મધુબની ચિત્રકલા : બિહારના મુઝફ્ફરપુર, દરભંગા, પૂર્ણિયા અને મધુબની જિલ્લાઓની મહિલાઓની લોક-ચિત્રકલા. આ વિસ્તારની બ્રાહ્મણ અને કાયસ્થ જાતિની સ્ત્રીઓ પરંપરાગત રીતે આ કલાનું સર્જન કરતી આવી છે. ઘરની ભીંતો, માટલાં, સૂપડાં અને મંદિરોના બાહ્ય ભાગ પર આ કલા આવિષ્કાર પામતી રહી છે. ઉત્સવ કે લગ્ન પ્રસંગે તેનું આલેખન કરવામાં આવે છે. ‘રામાયણ’, ‘મહાભારત’ના પ્રસંગો, કૃષ્ણની રાસલીલા, દુર્ગા, વાઘ, પનિહારીઓ તથા આધુનિક જમાનાના રેલવે, મોટરકાર, ઊડતાં વિમાન જેવા વિષયોનું તેમાં આલેખન થાય છે. અગાઉ તેમાં સ્થાનિક ધોરણે હાથે બનાવેલા રંગોનો જ ઉપયોગ થતો. વાદળી, રાણી (ઘેરો ગુલાબી), પોપટી, પીળો અને કાળો એ મુખ્ય રંગો છે. વડના દૂધમાં હળદર મિશ્ર કરી પીળો રંગ બનાવાતો. કંકુમાં દૂધ મેળવી લાલ, ગુલાબી ફૂલોને વાટીને ગુલાબી, કોલસામાંથી કાળો અને ગળીમાંથી વાદળી-ભૂરો એમ રંગો બનાવાતા. 1968 પછી તૈયાર બજારુ રંગોનું ચલણ શરૂ થયું. ઝાડની જાડી-પાતળી ડાળીઓ ઉપર કપડું બાંધી પીંછી તૈયાર થતી.
બ્રાહ્મણ સ્ત્રીઓનાં ચિત્રોમાં રેખા કરતાં રંગને પ્રાધાન્ય અપાયું છે. મૂળ રંગો અને સહાયક પ્રકારના શુદ્ધ રંગો તેઓ વાપરે છે. શુદ્ધ રંગો જ પૂરવાના તેમના વલણને કારણે રંગોની મેળવણી કે પાણીના ઉમેરણથી સૌમ્ય કરેલા રંગો તેમાં જોવા મળતા નથી. આમ રંગોની શુદ્ધ તેજસ્વિતાને કારણે ચિત્રો આકર્ષક બની રહે છે. એ પણ ખરું કે બ્રાહ્મણ સ્ત્રીઓએ ચીતરેલાં ચિત્રોની રેખાઓ જાડી, નબળી અને ગતિશૂન્ય બની રહેવાથી તેજસ્વી રંગોના ભારણ હેઠળ દબાઈ જાય છે.
કાયસ્થ સ્ત્રીઓએ ચીતરેલાં ચિત્રોમાં રેખાઓ થોડી લચકીલી અને લાવણ્યસભર હોય છે. રંગોની ભડક પણ આછી-ઓછી છે. કાયસ્થ સ્ત્રીઓ ચિત્રોના માર્ગદર્શન માટે કાગળપોથી રાખે છે, જે પેઢી-દર પેઢી વારસામાં મળે છે. છેલ્લાં 50 વરસોથી બ્રાહ્મણ અને કાયસ્થ સ્ત્રીઓના પ્રભાવ હેઠળ આ વિસ્તારની રાજપૂત, સોનાર, આહીર અને દુસાધ જાતિની સ્ત્રીઓ પણ આ પ્રકારનાં ચિત્રો કરવા લાગી છે.
સ્થાનિક બનાવટના રંગો એકાદ વરસમાં જ વરસાદ-તડકાથી ઝાંખા પડી જતા અને ભીંતો દર દિવાળીએ નવેસરથી ચીતરવી પડતી. આમ સ્ત્રીઓને પૂરતો મહાવરો મળતો. અનુભવી મહિલાની દેખરેખ હેઠળ યુવતીઓ ચિતરામણ કરતી. સામાન્ય રીતે પ્રચલિત આકૃતિઓને વિકૃત ઢબે આલેખવાના કારણે મધુબની ચિત્રો વિશેષ રોચક લાગે છે. શરીરશાસ્ત્રનો ખાસ ખ્યાલ રાખ્યા વિના કેવળ કલ્પનાથી ચીતરેલાં ચિત્રોમાં અંગઉપાંગ લાંબાંટૂકાં થયેલાં જોવા મળે છે. સંમુખ ચહેરાવાળી માનવ-આકૃતિનું શરીર બાજુમાંથી દેખાતું હોય એ રીતે ચીતર્યું હોય છે. તીક્ષ્ણ ભ્રમર, અણિયાળું લાંબું નાક, મોટી આંખો અને લાકડી કે દોરડી જેવા પાતળા હાથપગ આધુનિક કૉમિક સ્ટ્રિપ જેવું મર્માળું હાસ્ય નિપજાવે છે. આ રીતે ચીતરાયેલાં દુર્ગા, શિવ, રામ જેવાં દેવોનાં ચિત્રો વિશિષ્ટ રીતે આધુનિક જણાય છે. આમ છતાં ભાવહીન નિર્દોષ મુખ, અલંકારના ઠઠારા અને સ્વતંત્ર રંગ-યોજનાથી તેમાં માધુર્ય પ્રગટે છે. એમાં માનવત્વચા લાલ કે પીળા જેવી ભડકીલી અને શિવનું ધોતિયું રાણી ગુલાબી જેવું ભપકાદાર ચીતરવામાં પણ આવે. ચિત્રમાં માનવ કે દેવની આકૃતિ, કમળ, પોપટ, સૂર્ય, વૃક્ષ, ચંદ્ર ઇત્યાદિ આકૃતિઓ ગમે તે સ્થળે દર્શાવવામાં આવે છે. એટલે કે બધી જ આકૃતિઓ અવકાશમાં છૂટીછવાઈ તરતી દેખાય, જાણે કે ગુરુત્વાકર્ષણ હોય જ નહિ.
મધુબની ચિત્રકલાને સૌપ્રથમ પ્રસિદ્ધિ મળી તે ડબ્લ્યૂ. જી. આર્થર નામના વિદેશીને હાથે 1950ની આસપાસ. આ પછી 1968માં અહીં દુકાળ પડેલો એ પ્રસંગે ‘ઇન્ડિયન નૅશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ ઍન્ડ કલ્ચર હેરિટેજ’(INTACH)નાં સ્થાપક અધ્યક્ષ શ્રીમતી પુપુલ જયકરે આ વિસ્તારની મુલાકાત લીધેલી અને મહિલાઓને રોજગારી મળે તે હેતુથી જયકરે તેમને કાગળ પર ચિત્રો ચીતરવાના કાર્યમાં પ્રવૃત્ત કરી. આ ચિત્રોનું દેશ-વિદેશમાં પ્રદર્શન અને વેચાણ થયું. આમ સ્ત્રીઓ કમાતી થઈ. મધુબની ચિત્રકારોમાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલાં ગંગાદેવી મોખરાનું સ્થાન ધરાવે છે. તેમણે દિલ્હી, મુંબઈ, ભોપાલ, કોલકાતા, પટણા ઉપરાંત જાપાન, ફ્રાન્સ, જર્મની અને અમેરિકામાં પણ પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં છે. ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’, ‘કદમ્બવૃક્ષ પર કૃષ્ણની રમત’, ‘નાગદમન’, ‘બકાસુરવધ’, ‘જીવનચક્ર’ અને ‘બ્રુક્લિનબ્રિજ’ એ તેમનાં વિશ્વવિખ્યાત ચિત્રો છે. ગંગાદેવીનું પદ્મશ્રી ઍવૉર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.
અમિતાભ મડિયા