મન્સાર્ટ, જૂલે-હાર્ડવિન (જ. 16 એપ્રિલ 1646, પૅરિસ; અ. 2 મે 1708, માર્લી) : જાણીતા ફ્રેંચ સ્થપતિ. તેઓ ફ્રાંસ્વા મન્સાર્ટના શિષ્ય હતા અને તેમના ભત્રીજાના ભત્રીજા થતા હતા અને 1666માં તેમની અટક જૂલે અપનાવી હતી. તેમના ઉપર મોટું ઋણ તેમને તાલીમ આપવાનાર લે વૂનું હતું. તેમણે અને લેબ્મે મળીને લે વૂની ભવ્ય શૈલીને વર્સેલ્સ ખાતેની ગાલરી દ ગ્લાસમાં પરિપૂર્ણતાએ પહોંચાડી. તેઓ લૂઈ ચૌદમાના દરબારની કલાવિષયક જરૂરતોને બરાબર સમજી શક્યા હતા, તેથી તેઓ રાજાના પ્રીતિપાત્ર સ્થપતિ બની શક્યા હતા. તેમના સત્તાવાર સ્થપતિ તરીકે તેમણે ભારે શ્રેષ્ઠતા દાખવી. રાજ્યાશ્રયને પરિણામે તેમનો વ્યવસાય ધીકતો રહ્યો અને તેમને બૅરન દ જૂય તથા કૉમ્તે દ સૅગૉનનું સન્માન પ્રાપ્ત થયું.
તેઓ દક્ષ, કામકાજમાં ઝડપી તથા અનુકૂળ થવાની પ્રકૃતિવાળા હોવાથી તેમને 1675માં દરબારી (royal) સ્થપતિ, 1685માં મુખ્ય (premier) સ્થપતિ અને 1699માં સુપરિન્ટેન્ડન્ટ દ બૅટિમેન્ટ્સમાં તરીકે નિયુક્ત કરાયા હતા. તેઓ ચિત્રકલા, સ્થાપત્ય અને શિલ્પની અકાદમીઓના નિયામક પણ બન્યા હતા.
રાજ્ય તરફથી તેમને સોંપાયેલી પ્રથમ કામગીરી તે ક્લૅગ્મી ખાતેની શૅટો (હવેલી) (1674) માટેની હતી. ત્યારપછી 1676માં વર્સેલ્સ ખાતેના મહેલના તમામ નિર્માણની કામગીરી તેમને સોંપવામાં આવી. તેમાં કૉલનૅડ, ગ્રાન્ડ ટ્રેનૉન (1687–88), સંભવત: ન્યૂ ઑરેન્જરી (1686–88) અને તેમના ભત્રીજાના સહકારમાં રૉબર્ટ દ કૉટ (1699) તથા કથીડ્રલથી નો સમાવેશ થતો હતો. તેમણે લે વૂના બગીચાના ફસાડની મધ્યસ્થ અટારીને ભરી દીધી હતી અને તેની લંબાઈ ત્રણ ગણી વધારી હતી. તેમણે માર્લી ખાતેની રાજવી પરિવારની શૅટો તથા પૅવિલિયનની રચના કરી હતી (1679–86 ત્યારબાદ તે નષ્ટ થયેલી). આ ઉપરાંત અનેક ખાનગી શૅટોની રચના પણ તેમણે કરી હતી, જેમાં ડૅમ્પિયરનો સમાવેશ થાય છે (1680). પૅરિસ ખાતેનું અશક્તો માટેનું દ્વિતીય ચર્ચ તથા તેનો અદ્ભુત ઘૂમટ (1693–1703), પૅલેસ દ વિક્ટરીઝ (1684–87) માટેનો લે-આઉટ તેમજ પ્લેસ વૅન્ડૉમ (1685) જેવાં નિર્માણો દ્વારા ભવ્યતાસભર નગર-આયોજન માટેની તેમની ક્ષમતાનો ખ્યાલ મળે છે. બરોક શૈલીની તેમની અભિરુચિ પૅરિસ ખાતેના અશક્તો માટેના ચૅપલ (1680–91)માં સર્વોચ્ચ આવિષ્કાર પામી છે.
તેમની ધૂમકેતુ જેવી ઝડપી કારકિર્દીને પરિણામે હરીફોમાં ઈર્ષ્યા પેદા થઈ અને સેંટ સિમૉને એવો આક્ષેપ મૂક્યો કે તે પોતાનાં તમામ બાંધકામો પોતાના વતી કરવા માટે છૂપી રીતે બીજા સ્થપતિઓ રાખતા હતા. તેમને લ ઍસ્યુરન્સ તથા પિયર લ પૉત્રે જેવા કુદરતી કલાપ્રતિભા ધરાવનારા સહાયકો મળ્યા હતા, પરંતુ તેમના પોતાનામાં પણ ખરેખરી દક્ષતા તથા ભવ્ય નિર્માણ માટે જરૂરી કલાસામર્થ્ય અને સૂઝ હતાં.
તેમના જીવનનાં અંતિમ વર્ષોમાં 1690ના દાયકામાં તેમના નિર્દેશન હેઠળ વર્સેલ્સ, ટ્રિનૉન તથા માર્લી ખાતેના કેટલાક ખંડોમાં તેઓ બરોકની ભવ્યતાસભર સ્થાપત્યશૈલી છોડી હળવી અને વિશેષ સુંદરતાપૂર્ણ શૈલી તરફ વળ્યાને આ અભિગમ રકૉકો શૈલી તરફનું પ્રથમ પગલું હોવાનું મનાયું.
સ્નેહલ શાહ
અનુ. મહેશ ચોકસી