મધુસૂદન સરસ્વતી (સોળમી સદી) : સંસ્કૃત ભાષાના કવિ, આલંકારિક, શાસ્ત્રગ્રંથોના લેખક શાંકર-વેદાંતી સંન્યાસી. તેઓ વિષ્ણુના પરમ ભક્ત હતા. બંગાળના ફરીદપુર જિલ્લામાં આવેલા કોટાલીપાડા નામના ગામના વતની હતા. બંગાળની કનોજિયા ગૌડ બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલા અને કાશ્યપ ગોત્રના હતા. તેમના પિતાનું નામ પ્રમોદન પુરંદર અને ભાઈનું નામ યાદવાનંદ હતું. તેમના ભત્રીજાનું નામ માધવ હતું, પરંતુ શીઘ્રકવિ હોવાને લીધે માધવને લોકો ‘અવિલંબસરસ્વતી’ એવા ઉપનામથી ઓળખતા હતા. ‘મધુસૂદન સરસ્વતી’ એ સંન્યાસ ગ્રહણ કર્યા પછીનું એમનું નામ છે, પરંતુ તેમનું મૂળ નામ તો કમલજનયન હતું. નાની વયે નવદ્વીપમાં જઈ હરિરામ તર્કવાગીશ પાસે ન્યાયશાસ્ત્ર, અને માધવ સરસ્વતી પાસે વેદાંત વગેરે દર્શનોનો અભ્યાસ કર્યો અને પિતા પ્રમોદન પુરંદરની પાસેથી પુત્ર મધુસૂદનની વિદ્વત્તા વિશે પ્રશંસા સાંભળવા છતાં એ પ્રદેશના સત્તાધીશ માધવ પાશ પાસેથી કુટિર બાંધવાની રજા ના મળતાં મધુસૂદન કાશી ગયા અને ત્યાં અનેક પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવી વિશ્વેશ્વર સરસ્વતી નામના દીક્ષાગુરુ પાસેથી તેમણે સંન્યાસદીક્ષા લીધી હતી. તેમની ખ્યાતિ સાંભળી મોગલ શહેનશાહ અકબરે તેમના પોતાના દરબારમાં માન આપેલું; પરંતુ તેઓ કાશી પાછા ફર્યા. કાશીમાં ‘રામચરિતમાનસ’ના પ્રસિદ્ધ લેખક સંત તુલસીદાસ તેમના પરમ મિત્ર હતા. તુલસીદાસે પોતાના રામચરિતમાનસને તેમની પાસે અભિપ્રાય માટે મોકલતાં મધુસૂદન સરસ્વતીએ આપેલો અભિપ્રાય ખૂબ કાવ્યમય, કલ્પનાભર્યો અને જાણીતો છે :
आनन्दकानने काश्यां तुलसी जङमगम्तरु : ।
कवितामज्जरी यस्य रामभ्रमरचुम्बिता ।।
એ પછી મધુસૂદને પોતે લખેલો ‘પ્રસ્થાનભેદ’ નામનો ગ્રંથ અભિપ્રાય માટે તુલસીદાસને મોકલ્યો અને તુલસીદાસે તેના અંગે જે ઉત્કૃષ્ટ અભિપ્રાય આપ્યો તે પણ જાણીતો છે :
मधुसूदनसरस्वत्या : पारं वेत्ति सरस्वती ।
सरस्वत्या : परं पारं मधुसूदनसरस्वती ।।
તેમણે ગૃહસ્થજીવનમાં 14 અનુષ્ઠાનો કર્યાં છતાં ઈશ્વરનાં દર્શન થયાં નહિ; પરંતુ સંન્યસ્ત લીધા બાદ ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ દર્શન આપ્યાં અને વરદાન માંગવા કહ્યું. પરંતુ તેમણે કશું જ માંગવાની ના પાડી. અંતે ભગવાનના અતિશય આગ્રહથી એક વર્ષ માટે ભગવાનની બુદ્ધિ માંગી અને એ થકી જે ગ્રંથ લખ્યો તે ‘અદ્વૈતસિદ્ધિ’. શાંકરવેદાંત વિશેના ‘શાંકરભાષ્ય’ પછી લખાયેલો બીજો ગ્રંથ કેવો મહત્વનો છે તેનું આ દંતકથા સૂચન કરે છે.
‘અદ્વૈતસિદ્ધિ’ ઉપરાંત તેમણે અન્ય અનેક ગ્રંથોની રચના કરી છે. એમાં ‘સંક્ષેપશારીરકવ્યાખ્યા’, ‘સિદ્ધાંતબિંદુ’, ‘અદ્વૈતરત્નલક્ષણ’, ‘વેદાંતકલ્પલતિકા’, ‘પ્રસ્થાનભેદ’ વગેરે શાંકરવેદાંતના ગ્રંથોનો સમાવેશ થાય છે. શંકરાચાર્યના અદ્વૈતસિદ્ધાંતનું રામાનુજ વગેરે આચાર્યોએ જે ખંડન કર્યું તેનો જવાબ વાળી શંકરાચાર્યના અદ્વૈતસિદ્ધાંતને મજબૂત પાયા પર મૂકવાનું કાર્ય આ ગ્રંથોમાં કરવામાં આવ્યું છે અને એ કાર્યમાં શિરમોર સમો ગ્રંથ ‘અદ્વૈતસિદ્ધિ’ અત્યંત પ્રસિદ્ધ છે. ભગવાન વિષ્ણુને વર્ણવતું ‘આનંદમંદાકિની’ સ્તોત્રકાવ્ય મધુસૂદનને કવિ તરીકે સ્થાપે છે. તેમણે ‘કુસુમાવચય’ નામનું નાટક લખ્યું હોવાનો નિર્દેશ મળે છે. તેમણે ભગવદગીતા પર ‘ગૂઢાર્થદીપિકા’ નામની ટીકા લખી છે અને પુષ્પદંતના ‘શિવમહિમ્ન: સ્તોત્ર’ પર શિવ અને વિષ્ણુ બંનેના સંદર્ભમાં પ્રત્યેક શ્લોકના બે અર્થો જણાવતી વ્યાખ્યા તો વિદ્વાનોને ખુશ કરી મૂકે એવી છે. વળી ‘વેદસ્તુતિ’, ‘ભાગવત’, ‘હરિલીલા’ વગેરે પર પણ તેમણે ટીકાઓ રચેલી છે. તેમણે રામરાજ સ્વામી નામના લેખકે લખેલા ‘ન્યાયામૃત’ નામના ગ્રંથનું ખંડન લખ્યું હતું. મધુસૂદનના આ ‘ન્યાયમૃતખંડન’નું ખંડન રામરાજના શિષ્ય રામાચાર્યે ‘તરંગિણી’ નામની ટીકા લખીને કર્યું છે. આ રામાચાર્યની ‘તરંગિણી’નું ખંડન ગૌડ બ્રહ્માનંદે પોતાની ‘લઘુચંદ્રિકા’ નામની ટીકામાં કર્યું છે. ગૌડ બ્રહ્માનંદે મધુસૂદનના ગ્રંથ ‘અદ્વૈતસિદ્ધિ’ પર ‘ગૌડ બ્રહ્માનંદી’ નામની ટીકા (સમજૂતી) લખી છે એ નોંધવું ઘટે. આમ, તેમનું પાંડિત્ય આ ખંડનોની પરંપરા સર્જનારું છે. તેઓ પ્રકાંડ પંડિત, અનેક શાસ્ત્રના મર્મજ્ઞ, રસસિદ્ધ કવિ હોવા ઉપરાંત આલંકારિક તરીકે પણ જાણીતા છે. તેમણે રચેલો ‘ભક્તિરસાયન’ નામનો ગ્રંથ ભક્તિરસનું સમર્થન કરનારો અને રૂપ ગોસ્વામીના ‘હરિભક્તિરસામૃતસિંધુ’ની યોગ્ય સ્પર્ધા કરનારો ગ્રંથ છે. ભક્તિરસનું સર્વાંગી અને તર્કશુદ્ધ વિવેચન મધુસૂદન સરસ્વતીએ તેમાં કર્યું છે. તેમાં ભક્તિ એટલે ભગવદાકારતા એવી વ્યાખ્યા આપી, તે મોક્ષથી જુદો પાંચમો પુરુષાર્થ છે એવું સિદ્ધ કરીને ભક્તિરસનું અલંકારશાસ્ત્રની પરિપાટીએ નિરૂપણ કર્યું છે. આ ગ્રંથ તેમને આલંકારિક આચાર્ય સિદ્ધ કરે છે. આમ તેઓ શાંકરવેદાંતી અને પરમ વૈષ્ણવ ભક્ત જ્ઞાની સંન્યાસી હતા એ સ્પષ્ટ છે.
પ્ર. ઉ. શાસ્ત્રી