મધ્ય જીવયુગ (Mesozoic Era) : ભૂસ્તરીય ઇતિહાસના મુખ્ય યુગો પૈકીનો એક. ભૂસ્તરીય કાળ દરમિયાન થયેલી જીવનસ્વરૂપોની ઉત્ક્રાંતિના સંદર્ભમાં ‘મધ્ય જીવયુગ’ શબ્દનું અર્થઘટન કરતાં કહી શકાય કે પ્રથમ જીવયુગ (palaeozoic era) અને તૃતીય જીવયુગનાં જીવનસ્વરૂપોની વચગાળાની કક્ષાનું જીવન આ યુગ દરમિયાન અસ્તિત્વ ધરાવતું હોવાથી આ નામ સાર્થક બની રહે છે. પ્રથમ જીવયુગ પૂરો થયા પછી અને તૃતીય જીવયુગ શરૂ થયા અગાઉનો ભૂસ્તરીય કાળગાળો એટલે મધ્ય જીવયુગ. તેની ખડક-રચનાઓની જમાવટ આજથી ગણતાં 22.5 કરોડ વર્ષ અગાઉથી શરૂ થઈને 6.5 કરોડ વર્ષ અગાઉ સુધીના 16 કરોડ વર્ષના ગાળા દરમિયાન થયેલી છે. તેની નીચે પ્રથમ જીવયુગની પર્મિયન ખડક-રચના અને ઉપર તૃતીય જીવયુગની પેલિયોસીન ખડક-રચના આવે છે. નીચેની સરહદ પૂરતી સ્પષ્ટ ન હોવાથી તેમજ ટ્રાયાસિક નિક્ષેપો સાથે ભળી જતી હોવાથી તે પર્મો-ટ્રાયાસ તરીકે ઓળખાય છે. વળી ઘણા વિસ્તારોમાં તે ખંડીય નિક્ષેપોથી બનેલી હોવાથી તેની સીમારેખા જુદી પાડવી મુશ્કેલ બની જાય છે.
આ યુગના પ્રારંભમાં વેરિસ્કન(અમેરિકામાં ઍપેલેશિયન, યુરોપમાં હર્સિનિયન) ગિરિનિર્માણનો છેલ્લો તબક્કો પૂરો થાય છે, જ્યારે આ યુગના અંત વખતે આલ્પાઇન-હિમાલયન ગિરિનિર્માણનાં પગરણ મંડાય છે; એટલું જ નહિ, એ વખતે દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને ભારતમાં તો ઘણા મોટા વિસ્તારો જ્વાળામુખી-પ્રસ્ફુટનોથી નીકળેલા લાવાના થરોથી છવાઈ જાય છે. મધ્ય જીવયુગનો 16 કરોડ વર્ષનો સમગ્ર કાળગાળો સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની મોટા પાયા પરની ભૂસંચલનક્રિયાથી રહિત હોઈ શાંતિનો કાળ ગણાય છે, જે દરમિયાન આલ્પાઇન-હિમાલયન (ટેથિયન) ભૂસંનતિમય થાળામાં વિક્ષેપરહિત નિક્ષેપની જમાવટ થયા કરી છે.
સારણી 1
યુગ | કાળ | વર્ષ (વ.પૂ.) |
1 | 2 | 3 |
———————————–0 વર્ષ————————- | ||
કેનોઝોઇક યુગ
(તૃતીય-ચતુર્થ જીવયુગ) |
ક્વાટર્નરી | |
ટર્શ્યરી | ||
—————————————6.5 કરોડ વર્ષ—————- | ||
મેસોઝોઇક યુગ
(મધ્ય જીવયુગ) |
ક્રિટેશિયસ | |
જુરાસિક | ||
ટ્રાયાસિક | ||
—————————————22.5 કરોડ વર્ષ————— | ||
પેલિયોઝોઇક યુગ (પ્રથમ જીવયુગ) |
પર્મિયન | |
કાર્બોનિફેરસ | ||
ડેવોનિયન | ||
સાઇલ્યુરિયન | ||
ઑર્ડોવિસિયન | ||
કૅમ્બ્રિયન | ||
—————————————57 કરોડ વર્ષ—————- | ||
પ્રી-કૅમ્બ્રિયન મહાયુગ | ||
પૃ થ્વી ની ઉ ત્પ ત્તિ | —–460 કરોડ વર્ષ—– |
પૃથ્વીના પટ પર ભૂચર, જળચર અને ખેચર પ્રકારનાં રાક્ષસી કદનાં સરીસૃપોનું વર્ચસ્ હોવાની બાબત આ યુગની અનોખી લાક્ષણિકતા બની રહેલી. તેના પરથી આ યુગને ‘સરીસૃપોનો યુગ’ – age of dinosaurs (reptiles) – પણ કહે છે. વળી આ યુગના પ્રારંભથી જ સર્વપ્રથમ સસ્તન પ્રાણીઓની શરૂઆત થાય છે. પ્રથમ જીવયુગનાં મૃદુશરીરી (mollusca), શૂળત્વચી (echinodermata) અને બ્રૅકિયોપૉડ અપૃષ્ઠવંશી પ્રાણીઓ પણ ટકી રહેલાં દેખાય છે.
મધ્ય જીવયુગની ખડક-રચનાઓને ત્રણ વિભાગોમાં વિભાજિત કરેલી છે : નિમ્ન વિભાગને ટ્રાયાસિક, મધ્ય વિભાગને જુરાસિક અને ઊર્ધ્વ વિભાગને ક્રિટેશિયસ નામથી ઓળખવામાં આવે છે. ભૂસ્તરીય કાળક્રમના સંદર્ભમાં મધ્ય જીવયુગની સ્થિતિ સારણી 1 પરથી સ્પષ્ટ બની રહે છે.
ભારત : મધ્ય જીવયુગનો ગૉંડવાના કાળ : જીવનસ્વરૂપોની ઉત્ક્રાંતિ માટેનો આ કાળગાળો પ્રથમ જીવયુગ અને કેનોઝોઇક યુગ વચ્ચેનો સંક્રાંતિકાળ ગણાય છે. પ્રથમ જીવયુગ પૂરો થતા પહેલાં તો સરીસૃપો દુનિયાભરમાં પોતાનું વર્ચસ્ સારી રીતે સ્થાપિત કરી ચૂક્યાં હોય છે; એટલું જ નહિ, આ કાળના અંત સુધી તો તેમણે તેમનું આધિપત્ય જાળવી પણ રાખેલું. આ કારણે જ તો મધ્ય જીવયુગને ‘સરીસૃપોનો યુગ’ જેવા નામથી નવાજવામાં આવેલો છે. આ બાબત સૂચવે છે કે પ્રથમ જીવયુગમાં અંતિમ કાળમાં પ્રવર્તેલા ભૌગોલિક-પર્યાવરણીય સંજોગો મધ્ય જીવયુગમાં પણ ચાલુ રહ્યા છે.
ખંડીય પ્રવહન સિદ્ધાંતની સંકલ્પના પર આધારિત ગૉંડવાના કાળના મુખ્ય ભૂમિસમૂહો અને સમુદ્રોનું વિતરણ અહીં આપેલા (પર્મિયનથી નિમ્ન ક્રિટેશિયસના) નકશાઓમાં દર્શાવાયું છે.
ટ્રાયાસિકના પ્રારંભે ખંડો દરિયાની સપાટીથી ઊંચકાય છે. ઊંચકાયેલા ભાગોમાંથી સ્થાનાંતરિત ઘસારાદ્રવ્ય નજીકના સમુદ્રોમાં જમા થાય છે. યુરેશિયા અને ગૉંડવાના વચ્ચેનો ટેથિસ મહાસાગર નિક્ષેપબોજથી ક્રમે ક્રમે દબાતો જઈ ઊંડો બનતો જાય છે. તેનો એક ફાંટો દક્ષિણે અરબસ્તાન પર થઈને આફ્રિકાના પૂર્વ કિનારે માડાગાસ્કર સુધી લંબાય છે. એમ કહી શકાય કે તત્કાલીન ગૉંડવાના ખંડે આજના હિન્દી મહાસાગરનો મોટો ભાગ આવરી લીધેલો. અંતિમ ક્રિટેશિયસ વખતે આ ખંડ ટુકડાઓમાં વિભાજિત થાય છે, વિભાજન-ફાટોમાંથી બેસુમાર લાવાનાં પ્રસ્ફુટનો થતાં જ જાય છે. તેમાંથી પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતની ‘ડેક્કન ટ્રૅપ’ રચના તૈયાર થયેલી છે. ક્રિટેશિયસમાં શરૂ થયેલ આ પ્રસ્ફુટનો ટર્શ્યરીના ઇયોસીન કાળ સુધી ચાલુ રહે છે.
સારણી 2 : ભારતની મધ્ય જીવયુગની મુખ્ય રચનાઓ અને તેમનો અરસપરસનો સહસંબંધ
હિમાલય વિસ્તાર | દ્વીપકલ્પીય વિસ્તાર | |||||
ક્રિટેશિયસ | કાશ્મીર
અસ્તોર, બર્ઝિલ અને દ્રાસની જ્વાળામુખી રચના; લડાખના ક્રિટેશિયસ ખડકો |
સ્પિટી
ફ્લીશ ચિક્કિમ ગિયુમલ |
ગઢવાલ-કુમાઉં
અભ્યાગત ખડકો ફ્લીશ (કુમાઉં સરહદે) |
ત્રિચિ-પાડિચેરીના
મધ્ય-ઊર્ધ્વ ક્રિટેશિયસ ખડકો |
ડેક્કન ટ્રૅપ
લેમેટા બાઘ સ્તરો (નર્મદા ખીણ) |
રાજસ્થાનના નિમ્ન ક્રિટેશિયસ
ખડકો, કચ્છની ઉમિયા શ્રેણી |
જુરાસિક | પશ્ચિમ ગઢવાલના સ્પિટીશેલ અને તાલ | ઊર્ધ્વ ગોંડવાના | ||||
કિયોટો ચૂનાખડક | જબલપુર | |||||
મેગાલોડોન ચૂનાખડક | રાજમહાલ અને એબોર ટ્રૅપ (નેફા) | કચ્છના જુરાસિક, રાજમહાલ અને પશ્ચિમ રાજસ્થાન | ||||
ટ્રાયાસિક | ટ્રાયાસ પંજાલ- જ્વાળામુખી ખડકો | લિલાંગ | મલ્લા જોહારના અભ્યાગત ખડકો (કુમાઉં સરહદે) | સિક્કિમ અને એવરેસ્ટના ટ્રાયાસ | મધ્ય ગોંડવાના મલેરી મહાદેવ પંચેટ |
ટ્રાયાસિકના પ્રારંભની સાથે જૂનાં પ્રાણી-સ્વરૂપોનો નાશ થાય છે, નવાં ઉદય પામે છે. સમુદ્રોમાંનાં જૂનાં ત્રિખંડી, પરવાળાં, યુરિપ્ટેરિડ, સિસ્ટોઇડ અને બ્લાસ્ટોઇડ વિલોપ પામે છે. બ્રૅકિયોપૉડ તેમનું મહત્વ ગુમાવે છે, તેમની સંખ્યામાં પણ ઘટાડો થાય છે. પરવાળાં નવાં કલેવર ધરે છે, જે સ્વરૂપો હજી આજે પણ જોવા મળે છે. સીફેલોપૉડ દરિયાઈ પ્રાણીઓ તરીકે પ્રધાન સ્થાન ભોગવતાં થાય છે. ટ્રાયાસિકમાં ઉદય પામેલાં ઍમોનાઇટ વિસ્તરીને વિવિધ જાતોમાં ફેરવાતાં જાય છે, મહત્તમ કક્ષાએ પહોંચ્યા પછી તે તેમની ગૂંચળાં-સ્વરૂપ બનવાની ક્ષમતા ગુમાવે છે, ઊર્ધ્વ ક્રિટેશિયસ સુધીમાં તો તેમનો પણ વિલોપ થઈ જાય છે. ગૅસ્ટ્રોપૉડ, લેમેલિબ્રૅન્ક, શૂળત્વચી અને પરવાળાં ટકી રહે છે. તેમનાં અનુગામીઓ આજે પણ જોવા મળે છે. શાર્ક માછલી છે ખરી, આદિ અસ્થિયુક્ત માછલીઓ અને ઊડતી માછલીઓ પણ અસ્તિત્વ ધરાવે છે.
ભૂમિ પરના વનસ્પતિજીવનમાં પ્રથમ જીવયુગનાં રાક્ષસી ઊંચાઈનાં હંસરાજ વૃક્ષો હવે દેખાતાં નથી; પરંતુ તે હવે નાના કદનાં બની રહ્યાં છે. કૉનિફર્સની ઉત્ક્રાંતિ થવાથી તે મોટા પરિમાણવાળાં બને છે; પર્ણપાતી વૃક્ષો પણ આ યુગના અંત સુધીમાં સ્થાપિત થઈ ચૂક્યાં હોય છે.
ભૂમિ પરનાં પ્રાણીઓમાં ઉભયજીવી વર્ગ ચાલુ છે, પણ સરીસૃપો વધતાં જઈ આધિપત્ય ભોગવતાં થઈ જાય છે. શરૂઆતમાં તો તે પણ નાના કદનાં, ચાર પગવાળાં હોય છે. ‘ડાઇનોસૉર્સ’નો અર્થ થાય છે રાક્ષસી ગરોળીઓ. તેમનો ટ્રાયાસિકમાં ઉદય થાય છે, જુરાસિકમાં તે વિશાળ કદ પ્રાપ્ત કરે છે. તે પૈકીનાં કેટલાંક મેદાનોમાં વિચરે છે, તેમના પાછલા પગ સ્નાયુબદ્ધ હોય છે. પૂંછડી ભરાવદાર, સામર્થ્યવાળી બની હોય છે. આગલા હાથ પર ચીરી નાખવાની શક્તિ ધરાવતા પંજા પણ છે. કેટલાંક કાંગારુની જેમ કૂદકા મારતાં પ્રાણીઓ પણ છે. અન્ય ચતુષ્પાદ, ભારે શરીરવાળાં છે, પણ માથું નાનકડું અને ગરદન લાંબી, વાળી શકાય એવી છે. મોટાભાગનાં આ સરીસૃપો તેમની શારીરિક ભયંકરતા સિવાય અન્ય માટે નિર્ભય છે. તે નીચાણવાળા, ભેજવાળા પંકવિસ્તારોમાં, ખાડી-સરોવરો અને નદીતટની આસપાસ વસે છે. કેટલાંકની ચામડી જાડી છે. સ્વરક્ષણ માટે શરીર પર ઢાલ-કવચ, ગાંઠો, શિંગડાં જેવા ભાગ અને ચીપિયા પણ છે. આ ઉપરાંત વિરાટ કદવાળાં, ખતરનાક પંજાવાળાં, ચીરીને ફાડી ખાય એવા દાંતવાળાં માંસભક્ષી ડાઇનોસૉર તો ખરેખર ભયંકર છે ! તે બે પગે ઝડપથી દોડી શકે છે, માથું પણ ઘણું મોટું છે.
આમ તો ભૂમિસ્થિત સરીસૃપો તેમની ઉત્ક્રાંતિની કક્ષામાં મહત્તમ વિકસી ચૂક્યાં હોય છે. જે વિરાટકાય હતાં તે ક્રિટેશિયસના અંતમાં સંજોગો પ્રતિકૂળ બનતાં વિલુપ્ત થઈ જાય છે. આ પૈકીનું વધુમાં વધુ વિકરાળ જો કોઈ હોય તો તે માંસભક્ષી ‘ટાયરેનોસૉરસ રૅક્સ’ હતું; તેની લંબાઈ 12થી 16 મીટર હતી. તે પાછલા પગ ટેકવી ભૂમિ પર ઊભું થતું ત્યારે તેની ઊંચાઈ 6 મીટર થતી, શરીરને ટેકવવા, સમતોલ રાખવા, લડવાના સાધન તરીકે ઉપયોગમાં લેવા માટે તેને 6 મીટર લાંબી પૂંછડી હતી, ચીરી નાખે એવા પંજાવાળા હાથ હતા તેમજ માંસલ પ્રાણીઓને ફાડી નાખે એવા દાંત પણ હતા. એનાથી થોડુંક જ નાનું, પણ એટલું જ ભયંકર દેખાતું શિંગડાવાળા નાક સહિતનું સિર્ટોસૉરસ પણ હતું, તે માંસભક્ષી હતું. આ માંસભક્ષી ડાઇનોસૉર અન્ય તૃણભક્ષીઓ પર નભતું હતું. મોટાં તૃણભક્ષીઓ પૈકીનું બીજું એક હતું ‘સ્ટેગોસૉરસ’. તેની પીઠ પર અસ્થિ-તકતીની હાર અને પૂંછડી પર ચીપિયા હતા.
આ ઉપરાંત ઊડી શકે એવી ગરોળીઓ પણ હતી, તેમાંનું ‘પ્ટેરોડૅક્ટાઇલ્સ’ આગળના દેહ-અવયવ સાથે જોડાયેલી પાંખવાળું, પણ પીંછાં વગરનું હતું અને તેને દાંત પણ હતા. જળચર સરીસૃપોમાં મત્સ્યગરોળી ‘ઇક્થિયોસૉરસ’ માછલીના સ્વરૂપને મળતી આવતી હતી. ‘પ્લેસિયોસૉરસ’ દૈત્ય જેવું કદરૂપું અને પગમાં પૅડલ જેવા ભાગ દ્વારા તરી શકે એવું હતું. જુરાસિકની મહત્વની ઉત્ક્રાંતિ ઘટના ગણાય એવું સરીસૃપ પક્ષી ‘આર્કિયૉપ્ટેરિક્સ (પ્રાચીન પીંછું) હતું, તેને દાંત, ગરોળીના જેવી પૂંછડી, પણ ભીંગડાંને બદલે પીંછાં હતાં. આ રીતે જોતાં, તે ઊડતાં સરીસૃપ અને અર્વાચીન મોટાં પક્ષીઓ વચ્ચેનું કડીરૂપ પ્રાણી હતું.
અપૃષ્ઠવંશીઓ પૈકી ફોરામિનિફરની વિપુલતા અને મૃદુશરીરીની વિવિધતા તેમજ સંખ્યા ક્રિટેશિયસ માટે અગત્યની હતી. હિપ્યુરાઇટ નામનો લેમેલિબ્રૅન્ક સમૂહ અને સામ્ય ધરાવતાં અન્ય પ્રાણીઓ ટેથિસના ગરમ હૂંફાળા જળમાં સ્થાપિત થતાં ગયાં; કેટલાંક તો દરિયાઈ જળસપાટીની ઉપર અને નીચે તરફ ખડક-ખરાબા (reefs or ridges of rocks) રચતાં હતાં. એમોનાઇટ હવે તેમના વિકાસની છેલ્લી કક્ષામાં જીવી રહ્યાં હોય છે. ગૂંચળાંમાંથી હવે સીધાં સ્વરૂપો બનતાં જાય છે; પણ છેવટે તેમનોય ક્ષય થઈ જાય છે. જીવનસ્વરૂપોના મોટા પાયા પરના ફેરફારો સાથે ક્રિટેશિયસનો અંત આવે છે. ગિરિનિર્માણ શરૂ થાય છે. સમુદ્રસપાટીનું સ્તર ઘટતું જાય છે, શુષ્કતાના સંજોગો ઉત્પન્ન થાય છે, પંક સુકાય છે. આમ જે જે પ્રાણીઓ સંજોગોને અનુકૂળ થઈ શકતાં નથી, તે તે ખલાસ થઈ જાય છે; જે અનુકૂલન કરતાં જાય છે તે ટકે છે. રાક્ષસી ગરોળીઓ તો નાશ પામી જાય છે, પણ તે પૈકીની નાની ગરોળીઓ, દેડકાં, મગર, કાચબા, તથા પગવિહીન સાપનાં સરળ પુરોગામીઓ ટકી રહે છે.
ગૉંડવાના ખંડનું ભંગાણ : ગૉંડવાના ભૂમિસમૂહનું ભંગાણ એ ભૂસ્તરીય કાળ માટે ઘણી લાંબા ગાળાની પ્રક્રિયા છે. ખંડો અને સમુદ્રોના તળના શાશ્વતપણાના સમર્થકો ગૉંડવાના ખંડના ભંગાણ માટે દરિયાઈ અતિક્રમણો અને અવતલનની સહગામી ક્રિયાને કારણભૂત ગણાવે છે.
આજના પાકિસ્તાનની આરપાર વિસ્તરેલા દક્ષિણતરફી સમુદ્રે સૉલ્ટ રેઇન્જના કૅમ્બ્રિયન અને પર્મો-કાર્બોનિફેરસ સમુદ્રોને ઈરાની અખાત વિસ્તારના દરિયાઈ સંપર્કમાં લાવી મૂકેલા, જે દર્શાવે છે કે ગૉંડવાના ભૂમિનું ક્રમિક અવતલન થતું ગયેલું, અર્થાત્ ભૂમિ નીચી જવાથી દરિયા વિસ્તરી ગયેલા. ટ્રાયાસિક વખતે દરિયો માલાગાસી સુધી પહોંચેલો અને તેણે વચ્ચે આવતા અરબસ્તાનને જળબંબાકાર કરી મૂકેલું. જુરાસિક વખતે તો, દરિયાએ પૂર્વ અને દક્ષિણ અરબસ્તાન, ઇથિયોપિયા, પૂર્વ આફ્રિકી ભાગો અને વાયવ્ય રાજસ્થાનને પણ આવરી લીધેલાં. ક્રિટેશિયસ વખતનું દરિયાઈ અતિક્રમણ તો જુરાસિક કરતાં પણ અનેકગણું વિસ્તૃત હતું. આ વખતે અરબી સમુદ્ર અસ્તિત્વમાં આવતો જતો હતો અને મોઝામ્બિકની ખાડી મારફતે તેનું બંગાળના ઉપસાગર સાથે પણ જોડાણ થતું જતું હતું. આમ મધ્ય જીવયુગના આખાય કાળ દરમિયાન દરિયાનું ક્રમિક વિસ્તરણ હિન્દી-આફ્રિકી ભાગ પર થતું ગયું, તે સૂચવે છે કે તે ભાગો ઘસાતા ગયેલા હોવા જોઈએ અને તેમના ઘસારાજન્ય દ્રવ્યે ટેથિસમાં જામતા જઈને સમુદ્રતળને છીછરું બનાવી દીધું હોવું જોઈએ. વળી સમુદ્રતળ પર લદાયેલા અનેકગણા બોજથી સમુદ્રતળ પણ દબાતું ગયું હોવું જોઈએ. આ પ્રકારે થતી ગયેલી સહગામી ક્રિયાઓથી પોપડાનું સમતુલન જોખમાતું ગયેલું. તેનું સર્વપ્રથમ પરિણામ એ આવ્યું કે જુરાસિક કાળ દરમિયાન બિહાર, બંગાળ અને આસામમાં રાજમહાલ ટ્રૅપ અને સિલ્હટ ટ્રૅપ સ્વરૂપે આજે દેખાતા લાવા-પ્રવાહોના બહિ:સ્ફુટનની ક્રિયા થઈ. પ્રારંભિક ક્રિટેશિયસ સુધીમાં તો આજે દેખાતા હિમાલય-વિસ્તારની જગાએ આવેલા ટેથિયન ગર્તમાં નહિ નહિ તો 1,100–1,200 મીટરની જાડાઈના સ્તરની જમાવટ થઈ ચૂકી હોય છે. આટલા બોજને કારણે આંતરિક બળોની સહનક્ષમતા પણ તેની મહત્તમ સીમા સુધી પહોંચી ગઈ હોય છે. પરિણામે દ્વીપકલ્પ-વિસ્તારમાં અસંખ્ય ફાટો પડતી જાય છે. આર્કિયન, ધારવાડ, કડાપ્પા અને ગૉંડવાના ખડકજથ્થાઓ તૂટતા જાય છે અને આ ફાટોમાંથી ‘ડેક્કન ટ્રૅપ’ – દખ્ખણનો લાવા ઉચ્ચપ્રદેશ – જેનાથી બનેલો છે તે બૅસાલ્ટ બંધારણવાળો લાવા અંતિમ ક્રિટેશિયસ અને પ્રારંભિક ઇયોસીન સુધીના કાળગાળામાં ભૂપૃષ્ઠ પર આવતો જઈને થર ઉપર થરના રૂપે ગોઠવાતો જાય છે. આગ્નેય બળોની અસર પૂરી થયા બાદ ગિરિનિર્માણ ચાલુ થાય છે અને તેની સાથે જ્વાળામુખી-પ્રક્રિયા તેમજ અવતલન પણ ચાલુ રહે છે. ટેથિસના થાળાની જગાએ હિમાલય પર્વતની રચના માટેના ઉત્થાનની પ્રક્રિયા ટર્શ્યરીના આખાય કાળ દરમિયાન થયેલી ભૂસ્તરીય ઇતિહાસની અનોખી ઘટના છે. એક એવો અંદાજ મૂકવામાં આવેલો છે કે પેટાળમાંથી બહાર આવેલા ડેક્કન ટ્રૅપ લાવાનું દળ અર્ધાથી પોણા કરોડ ટન ઘન કિમી. વચ્ચેનું હતું, જે કદાચ સમગ્ર હિમાલયના દળથી પણ વધી જાય છે.
ખંડીય પ્રવહનના ઘણા સમર્થકો એવી ધારણા પણ મૂકે છે કે અગાઉ પૃથ્વી પર બે ભૂમિસમૂહો હતા : ઉત્તર ગોળાર્ધમાંનો લોરેશિયા ખંડ અને દક્ષિણ ગોળાર્ધમાંનાં ગૉંડવાના ખંડ. ગૉંડવાના ખંડ ઍન્ટાર્ક્ટિકા, આફ્રિકા, ભારત અને તેની સાથેના કેટલાક દેશો, અરબસ્તાન, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકાથી બનેલો એક ભેગો ભૂમિસમૂહ હતો, જેનો પુરાવો આખાય વિસ્તારની સરખી ભૂસ્તરીય રચનાઓ અને સરખા જીવાવશેષો પરથી મળી રહે છે. આ સમર્થકો એમ પણ કહે છે કે આ ખંડ જુરાસિકના પૂરા થવાની સાથે તૂટતો ગયો, વિભાજિત થયો અને ક્રમે ક્રમે તરતી હિમશિલાઓની જેમ ખસતો ગયો. શરૂઆતમાં દક્ષિણ અમેરિકા એકલો છૂટો થયો, જે પશ્ચિમ તરફ ખસતો જઈ છેવટે ઉત્તર અમેરિકા સાથે જોડાયો. બીજી બાજુ આફ્રિકા, ભારત, ઑસ્ટ્રેલિયા વગેરે ભેગા રહીને પૂર્વ તરફ ખસતા ગયા. ક્રિટેશિયસના અંતિમ ચરણ વખતે તે બધા છૂટા પડ્યા. ભારત અને ઑસ્ટ્રેલિયાના ખંડો અનુક્રમે ઉત્તર તથા પૂર્વ તરફ સરકતા ગયા. ભારત જ્યાં સુધી એશિયા સાથે અથડાયું નહિ ત્યાં સુધી ખસતું જઈને આજની સ્થિતિમાં પછી ગોઠવાયું. ભૂપૃષ્ઠ-તકતી-સંચલન(plate tectonics)ના સિદ્ધાંત મુજબ ભારતીય તકતી એશિયાઈ તકતીની નીચે દબી છે, જેના દબાણથી હિમાલયની ઊંચાઈ અને તિબેટનો ઉચ્ચસપાટ પ્રદેશ તૈયાર થયાં છે. બંનેની ઊંચાઈ તેને આભારી છે.
આમ દુનિયાભરમાં ક્રિટેશિયસ કાળને વિક્ષેપનો કાળ ગણવામાં આવે છે. તે વિક્ષેપથી તેમજ ખંડોના ભંગાણની ક્રિયાથી પૂરો થાય છે. ડાઇનોસૉર્સના વિલોપ માટે અનેક કારણો પૈકી આ એક કારણને પણ આગળ ધરવામાં આવેલું છે.
ગિરીશભાઈ પંડ્યા