મનાબે, સુકુરો (Manabe, Syukuro) (જ. 21 સપ્ટેમ્બર 1931, શિંગુ, જાપાન) : પૃથ્વીના હવામાનના ભૌતિક પ્રતિરૂપ (model) માટે, હવામાનના બદલાવ(પરિવર્તન)ને પ્રમાત્રીકૃત કરવા માટે તથા વધતા જતા વૈશ્વિક ઉષ્ણતામાનનું વિશ્વસનીય અનુમાન કરવા માટે 2021નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ સ્યુકુરો મનાબે તથા સ હૅસલમૅનને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. અન્ય અર્ધભાગ જ્યૉર્જ્યો પારિસીને પરમાણુઓથી ગ્રહો સુધીના પરિમાણની ભૌતિક પ્રણાલીઓમાં અવ્યવસ્થા અને ઉચ્ચાવચ(વધઘટ)ની પરસ્પર ક્રિયાની શોધ માટે પ્રાપ્ત થયો હતો.
સ્યુકુરો માનાબેના પિતા તથા દાદા બંને ડૉક્ટર હતા. માનાબેએ એહિમ પ્રિફ્રૅક્ચરલ મિશિમા હાઈસ્કૂલમાં શાળાકીય શિક્ષણ લીધું. તેમના એક સહવિદ્યાર્થીના કહેવા પ્રમાણે બાળપણમાં પણ તેઓ હવામાન વિશે વિચારતા અને કહેતા, ‘જો જાપાનમાં વાવાઝોડાં (typhoon) ન આવતાં હોય તો આટલો બધો વરસાદ ન પડતો હોત.’ જ્યારે તેમણે યુનિવર્સિટી ઑવ્ ટોકિયોમાં પ્રવેશ મેળવ્યો ત્યારે તેમના કુટુંબને અપેક્ષા હતી કે તેઓ તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કરશે. પરંતુ માનાબેને લાગતું હતું કે તેમનામાં સારા ડૉક્ટર બનવાનાં લક્ષણો નથી, અલબત્ત તેમનાં લક્ષણો પ્રમાણે તેઓ આકાશમાં સતત તાક્યા કરતા અને પોતાના વિચારોમાં ખોવાઈ જતા. તેમણે હવામાનશાસ્ત્રનો મુખ્ય વિષય તરીકે અભ્યાસ કર્યો. માનાબેએ સ્નાતક, અનુસ્નાતક તથા ડૉક્ટર ઑવ સાયન્સની પદવીઓ યુનિવર્સિટી ઑવ્ ટોકિયોમાંથી પ્રાપ્ત કરી. ત્યારબાદ અમેરિકા જઈ ત્યાંના હવામાનખાતામાં સંશોધન વિભાગમાં કાર્ય કર્યું. 1997થી 2001 દરમિયાન જાપાનમાં ગ્લોબલ વૉર્મિંગ સંશોધન વિભાગમાં નિર્દેશક તરીકે કામ કર્યું. 2002માં તેઓ અમેરિકા પાછા ફર્યા અને ત્યાં હવામાન અને સમુદ્રવિજ્ઞાન ક્ષેત્રે પ્રિન્સટન યુનિવર્સિટીમાં કામ કર્યું. હાલમાં તેઓ ઉચ્ચ હવામાનશાસ્ત્રી તરીકે પ્રિન્સટન યુનિવર્સિટીમાં કાર્યરત છે.
સ્યુકુરો માનાબે અનેક પુરસ્કારોથી સન્માનિત થયા છે. 1992માં તેઓ અસાહી ફાઉન્ડેશનનું બ્લૂ પ્લેનેટ પ્રાઇઝ મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા. 1997માં વોલ્વો ફાઉન્ડેશન તરફથી તેમને વોલ્વો પર્યાવરણ પુરસ્કાર પ્રાપ્ત થયો. 2015માં તેમને બેન્જામિન ફ્રેન્કલિન ચંદ્રક પ્રાપ્ત થયો. દસકાઓ પહેલાં તેમણે કાર્બન મોનોક્સાઇડના વધતા જતા પ્રમાણથી પૃથ્વીનું ઉષ્ણતામાન કેટલું વધશે તેનું સચોટ અનુમાન કર્યું. હવામાનને લગતા અભ્યાસ માટે તેમણે વિકસાવેલા મૉડલનો ઉપયોગ થાય છે. 2021માં તેમને નોબેલ પુરસ્કાર ઉપરાંત ઑર્ડર ઑવ્ કલ્ચરનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
પૂરવી ઝવેરી