મર્મ-વિજ્ઞાન : આયુર્વેદ અનુસાર મારી નાખે તે મર્મ. શરીરમાં કેટલાક ભાગ એવા છે, કે જેના પર વાગવાથી પાસેના બીજા ભાગ કરતાં વધુ નુકસાન થાય છે. આવા ભાગો મર્મ તરીકે ઓળખાય છે.
મર્મ રચનાની ર્દષ્ટિએ, સ્થાનની ર્દષ્ટિએ, પરિણામની ર્દષ્ટિએ, પરિમાણની ર્દષ્ટિએ, એમ અનેક પ્રકારે વહેંચાયા છે; જેમ કે, રચનાની ર્દષ્ટિએ મર્મ પાંચ પ્રકારના છે : માંસમર્મ, શિરામર્મ, સ્નાયુમર્મ, અસ્થિમર્મ અને સંધિમર્મ. માંસ-આશ્રિતમર્મ અગિયાર, શિરા(ધમની)-આશ્રિત મર્મ એકતાલીસ, સ્નાયુ એટલે માંસ-પેશીઓને હાડકાં સાથે જોડનાર તેના સફેદ છેડા અને હાડકાંને પરસ્પર બાંધી રાખનાર સફેદ પટ્ટીઓ – તેમને આશ્રયે રહેનાર સત્તાવીસ મર્મો, અસ્થિ એટલે હાડકાંને આશ્રયે રહેનાર આઠ મર્મો અને હાડકાંઓના કેટલાક સાંધાઓમાં રહેનાર વીસ મર્મો.
તલહૃદય, ઇન્દ્રબસ્તિ, ગુદા, સ્તનરોહિત – એ માંસ-મર્મોનાં નામ છે. નીલા, ધમની, માતૃકા, શ્રૃંગાટક, અપાંગ, સ્થપની, ફણા, સ્તનમૂલ, અપલાપ, અપસ્તંભ, હૃદય, નાભિ, પાર્શ્વસંધિ, બૃહતી, લોહિતાક્ષ, ઉર્વી એ શિરા(ધમની)-મર્મો છે. આણિ, વિટપ, કક્ષધર, કૂર્ચ, કૂર્ચશિર, બસ્તિ, ક્ષિપ્ર, અંશ, વિધુર અને ઉત્ક્ષેપ નામના મર્મો સ્નાયુ-મર્મો છે. કટિકતરુણ, નિતમ્બ, અંસફલક અને શંખમર્મો એ અસ્થિમર્મો છે. જાનુ, કૂર્પર, સીમન્ત, અધિપતિ, ગુલ્ફ, મણિબંધ, કુકુન્દર, આવર્ત અને કૃકાટિકા એટલા સંધિમર્મો છે. આમ કુલ એક સો સાત મર્મો છે. આમાં કેટલાંક સ્થાનોમાં એક, કેટલાંકમાં બે, કેટલાંકમાં ચાર, તો ગળામાં આઠ મર્મ છે.
મર્મનો બીજો પ્રકાર છે પરિણામ અનુસાર સદ્યપ્રાણહર મર્મ, કાલાન્તર પ્રાણહર, વિશલ્યઘ્ન, વૈકલ્યકર અને રુજાકર – એમ પાંચ પ્રકાર છે. સદ્યપ્રાણહર મર્મ એટલે અઠવાડિયામાં મૃત્યુ કરનાર મર્મ. તેની સંખ્યા ઓગણીસની છે. તેમાં હૃદય, બસ્તિ અને મસ્તિષ્ક ત્રણ તો સદ્યમાં પણ સદ્ય છે – જલદી પ્રાણ હરી લે છે. કાલાન્તર પ્રાણહર પંદર દિવસમાં મૃત્યુ કરે છે. તેની સંખ્યા તેત્રીસ છે. તલહૃદય કે હાથપગનાં તળિયાંનો મર્મ કાલાન્તર-પ્રાણહર છે. ત્રીજો પ્રકાર છે વિશલ્યઘ્નનો. આ મર્મ વિશિષ્ટ છે. અહીં વાગેલા પદાર્થને કાઢી લેવાથી મૃત્યુ કે વધુ નુકસાન થાય છે; પાકીને નીકળી જાય તો નુકસાન થતું નથી. આવા ત્રણ મર્મ છે : બે લમણા ઉપર આવેલ ઉત્ક્ષેપ નામના બે મર્મો અને સ્ત્રીઓ ચાંદલો કરે છે તે કપાળની જગ્યાનો સ્થપની નામનો એક – એમ ત્રણ મર્મો વિશલ્યઘ્ન છે. ચોથો પ્રકાર વૈકલ્યકર નામના મર્મનો છે. વૈકલ્ય એટલે વિકળતા–ખોડખાંપણ. વૈકલ્યકર મર્મોની સંખ્યા ચુંમાળીસ છે. સૌથી વધુ, સામાન્ય રીતે સાંધાના મર્મો અને સ્નાયુના મર્મો આવું નુકસાન કરે છે; જેમ કે, જાનુ (ઘૂંટણ), કોણી (કૂર્પર) વગેરે. પાંચમો પ્રકાર રુજાકર મર્મનો છે. રુજાકર એટલે પીડા કરનારા. આવા મર્મોની સંખ્યા આઠ છે. ઘૂંટી (ગુલ્ફ), કાંડું (મણિબંધ) આવા પ્રકારના મર્મો છે. હાથના કે પગના તળિયામાં બળવાન ઘા હોય તો સર્જ્યનો કાંડું કે પગનો તળિયાવાળો ભાગ કાઢી નાખવાનું પસંદ કરશે, કારણ કે તળિયું 15 દિવસમાં મારી નાખે છે; જ્યારે કાંડું કપાઈ જાય તો સરખામણીમાં ઓછું નુકસાન છે.
છ અંગની ર્દષ્ટિએ મર્મોની સંખ્યા જુદી જુદી છે. બંને હાથમાં બાવીસ મર્મો; બંને પગમાં બાવીસ મર્મો (હાથ-પગના મર્મોનાં નામ પણ લગભગ સરખાં છે); મધ્યકાય-ધડમાં આગળના ભાગમાં બાર મર્મો અને પાછળના ભાગમાં ચૌદ મર્મો છે. એ રીતે ધડમાં છવ્વીસ મર્મો છે તો ડોકથી માંડી માથામાં કુલ સાડત્રીસ મર્મો છે. બીજા શબ્દોમાં માથાનું બહુ જ મહત્વ છે. આવડા નાના એવડા અંગમાં સાડત્રીસ મર્મો આવેલા છે.
પરિણામવિપર્યય : પરિણામોની ઊલટાસૂલટી સ્થિતિ થઈ શકે. સદ્યપ્રાણહર મર્મ બહુ બળવાન અભિઘાતમાં તુરત જ મારે કે ઓછો આઘાત હોય તો કાલાન્તરે મારે. તો કાલાન્તર સદ્યપ્રાણહર બની શકે અને ઓછો આઘાત હોય તો વૈકલ્યકર બની શકે. આઘાતના બળ અને રચનાના નુકસાન પર પરિણામનો આધાર હોય છે.
મર્મની ઘાતકતાનાં કારણો : મર્મની ઘાતકતાનું કારણ – ત્યાંની રક્તવાહિનીઓ તૂટે છે તેથી રક્તસ્રાવ થાય છે. શરીરમાં રક્ત જ જીવ છે. બીજું, ધાતુઓનો નાશ થાય છે, એકબીજાને પકડી રાખનાર સાંધાનો નાશ થાય છે, વાતવહ સૂત્રોનો નાશ થાય છે, હૃદય જેવાં અંગો આઘાતથી બંધ પડી જાય છે અને બહારનું સંક્રમણ થઈ મૃત્યુ કરનાર બને છે.
માલદાન હરિદાન બારોટ