મધિયો (કીટક) : ભૂખરા રંગનો, ફાચર આકારનો લગભગ 2થી 3 મિમી. લાંબો કીટક. તેનો સમાવેશ અર્ધપક્ષ (Hemiptera) શ્રેણીના સિકાડેલિડી (Cicadellidae) કુળમાં કરવામાં આવે છે. મધિયાનો ઉપદ્રવ આંબા અને ચીકુના ઝાડ પર જોવા મળે છે. આંબા પર તેનો ઉપદ્રવ વિશેષ પ્રમાણમાં હોય છે. આ કીટકની 3 મુખ્ય જાતો છે : (1) એમ્રિટોડસ (Amritodus atkinsoni L.), (2) Idiocerus niveosparsus L. અને (3) Idiocerus clypealis L. તેમાંની એમ્રિટોડસ જાત ગુજરાતમાં આંબાના પાક પર નુકસાન કરતી જોવા મળે છે. આ જાતના પુખ્ત કીટકો ઝાંખા ભૂખરા રંગના હોય છે અને તેની પીઠ પર આવેલા ત્રિકોણાકાર ભાગ (scutellum) પર ઘાટા બદામી રંગનાં બે ટપકાં આવેલાં હોય છે. બચ્ચાં નાનાં, પાંખ વગરનાં અને ઝડપથી ત્રાંસાં ચાલતાં હોવાથી તેમને સહેલાઈથી ઓળખી શકાય છે.
આ કીટકની માદા ડિસેમ્બરથી ફેબ્રુઆરીના દિવસો દરમિયાન પાનની કુમળી નસોમાં અને આંબાના મોરની ડાળીઓમાં ઈંડાં મૂકે છે. ઈંડા-અવસ્થા 4થી 8 દિવસની હોય છે. ત્યારબાદ તેમાંથી નાનાં બચ્ચાં નીકળી આવે છે. બચ્ચાં પાંચ વખત કાંચળી ઉતારી 15થી 20 દિવસમાં પુખ્ત બને છે. તેથી આ જીવાતનો ઉપદ્રવ એપ્રિલ–મે મહિના સુધી જોવા મળે છે. વાદળછાયું વાતાવરણ અને ભેજવાળી હવા આ જીવાતની વૃદ્ધિ માટે ખૂબ જ અનુકૂળ ગણાય છે. વર્ષ દરમિયાન તેની 2થી 3 પેઢી અવતરે છે.
આંબાના ઝાડ પર મોર આવવાની શરૂઆત થતાં મધિયાનાં બચ્ચાં તેમજ પુખ્ત કુમળી કૂંપળ ડૂંખ અને મોર પર આક્રમણ કરે છે. બચ્ચાં તેમજ પુખ્ત એમ બંને અવસ્થામાં મધિયો મોર તેમજ કુમળી કૂંપળોમાંથી રસ ચૂસે છે. પરિણામે મોર સુકાઈ જાય છે અને છેવટે ખરી પડે છે. મધિયાના શરીરમાંથી એક જાતનો મધ જેવો ચીકણો પદાર્થ ઝરીને પાન પર પડતાં આવાં પાન સૂર્યના પ્રકાશમાં ચળકે છે. તેના પર કાળી ફૂગ ઊગવાથી પાન કાળાં પડી જાય છે. તેની વિપરીત અસર આંબાની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા પર થાય છે.
આંબાના પાક પર મધિયાનો ઉપદ્રવ શરૂ થતાં તેના પર ખેડૂતો કીટનાશક દવાનો છંટકાવ કરે છે, પરંતુ તેની ઝેરી અસર મધમાખી જેવા પરાગનયનની ક્રિયામાં ઉપયોગી એવા કીટકોને થતાં તેઓ નાશ પામે છે અને તેમની વસ્તી ઘટે છે. પરિણામે ફલિનીકરણપ્રક્રિયા ઓછી થતાં કેરીનું ઉત્પાદન ઘટે છે. મધિયાના અસરકારક અને આર્થિક રીતે પોષાય તેવા નિયંત્રણ માટે કીટનાશક દવાઓ આંબાના મોર અને પાન પર ન છાંટતાં થડ અને ડાળીઓ પર છાંટવી હિતાવહ છે. કમોસમમાં પુખ્ત મધિયો આંબાના થડ અને જાડાં ડાળાંની છાલ નીચે સુષુપ્ત અવસ્થામાં ભરાઈ રહે છે. જાન્યુઆરીમાં આંબાના છોડ પર થતી નવી ફૂટમાં મોર આવે છે, જ્યારે જૂનમાં થતી ફૂટમાં ફક્ત નાનાં પાન ઊગે છે. આમ છોડ પર નવી કૂંપળો અને મોર આવે ત્યારે પુખ્ત મધિયો કીટક સક્રિય બની છાલ નીચેથી નીકળી ડાળ પર જઈને મોર અને કુમળી કૂંપળોમાં ઈંડાં મૂકે છે. આ પરિસ્થિતિમાં થતા વિનાશને ટાળવા મે અને ડિસેમ્બર માસમાં કાર્બારિલ 0.2 % અથવા એન્ડોસલ્ફાન 0.07 % પ્રવાહી મિશ્રણનો છંટકાવ પંદર દિવસના અંતરે બે વખત કરવાથી મધિયાની વસ્તી કાબૂમાં આવે છે અને તેનાથી થતું નુકસાન નિવારી શકાય છે. આંબાવાડિયાં ધરાવતા વિસ્તારમાં સૌ ખેડૂતો સહકારી ધોરણે જો ઉપર મુજબનાં પગલાં લે તો ઓછા ખર્ચે ખૂબ જ સારાં પરિણામો મેળવી શકાય છે.
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ
પરબતભાઈ ખી. બોરડ