગણાય છે. માટે તે જોવા મળતી નથી. આ પ્રકારની ભાગીદારી ઇટાલીમાં અગિયારમી સદીથી અસ્તિત્વમાં આવી છે. યુ. એસ.માં તે ઓગણીસમી સદીમાં અસ્તિત્વમાં આવી. ઇંગ્લૅન્ડમાં આ પ્રકારને કાયદાએ માન્ય રાખ્યો છે. જે દેશોમાં મર્યાદિત ભાગીદારીને કાયદેસરની માનવામાં આવી છે તેમાંના મોટાભાગના દેશોએ તેની નોંધણીને ફરજિયાત બનાવી છે કે જેથી ભાગીદારીનો કરાર જાહેર દસ્તાવેજ બને.
અશ્વિની કાપડિયા