મધર કરેજ ઍન્ડ હર ચિલ્ડ્રન (1936) : જર્મન નાટ્યકાર અને નાટ્યવિદ બર્ટોલ્ટ બ્રેખ્ટ(1898–1956)નું ખૂબ અગત્યનું નાટક. વાત સત્તરમી સદીના યુદ્ધકાળની. 3 સંતાનો; પણ એમના પિતા જુદા જુદા. આ સ્ત્રી ત્રણેયને લઈને યુદ્ધમોરચે જતા સૈનિકોની પાછળ પાછળ રેંકડો લઈને ફરે, એમને ઉપયોગી માલ વેચી ગુજરાન ચલાવે છે. બે સંતાનો તો એમાં માર્યાં જાય છે અને ત્રીજી મૂંગી દીકરી બાળકો અને સ્ત્રીઓને બચાવવા છાપરે ચડી ચેતવણીનો ઢોલ પીટે છે અને સૈનિકોની ગોળીએ વીંધાય છે. હવે એકલી પડેલી સ્ત્રી પેલો રેંકડો લઈને રોટી રળવા અગાઉની જેમ જ સૈનિકોની સેવા કરતી રહે છે. જીવનમાં કોઈ પણ વિકલ્પ વગરની આ અવશ્યંભાવિ પરિસ્થિતિ છે.
બ્રેખ્ટને મન એ યુદ્ધવિરોધી નાટક હતું; પણ સ્ત્રીનું પાત્ર એ રીતે નકારાત્મક છે કે યુદ્ધનો ફાયદો ઉઠાવીને જ તે જીવે છે. નાટકના માળખામાં એના જાણીતા એપિક થિયેટર અને અળગાપણા(alienation)ના સિદ્ધાંતોનો ખૂબ નોંધપાત્ર વિનિયોગ છે. વિશિષ્ટ ર્દશ્યગૂંથણી, ર્દશ્યોનાં નામ, ર્દશ્યઆરંભે કવિતામાં એનું કથાવસ્તુ, સંકેતકૃત્યો અને પ્રેક્ષકોને લાગણીમાં ઘસડાઈ જતા રોકી વિચારતા કરે એવી દરેક ર્દશ્યની પરાકાષ્ઠા અને તેના પરિણામે એ શ્ય સંપૂર્ણ એકાંશ બની રહે એવી રચના વગેરે તેની લાક્ષણિકતા છે. જોકે, પ્રેક્ષકો તો આ નાટક જોઈને ‘મધર કરેજ’ તરફ સહાનુભૂતિ દર્શાવતા.
જર્મન ભાષામાં આ નાટકમાં બ્રેખ્ટની અભિનેત્રી પત્ની હેલન વાઇગલ મુખ્ય ભૂમિકા ભજવતી. અનેક દેશોમાં વિવિધ રીતે આ નાટક અવારનવાર ભજવાયા કર્યું છે. તાજેતરમાં હિન્દીમાં જાણીતા અભિનેતા મનોહરસિંહે એમાં સફળતાપૂર્વક સ્ત્રી-પાઠ ભજવી અપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી હતી.
હસમુખ બારાડી