મર્ઢેકર, બાળ સીતારામ (જ. 1909, ફૈઝપુર, જિ. જલગાંવ, મહારાષ્ટ્ર; અ. 1956, દિલ્હી) : ‘નવતર’ મરાઠી કવિતા અને વિવેચનના પ્રણેતા. તેમની કૃતિ ‘સૌંદર્ય આણિ સાહિત્ય’ (1955) માટે તેમને 1956ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને આઇ.સી.એસ.ની પરીક્ષા માટે લંડન ગયા. તેમાં તેમને નિષ્ફળતા મળી, પણ એ નિમિત્તે તેમનો સારો બૌદ્ધિક વિકાસ થયો.
ઇંગ્લૅન્ડના સાહિત્યિક પ્રવાહોના ઊંડા અવલોકનને પરિણામે તેમની સાહિત્ય-વિષયક રુચિ અને મુલવણીની શક્તિનું સુયોગ્ય ઘડતર થયું. તે 1932માં ભારત પાછા ફર્યા અને ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં મદદનીશ સંપાદક તરીકે જોડાયા. ત્યારબાદ ધારવાડ, મુંબઈ અને અમદાવાદની સરકારી કૉલેજોમાં અધ્યાપનકાર્ય સંભાળ્યું. આખરે 1938માં ઑલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા.
તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘શિશિરાગમ’ 1939માં પ્રગટ થયો. ‘કાહી કવિતા’ (1947) અને ‘આણખી કાહી કવિતા’(1951)માં તેમનાં આધુનિક કાવ્યોની પ્રતીતિ થાય છે. તેમની નવલકથાઓમાં ‘રાત્રિચા દિવસ’ (1942), ‘તામ્બડી માતી’ (1943) અને ‘પાણી’ (1948) ઉલ્લેખનીય છે.
આ ઉપરાંત તેમણે નાટક, સંગીત અને વિવેચનક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. કોઈ પણ સાહિત્યિક પરંપરાના આંધળા અનુકરણ સામે ઝુંબેશ ઉપાડવાની સાથે તેમણે સંસ્કૃત અને અંગ્રેજી અભિવ્યક્તિના દેખીતા અનુકરણને બદલે કાવ્યક્ષેત્રે હિંમતભર્યા અને નવીન પ્રયોગો કર્યા અને નવો પ્રતીકવાદ વિકસાવ્યો. તેમનાં બિનપરંપરાગત કલ્પનાચિત્રો અને ભાષા-વિષયક અભિનવ અર્થઘટનને લીધે તેમને ‘ક્રાંતિકારી કવિ’ તરીકેની નામના મળી.
તેમની પુરસ્કૃત કૃતિ ‘સૌંદર્ય આણિ સાહિત્ય’માં સાહિત્યિક મુલવણીના તેમના નવતર સિદ્ધાંતની વિશદ છણાવટ છે. આમાં સૌંદર્યમૂલક અભિગમ અને સાહિત્ય તથા વિવેચનાના સિદ્ધાંત પ્રસ્થાપિત થયા છે. આ વિશેષતાઓને કારણે આ કૃતિએ મરાઠી સાહિત્યમાં નવી કેડી પાડી ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા