મનીલા ઉપસાગર : ફિલિપાઇન્સમાં લ્યુઝોન ટાપુના દક્ષિણ નૈર્ઋત્ય ભાગમાં, મનીલાથી પશ્ચિમ તરફ આવેલો ઉપસાગર. તે દક્ષિણ ચીની સમુદ્ર તરફ પથરાયેલો છે. તેની લંબાઈ 65 કિમી. અને પહોળાઈ 55 કિમી. જેટલી છે. તેનાં જળ મોટાં જહાજો આવી શકે એટલાં ઊંડાં છે. મનીલા અને કેવિટ તેના કિનારા પર આવેલાં ઉત્તમ કક્ષાનાં બારાં છે. મનીલા શહેર લ્યુઝોન ટાપુ માટેનું પ્રવેશદ્વાર બની રહેલું છે. આ ઉપસાગરના મુખ પાસે કોરીગિડોરનો કિલ્લેબંધીવાળો ખડકાળ ટાપુ આવેલો છે. કોરીગિડોર ટાપુ ખાતે બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન કેટલાંક ભીષણ યુદ્ધ ખેલાયેલાં. બીજા વિશ્વયુદ્ધના પ્રારંભે જાપાનીઓએ આ ટાપુ પર આક્રમણ કરેલું. મનીલા ઉપસાગર ખાતે 1898ની સ્પૅનિશ-અમેરિકન લડાઈ દરમિયાન કૉમોડૉર જ્યૉર્જ ડ્યૂઈની દોરવણી હેઠળનાં અમેરિકી દળોએ સ્પૅનિશ દળોનો નાશ કરેલો.
ગિરીશભાઈ પંડ્યા