મરચન્ટ, ઇસ્માઇલ (જ. 25 ડિસેમ્બર 1936, મુંબઈ) : સાહિત્યિક કૃતિઓ પર આધારિત બૌદ્ધિક અને વિચારોત્તેજક અંગ્રેજી ચિત્રોના ભારતીય નિર્માતા અને દિગ્દર્શક. દિગ્દર્શક જેમ્સ આઇવરી અને પટકથા-લેખિકા રૂથ પ્રવર જાબવાલા સાથે મળીને મરચન્ટે બનાવેલાં કેટલાંક ચિત્રો ઑસ્કાર ઍૅવૉર્ડ પણ મેળવી ચૂક્યાં છે. નિર્માતા-દિગ્દર્શક તરીકે મરચન્ટ અને આઇવરીની જોડી સૌથી વધુ ટકાઉ ગણાય છે, કારણ કે વર્ષોથી તે અખંડ રહી છે.
મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ પૂરો કરીને મરચન્ટે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના અભ્યાસ માટે ન્યૂયૉર્કમાં પ્રવેશ મેળવ્યો. એ દરમિયાન તેમણે એક લઘુચિત્ર ‘ધ ક્રિયેશન ઑવ્ વુમન’(1961)નું નિર્માણ કર્યું. આ ચિત્રને ઑસ્કાર ઍવૉર્ડ માટે નામાંકન મળ્યું હતું. એ જ વર્ષે દિલ્હી પર એક ચિત્ર બનાવવા ભારત આવેલા આઇવરી સાથે મરચન્ટની મુલાકાત થઈ અને બંનેએ મરચન્ટ-આઇવરી પ્રૉડક્શન્સની સ્થાપના કરી. નિર્માણની જવાબદારી મરચન્ટે અને દિગ્દર્શનની જવાબદારી આઇવરીએ સંભાળી. રૂથ પ્રવર જાબવાલાની નવલકથા ‘ધ હાઉસહોલ્ડર્સ’ પરથી તેમણે આ જ નામે પ્રથમ ચિત્ર બનાવ્યા બાદ જાબવાલા પણ આ ટીમમાં જોડાઈ ગયાં. ‘ધ હાઉસહોલ્ડર્સ’નાં મુખ્ય કલાકારો શશી કપૂર, લીલા નાયડુ અને દુર્ગા ખોટે હતાં. સંગીત સત્યજિત રાયે આપ્યું હતું. એ પછી ભારતીય કથાવસ્તુ લઈને તેમણે વધુ ત્રણ ચિત્રો ‘શેક્સપિયરવાલા’ (1965), ‘ધ ગુરુ’ (1969) અને ‘બૉમ્બે ટૉકી’(1970)નું નિર્માણ કર્યું. આ ચિત્રોની સફળતાથી પ્રેરાઈને મરચન્ટે જે ચિત્રોનું નિર્માણ કર્યું તેમાં ‘ઍડ્વેન્ચર્સ ઑવ્ બ્રાઉન મૅન’ (1970), હેન્રી જેમ્સની નવલકથા પર આધારિત ‘ધ યુરોપિયન’ (1979), જાબવાલાની નવલકથા પરથી ‘હીટ ઍન્ડ ડસ્ટ’ (1983), ઈ. એમ. ફૉર્સ્ટરની નવલકથા પરથી ‘એ રૂમ વિથ એ વ્યૂ’ (1985), ‘બૉસ્ટોનિયન્સ’, ‘મૉરિસ’ (1987), ‘હાર્વર્ડ્ઝ એન્ડ’ (1992), ‘રિમેઇન્સ ઑવ્ ધ ડે’ (1993) ચિત્રો વિવેચકોએ વખાણ્યાં. ‘એ રૂમ વિથ એ વ્યૂ’ને શ્રેષ્ઠ ચિત્ર અને શ્રેષ્ઠ દિગ્દર્શક સહિત ઑસ્કાર ઍવૉર્ડ માટે આઠ નામાંકન મળ્યાં હતાં અને ત્રણ ઑસ્કાર ઍવૉર્ડ મળ્યા હતા. ‘મૉરિસ’ ચિત્રને શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન મળ્યું હતું, જ્યારે ‘હાર્વર્ડ્ઝ એન્ડ’ને શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ પટકથા અને શ્રેષ્ઠ દિગ્દર્શનના ત્રણ ઑસ્કાર ઍવૉર્ડ મળ્યા હતા. ‘રિમેઇન્સ ઑવ્ ધ ડે’ને આઠ ઑસ્કાર ઍવૉર્ડ મળ્યા હતા. 1994માં મરચન્ટે પણ દિગ્દર્શનની જવાબદારી સંભાળી હતી. હિંદી-ઉર્દૂ ચિત્ર ‘મુહાફિઝ’, ‘ધ પ્રોપ્રાઇટર’ અને 1999માં ‘કૉટન મેરી’નું તેમણે દિગ્દર્શન કર્યું. ખ્યાતનામ બંગાળી અભિનેતા સૌમિત્ર ચૅટરજી અંગે મરચન્ટે ‘ગાછ’ નામના એક દસ્તાવેજી ચિત્રનું પણ નિર્માણ કર્યું. ભારતીય વાનગીઓનું એક પુસ્તક ‘ઇસ્માઇલ મરચન્ટ્સ ઇન્ડિયન ક્વિઝિન’ પણ તેમણે આપ્યું છે.
હરસુખ થાનકી