મનીલા : ફિલિપાઇન્સનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 14° 35´ ઉ. અ. અને 121° 0´ પૂ. રે. તે દેશનું મુખ્ય આર્થિક, રાજકીય, સામાજિક અને શૈક્ષણિક મથક હોવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય બંદરી પ્રવેશદ્વાર પણ છે. ફિલિપાઇન્સની રાષ્ટ્રીય ભાષા ફિલિપીનોના મે (may) અર્થાત્ ‘છે’ તથા નિલાડ (nilad) અર્થાત્ ‘મનીલા ઉપસાગરને કિનારે ઊગતો છોડ’ – એ બે શબ્દોમાંથી ‘મનીલા’ નામ ઊતરી આવેલું છે; મેનિલાડમાંથી મેનિલા અને તેમાંથી મનીલા થયેલું છે.
મનીલા શહેર મનીલા ઉપસાગરના કિનારા પર લ્યુઝોન ટાપુ પર થઈને વહેતી પૅસિગ નદીના મુખ પર હૉંગકૉંગથી અગ્નિકોણમાં આશરે 950 કિમી.ને અંતરે તથા જાકાર્તાથી ઉત્તરમાં આશરે 2,400 કિમી.ને અંતરે આવેલું છે. તે મનીલા ઉપસાગરની પહોળી ખાડી મારફતે ચીની સમુદ્રને મળતી પૅસિગ નદીના નીચાણવાળા મેદાનનો ભાગ આવરી લે છે. શહેર કાંપના થરો પર તેમજ દરિયાકિનારાની નવસાધ્ય ભૂમિ પર સમુદ્ર-સપાટીથી થોડીક જ ઊંચાઈએ વસેલું છે. અગાઉ આ શહેરનો કેટલોક ભાગ પંકભૂમિ પર હતો. વધતી જતી વસ્તી માટે પૂરણી કરીને તેને નવસાધ્ય બનાવવામાં આવેલો છે. મનીલાથી ઉત્તરમાં કલૂકન અને નવોતાસ, ઈશાનમાં ક્વિઝોન, પૂર્વમાં સાન જુઆન અને મંદાલુયાંગ તથા અગ્નિકોણમાં પસાય અને મકાતી આવેલાં છે.
મનીલાની આબોહવા ભેજવાળી અને અયનવૃત્તીય પ્રકારની છે. અહીં જૂનથી નવેમ્બરની વર્ષાઋતુ અને ડિસેમ્બરથી મે સુધી ઉનાળો–એ પ્રમાણેની બે ઋતુઓ સ્પષ્ટપણે જુદી પડે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના ઠંડા તથા એપ્રિલ અને મે મહિના ગરમ રહે છે. દરિયાઈ લહેરો અને ભૂમિલહેરોથી હવામાન તેમજ રાત્રિઓ નરમ અને માફકસરનાં રહે છે. દર મહિને તાપમાન પણ બદલાતું રહે છે. જુલાઈ-ઑગસ્ટમાં વધુ વરસાદ પડે છે, જ્યારે એપ્રિલ-મે તદ્દન કોરા અને સૂકા જાય છે. મનીલા ઉપસાગરના પશ્ચિમ ભાગમાંથી ઉદભવતા ટાઇફૂનથી સિયેરા માદ્રે (Sierra Madre) પર્વતો તથા બાતાન (Bataan) દ્વીપકલ્પના પર્વતોની આડશને કારણે મનીલા શહેર તેમજ બંદરને રક્ષણ મળી રહે છે. મધ્ય અને દક્ષિણ લ્યુઝોનના સમૃદ્ધ કૃષિપ્રદેશોને લીધે મનીલા શ્રેષ્ઠ કક્ષાનું બંદર બની રહેલું છે.
1904માં અમેરિકન સ્થપતિ ડૅનિયલ બર્નહામે આ શહેરનું નિર્માણ કરવાની યોજના મૂકેલી. તેમણે આ શહેરના વિકાસ માટે પાંચ બાબતો વિચારી રાખેલી, પરંતુ તેમના આયોજન અને ધારણા મુજબ શહેરનો વિકાસ શક્ય બની શક્યો નહિ. શહેરના મોટાભાગના રસ્તા અહીં મધ્ય ભાગ તરફ ભેગા થયા છે. શહેરની મધ્યમાં માર્કેટ સંકુલ વિકસ્યું છે. પૅસિગ નદી શહેરને ઉત્તર અને દક્ષિણ વિભાગોમાં વહેંચી નાખે છે. શહેર 14 વહીવટી વિભાગોમાં પણ વહેંચાયેલું છે. દરેક વિભાગને પોતાનાં વાણિજ્ય-કેન્દ્ર, દેવળ અને શાળાઓ છે. ક્વીઆપો, સાન્તા-ક્રૂઝ, સાન નિકોલસ અને બિનોન્ડો અહીંનાં વેપાર-વાણિજ્યનાં કેન્દ્રો છે. ઉત્તર કિનારા તરફ આવેલા તોન્ડોમાં અહીંના મોટાભાગના લોકો વસે છે. તે દેશના અંદરના ભૂમિભાગો માટેનું જહાજપ્રવેશનું બંદર ગણાય છે. શહેરના સાન મિગેલ સ્થળ ખાતે માલાકેનાંગ મહેલ આવેલો છે. તે સ્પૅનિશ અને અમેરિકન ગવર્નર-જનરલનું નિવાસસ્થાન રહેલો, હવે તે ફિલિપાઇન્સના પ્રમુખના નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાય છે. અહીંની યુનિવર્સિટીઓમાં સેન્ટો ટૉમસ, નૅશનલ યુનિવર્સિટી, મનીલા યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑવ્ ઈસ્ટનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય જહાજો માટેનું પ્રવેશદ્વાર ગણાતો બંદર વિસ્તાર ‘પૉર્ટ એરિયા’ કિનારાના દક્ષિણ ભાગમાં આવેલો છે. દરિયાકિનારાના આ વિસ્તારમાં શહેરના મધ્યમ તેમજ વૈભવી કક્ષાના આવાસો આવેલા છે. હોટેલો અને એલચીકચેરીઓ પણ અહીં જ આવેલી છે. આ વિસ્તાર શહેરનો સૌથી વધુ વ્યસ્ત રહેતો વિસ્તાર ગણાય છે.
અહીંની બસો, ટૅક્સીઓ તેમજ શણગારેલી જીપો વાહનવ્યવહારને જીવંત રાખે છે, તથા ઉત્તર અને દક્ષિણ લ્યુઝોનને અવરજવરની સેવા આપે છે. પૅસિગ નદી દ્વારા જળવાહનવ્યવહાર ચાલે છે. ફિલિપાઇન્સનો રેલમાર્ગ મનીલામાંથી પસાર થાય છે. અહીં આંતરિક તેમજ આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા પણ ઉપલબ્ધ છે; તેમ છતાં વસ્તીવધારાથી શહેર વિસ્તરેલું હોવાથી અહીં વાહનવ્યવહારની સમસ્યા ઊભી થયેલી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા શહેર વચ્ચેથી પસાર થતી સ્થાનિક રેલસેવાનો ઉપયોગ શરૂ કરવામાં આવેલો છે.
લોકો : 400 વર્ષ અગાઉ મનીલા અહીંના ઉપસાગર પરનું એક નાનકડું સ્થળ હતું. આ સ્થળે દેશના જુદા જુદા ભાગોમાંથી લોકો નોકરી, શિક્ષણ તેમજ વેપાર માટે આવીને વસતા ગયા. વીસમી સદીના અંતિમ ચરણમાં તો સ્થળાંતરવાસીઓના ધસારાથી અહીંની વસ્તી 2.2 લાખમાંથી 20 લાખની થઈ ગઈ ! અગાઉ વસ્તીની ગીચતા જે દર ચોકિમી.દીઠ સરેરાશ 5,700 વ્યક્તિની હતી તે હવે 52,000 વ્યક્તિની થઈ ગઈ છે. વસ્તીવૃદ્ધિનો દર વાર્ષિક 3 % જેટલો છે. ફિલિપાઇન્સનાં બધાં જ શહેરોમાં મનીલા વધુપડતી ગીચ વસ્તીવાળું છે, એટલું જ નહિ, વસ્તીનું વિતરણ પણ ઘણું જ અનિયમિત છે. તોન્ડો વિસ્તાર ઘણો ગીચ છે, તેનાથી ઊલટું બંદરી વિસ્તાર ઓછામાં ઓછો ગીચ છે. વસ્તી પચરંગી છે. 1990 મુજબ શહેરની વસ્તી 16,01,000 અને ક્વિઝોન સહિત મહાનગરની વસ્તી 90,00,000 (1994) છે. વસ્તીનો મોટોભાગ ફિલિપીનોથી બનેલો છે. ચીની લોકોનું પ્રમાણ 6 % જેટલું છે, જ્યારે વિદેશીઓ(અમેરિકી, યુરોપીય, એશિયાઈ)નું પ્રમાણ 3 % જેટલું છે. અહીંના 92 % નિવાસીઓ કૅથલિક છે, 2 % પ્રૉટેસ્ટંટ છે, 2 % બૌદ્ધ છે. વસ્તીના વિકાસને કારણે રહેઠાણોની તીવ્ર તંગી વરતાય છે. સરકારે ગરીબો માટે ટેનામેન્ટ પ્રકારનાં મકાનો બાંધી આપ્યાં છે, તેમ છતાં જગાના અભાવે તથા મકાન-નિર્માણનો જંગી ખર્ચ પોષાતો ન હોવાથી ઘણા લોકો જાહેર જગ્યાઓ પર પણ રહે છે. અહીંનાં 40 % કુટુંબોને પોતાના આવાસો છે, બાકીના ભાડાનાં મકાનોમાં રહે છે. અહીંનાં મકાનો, દેવળો, શાળાઓ, સરકારી મકાનો, થિયેટરો વગેરે મલાયન, સ્પૅનિશ, અમેરિકી કે ચીની બાંધણી-શૈલીનાં છે.
અર્થતંત્ર : મનીલા શહેર લ્યુઝોન ટાપુ પરનું મહત્વનું વાણિજ્ય, વેપાર અને ઉદ્યોગનું મથક છે. અહીંના વેપારીઓ તેમનો ધંધો દેશમાં તેમજ બંદરી સુવિધા ઉપલબ્ધ હોવાથી વિદેશો સાથે પણ કરે છે. મનીલાનો મોટાભાગનો આયાત-નિકાસનો વેપાર મનીલા બંદર મારફતે થાય છે. આ કારણે અહીં બૅંકોની સંખ્યા પણ સારી છે. મનીલા એ ઔદ્યોગિક બંદર છે અને અહીં કાપડ, તમાકુ, દારૂ, રસાયણો અને જહાજ-બાંધકામના ઉદ્યોગો આવેલા છે. આ શહેરમાં ખોરાકી ચીજો, છાપકામ, પ્રકાશન, પગરખાં, રંગો, વાર્નિશ, કાપડ, દોરડાં, સાબુ, સિગાર –સિગારેટનું ઉત્પાદન થાય છે. અહીં કાર્યરત મોટાભાગનાં કારખાનાં નાનાં છે, તેમજ તેના ઉત્પાદકો નાનાં સાધનોનો ઉપયોગ કરે છે. મોટાભાગનાં કારખાનાં તોન્ડો, સાન નિકોલસ, બિનોન્ડો અને સાન્તાક્રૂઝ ખાતે આવેલાં છે. ભારે ઉદ્યોગો પાંડાકન, પૅકો અને સાન્તા એના ખાતે છે. અહીંના નિવાસીઓને પ્રદૂષણથી રક્ષણ મળી રહે તે હેતુથી સિટી હૉલથી 50 કિમી.ના અંતરમાં નુકસાન કરે એવા ઉદ્યોગો સ્થાપવા પર પ્રમુખ તરફથી પ્રતિબંધ મૂકેલો છે. મેટ્રોપૉલિટન વૉટરવર્કસ અને સ્યૂઅરેજ ઑથોરિટી શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે, જ્યારે કેટલીક ખાનગી કંપનીઓ દેશ તેમજ વિદેશ માટે ટેલિફોનની સુવિધા પૂરી પાડે છે.
વહીવટ : મનીલા શહેર મહાનગર ‘મહા-મનીલા’નો એક વિભાગ છે. આ વિસ્તારનો વહીવટ પાંચ સભ્યોથી બનેલું પંચ (commission) ચલાવે છે. મહામનીલામાં ચાર શહેરો અને તેર નાનાં નગરોનો સમાવેશ થાય છે. પ્રત્યેક શહેર અને નગરનો વહીવટ ચૂંટાયેલા નગરપતિ દ્વારા થાય છે. ચારે શહેરો પૈકી મનીલા અને ક્વિઝોન મોટાં છે. મનીલા શહેરનો વહીવટ મતદારો દ્વારા ચૂંટાયેલા નગરપતિ, નાયબ નગરપતિ અને 36 કાઉન્સિલ સભ્યો દ્વારા થાય છે; નગરપતિ મુખ્ય વહીવટકર્તા ગણાય છે. શહેરી કાઉન્સિલનું કાર્ય ધારાકીય બાબતો અને કરવેરા નક્કી કરવાનું હોય છે. ન્યાયખાતું પ્રૉસિક્યૂટરની કચેરી સંભાળે છે. મહાનગરની અદાલતો સુપ્રીમ કૉર્ટની રાહબરી હેઠળ ચાલે છે. અહીં કુલ 6 જિલ્લાઓ છે. હાઉસ ઑવ્ રેપ્રેઝન્ટેટિવ્ઝમાં દરેક જિલ્લાનો એક પ્રતિનિધિ બેસે છે.
દૂર પૂર્વના આ વિસ્તારમાં મનીલા ખાતે સ્વાસ્થ્ય-સંભાળની વ્યવસ્થા શ્રેષ્ઠ પ્રકારની છે. અહીં નિ:શુલ્ક સેવા આપતાં મ્યુનિસિપાલટીનાં દવાખાનાં અને સ્વાસ્થ્ય-કેન્દ્રો આવેલાં છે. રાષ્ટ્રીય સરકાર તરફથી ચલાવાતી હૉસ્પિટલો પણ અહીં છે, તે પૈકી ફિલિપાઇન જનરલ હૉસ્પિટલ, સાન લાઝોરો હૉસ્પિટલ તેમજ બાળ-પ્રસૂતિગૃહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય ખાનગી હૉસ્પિટલો તેમજ સારવાર-કેન્દ્રોની સગવડ પણ છે. મહાનગર પોલીસ કમાન્ડ હેઠળ જિલ્લા પોલીસનાં ધારાકીય દળોના અધિકારીઓ કાયદો અને વ્યવસ્થા જાળવે છે.
રાષ્ટ્રીય સરકારની સહાયથી આ શહેર નિ:શુલ્ક પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ પૂરું પાડે છે. વિકલાંગ બાળકો, અનાથ બાળકો તેમજ પુખ્ત વયના વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષણ મેળવવાની અહીં પૂરતી તકો મળી રહે છે. આ શહેરમાં મનીલા યુનિવર્સિટી પણ છે. મનીલામાં ઉચ્ચ શિક્ષણ માટેની ખાનગી શૈક્ષણિક સંસ્થાઓની સગવડ પણ છે. 1611માં સ્થપાયેલી સાન્ટો ટૉમસ યુનિવર્સિટી આ પૈકીની એક છે. તે યુ.એસ.ની હાર્વર્ડ યુનિવર્સિટીથી પણ જૂની છે.
સાંસ્કૃતિક જીવન : મનીલા ઉપસાગરના નવસાધ્ય વિસ્તાર પર આવેલું ફિલિપાઇન સાંસ્કૃતિક કેન્દ્ર ચિત્રો, નાટકો, સંગીત અને લોકનૃત્યનો સમાવેશ કરતાં કલાનાં વિવિધ પાસાં રજૂ કરે છે. મનીલાની મુખ્ય ઇમારતોમાં નૅશનલ મ્યુઝિયમ અને નૅશનલ લાઇબ્રેરી મુખ્ય છે. આ સંગ્રહાલયમાં પુરાતત્વીય ઇતિહાસની અને કુદરતી ઇતિહાસની બાબતો નોંધપાત્ર રીતે પ્રદર્શિત થયેલી જોવા મળે છે. અહીં ફિલિપીન તેમજ અંગ્રેજી ભાષામાં દૈનિક પત્રો, સાપ્તાહિકો અને મૅગેઝીનો બહાર પડે છે. મનીલા મહાનગર વિસ્તારમાં રેડિયો- પ્રસારણનાં ઘણાં મથકો તેમજ પાંચ ટેલિવિઝનમથકો આવેલાં છે. અહીં ઓપન એર થિયેટર ધરાવતો રિઝાલ પાર્ક, રમતગમતનું મેદાન, ગ્રાન્ડ સ્ટૅન્ડ, જાપાની અને ચીની બાગ, રાષ્ટ્રીય વીર હોસે (Jose) રિઝાલનું સ્મારક તથા ઉપસાગર પરનો રેતાળ કંઠારપટ જેવાં મનોરંજન સ્થળો છે. વળી અહીં વનસ્પતિ-ઉદ્યાન, પ્રાણીબાગ, પૅકો મેમૉરિયલ પાર્ક અને મેહન ગાર્ડન પણ છે. રિઝાલ મેમૉરિયલ સ્ટેડિયમ અને પોપ પાયસ XII કૅથલિક સેન્ટર રમતોની સુવિધાઓ પૂરી પાડે છે. તદુપરાંત અહીં ખાનગી થિયેટરો, ઘોડદોડ તેમજ કૂકડા-લડાઈનાં મનોરંજન-સ્થળો પણ આવેલાં છે.
ઇતિહાસ : મનીલાની સ્થાપના સ્પેને 1571માં કરેલી. 1898માં યુ.એસ.એ તેનો કબજો લઈ લીધેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનીઓએ તેનો કબજો મેળવેલો. યુ.એસ. અને જાપાની દળો વચ્ચેની લડાઈમાં પૅસિગ નદીની દક્ષિણ તરફના જૂના શહેરનો કચ્ચરઘાણ વળી ગયેલો. 1948–76માં તેને બદલે ક્વિઝોન શહેર વસાવવામાં આવ્યું.
ગિરીશભાઈ પંડ્યા