મદ્રાસ ઑબ્ઝર્વેટરી, ચેન્નાઈ
એક કાળના મદ્રાસ (આજના ચેન્નાઈ) ખાતે આવેલી, આધુનિક સાધનોથી સજ્જ ભારતની પહેલી ખગોલીય વેધશાળા. એની સ્થાપનાની કથા સાથે કોડાઈકૅનાલ વેધશાળાનો ઇતિહાસ પણ સંકળાયેલો છે.
ભારતમાં પહેલી વેધશાળા સ્થાપવા પાછળ કેવળ આકાશદર્શનનો જ આશય ન હતો. મુખ્ય કારણ હોય તો તે હતું કોરોમંડલનો અત્યંત વિનાશક સમુદ્રકાંઠો. વાત એમ હતી કે ભારતના પૂર્વ કાંઠે આવેલો કોરોમંડલ સાગરતટ અંગ્રેજો માટે માથાનો દુ:ખાવો બની ગયો હતો. કોરોમંડલ કાંઠાની મોજણીનું કામ એક કુશળ મોજણીદારને સોંપવાનો નિર્ણય લેવાયો. ઈ. સ. 1785માં માઇકેલ ટૉપિંગ (1747–1796) નામના એક વ્યવસાયી સર્વેયરને જરૂરી સાધનોથી સજ્જ કરીને મદ્રાસ મોકલવામાં આવ્યો. તેને ખગોળવિદ્યામાં પણ રસ હતો. હકીકતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો તે અધિકૃત ખગોળશાસ્ત્રી હતો એટલું જ નહિ, કંપનીના મદ્રાસ-સ્થિત બધા સર્વેયર પૈકી તે એકમાત્ર ખગોળનાવિક (sailor astronomer) હતો.
લગભગ એ જ અરસામાં એટલે કે ટૉપિંગના આગમન બાદ એકાદ વર્ષના ગાળામાં 5 ડિસેમ્બર 1786ના દિવસે મદ્રાસમાં, કેવળ યોગાનુયોગ કહો તો તેમ, અથવા કેટલાકના મતે અગાઉથી કરેલી ગોઠવણ અનુસાર, એક ખાનગી નાની વેધશાળાનો આરંભ કરવામાં આવ્યો. એનો સ્થાપક વિલિયમ પેત્રી કરીને એક અંગ્રેજ હતો. પેત્રી સંસ્કારસંપન્ન વિદ્વાન અને ખગોળમાં અત્યંત રસ ધરાવતો સરકારી અફસર હતો.
પેત્રીની આ વેધશાળા એના મદ્રાસમાં આવેલા એગ્મોર ખાતે એની માલિકીના 11 એકરના ફેલાયેલા પ્લૉટ પર બાંધેલા રહેઠાણના ધાબા પર આવેલી હતી. એ સમયે લોકોમાં ઘડિયાળ પ્રચલિત ન હતી અને એમાંના મોટાભાગનાએ તો તે ક્યારેય જોઈ પણ ન હતી. લોકો ઘડિયાળ મુજબ પોતાની રોજિંદી પ્રવૃત્તિનું આયોજન કરી શકે તે માટે તેમને સમય પ્રત્યે સભાન બનાવવાના એક ભાગરૂપે પેત્રીએ આ વેધશાળા પોતાના ખર્ચે બાંધી હતી. આ માટે તેમાં યામ્યોત્તર યંત્ર (transit instrument) અને બે કે ત્રણ દૂરબીનો, દિશાશોધનાં યંત્રો અને એકાદ ખગોલીય ઘડિયાળ જેવાં ઉપકરણો પણ વસાવવામાં આવ્યાં હતાં. કોઈ યુરોપિયન દ્વારા ભારતમાં બાંધવામાં આવેલી તે પહેલી વેધશાળા હતી. પેત્રીની વેધશાળાનાં યંત્રો સમય માપવાની કામગીરી બહુ ચોકસાઈથી બજાવવાના મામલે તે કાળે બહુ મશહૂર હતાં.
આમ તો પેત્રીની ખાનગી વેધશાળાને કોરોમંડલ-કિનારાની સર્વેક્ષણ-કામગીરી સાથે કોઈ લેવાદેવા ન હતી, પરંતુ માઇકેલ ટૉપિંગે સર્વેક્ષણની પોતાની કામગીરી માટે આ વેધશાળાને પોતાનું મુખ્ય મથક બનાવી અને ભારતનું મુખ્ય યામ્યોત્તર વૃત્ત meridian એમાંથી પસાર થતું ગણીને, તેના સંદર્ભે મોજણીની કામગીરી આરંભી. આમ આ વેધશાળા, તત્કાલીન ભારતની ગ્રિનિચ વેધશાળા તરીકે વિખ્યાત બની. આ વેધશાળા ચારેક વર્ષ ચાલી.
આ દરમિયાન પેત્રીને ઇંગ્લૅન્ડ જવાનું થતાં તેનાં સઘળાં સાધનો સરકારને ભેટ આપવાની તેણે તૈયારી બતાવી. 1789માં ટૉપિંગે મદ્રાસ સરકારને પેત્રીની આ ખાનગી વેધશાળા પોતાને હસ્તક લેવાની દરખાસ્ત રજૂ કરી અને એવું સૂચવ્યું કે પેત્રીનાં ઉપકરણો કંપની અનામત તરીકે સ્વીકારે. આમ વૈજ્ઞાનિક કાર્યને સહાય કરવા જેવું થાય. આખરે 1790માં ઈસ્ટ ઇંડિયા કંપનીના સંચાલકો મદ્રાસ ખાતે વિજ્ઞાનના લાભાર્થે એક વેધશાળા સ્થાપવા તૈયાર થયા. આ રીતે, અઢારમી સદીના અંતિમ દસકામાં મદ્રાસના ગવર્નર સર ચાર્લ્સ ઓકલીના શાસનકાળ દરમિયાન અને તેમના પ્રયાસોથી ભારતમાં ખગોળશાસ્ત્ર, ભૂગોળ અને નાવિકવિદ્યાના જ્ઞાનને વિકસાવવાના ઉમદા આશયથી કંપનીના પોતાના પરિસરમાં મદ્રાસમાં આવેલા નૂનગંબક્કમ્ (Nungambakkam) ખાતે પેત્રીની વેધશાળા ખસેડવામાં આવી. નવે સ્થળે ખસેડવામાં આવેલી વેધશાળાનું બાંધકામ સન 1792માં પૂર્ણ થયું. યુરોપ બહાર બાંધેલી, આધુનિક ઉપકરણોથી સજ્જ, કદાચ તે પહેલી જ સરકારી (public) વેધશાળા હતી.
પેત્રીની વેધશાળાએ આ દિશામાં પહેલ કરી હતી અને પછીથી પણ તેની કામગીરી ચાલુ રહી. મદ્રાસના લોકોને સમયની જાણકારી મળે તે માટે એક ખાસ વ્યવસ્થા, વેધશાળાના આ નવા મકાનમાં કરવામાં આવી હતી. તેમાંની ખગોલીય ઘડિયાળને અંગ્રેજોના મદ્રાસમાં આવેલા ફૉર્ટ સેન્ટ જ્યૉર્જ તરીકે ઓળખાતા કિલ્લામાં આવેલી એક તોપ સાથે તાર વડે જોડવામાં આવી હતી. રાત્રે બરાબર આઠના સમયે વેધશાળાનું ઘડિયાળ સંકેત મોકલે એટલે કિલ્લામાંની તોપમાં પલીતો ચંપાય અને ગગનભેદી ધડાકો થાય. મદ્રાસવાસીઓ માટે આઠ વાગ્યાની ઘોષણા કરતો આ રોજનો સંકેત હતો. દેશમાં તે કાળે સમયને આટલી ચોકસાઈથી માપતી વ્યવસ્થા આ સિવાય બીજે ક્યાંય ન હોવાથી, આ વેધશાળા દ્વારા માપવામાં આવતા મદ્રાસના સ્થાનિક સમયને અંગ્રેજો હિંદુસ્તાનનો પ્રમાણિત સમય (standard time) માનતા હતા.
વેધશાળાનું નવું મકાન બેઠા ઘાટનું, સપાટ ધાબું ધરાવતું અને ગ્રૅનાઇટના થાંભલા ધરાવતું હતું. અંદરનાં ઉપકરણો કોઈ પણ જાતના ધરતીના કે અન્ય પ્રકારના બાહ્ય કંપનોથી મુક્ત રહે તે માટે પાયામાંથી જ 5.5 મીટર ઊંચે જતા ગ્રૅનાઇટના થાંભલાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
નૂનગંબક્કમ્ ખાતે વેધશાળાની નવી ઇમારત બંધાતી હતી તેટલો સમય ટૉપિંગે વેધશાળાનો બધો સરંજામ એડવર્ડ ગૅરોના ખાનગી મકાનમાં રાખ્યો હતો. તેની કામચલાઉ વહીવટી કચેરી પણ ત્યાં જ રાખવામાં આવેલી. નવા સ્થળે અને નવા મકાનમાં, નવેસરથી સ્થાપવામાં આવેલી મદ્રાસની આ વેધશાળામાં માઇકેલ ટૉપિંગ પ્રથમ નિયામક બન્યો. તેના સહાયક તરીકે મૂળ ડેન્માર્કના અને અગાઉ પેત્રીની ખાનગી વેધશાળામાં સહાયક રહી ચૂકેલા જૉન ગોલ્ડિંગહમ(John Goldingham)ને મૂકવામાં આવ્યા. તે પછી પાછળથી આ સ્થાને એક ભારતીયને પણ મૂકવામાં આવેલો.
નૂનગંબક્કમ્ ખાતે લગભગ એક સદીથી થોડાં વધુ વર્ષ તે કાર્યરત રહી, પરંતુ તે પછી ઈ. સ. 1899માં કોડાઈકૅનાલ ખાતે નવી વેધશાળા સ્થપાતાં તેનું મહત્વ ઘટી જતાં તે ધીરે ધીરે કામ કરતી બંધ થઈ. પરંતુ ઓગણીસમી સદી દરમિયાન તેને ઠીક ઠીક પ્રતિભાવંત નિયામકો મળ્યા.
મદ્રાસ પ્રેસિડન્સીમાં સર્વેક્ષણક્ષેત્રે પહેલ કરવામાં રૉબર્ટ કેલી (1738–1790) ઉપરાંત માઇકેલ ટૉપિંગની પણ ગણના થાય છે. ટૉપિંગે 1792માં મદ્રાસ વેધશાળા સ્થાપવા ઉપરાંત, 1794માં સર્વેક્ષણ-સંસ્થા (surveying school) પણ સ્થાપી હતી અને આખા ભારતમાં વિસ્તારી શકાય તેવા સતત ક્રમમાં ગોઠવેલા ત્રિકોણોની હિમાયત કરીને, ત્રિકોણાત્મક સર્વેક્ષણનો આરંભ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વળી સર્વેક્ષણમાં રસને કારણે ટૉપિંગે મદ્રાસની વેધશાળાને પણ આ કામમાં આરંભથી જ જોતરી હતી. આને કારણે બહુ પાછળથી, Great Trigonometrical Survey of India, ટૂંકમાં GTS કે GTSI તરીકે જાણીતા બનેલા ભારતમાં કરવામાં આવેલા ત્રિકોણમિતીય ભૂમિ-માપનના એક જંગી પ્રકલ્પમાં આ વેધશાળાએ સક્રિય ભાગ લીધો હતો અને આવા સર્વેક્ષણ માટે જરૂરી યામ્યોત્તર વૃત્તનો સંદર્ભ પૂરો પાડવા ઉપરાંત, આ યોજના માટેનાં ઉપકરણો અ્ને માનવશક્તિ પણ પૂરાં પાડ્યાં હતાં.
માઇકેલ ટૉપિંગ પછી, અગાઉ પેત્રીના, અને તે પછી ટૉપિંગના સહાયક રહી ચૂકેલા જૉન ગોલ્ડિંગહમને મદ્રાસ વેધશાળાના નિયામક બનાવવામાં આવ્યા. 1796થી 1830 સુધી તેઓ સરકારી ખગોળશાસ્ત્રી તરીકે રહી ચૂક્યા હતા અને રૉયલ સોસાયટીના ફેલો હતા. તેમના હાથ નીચે વૉરન કરીને એક બીજા ખગોળશાસ્ત્રી હતા. આ ઉપરાંત તેમનાં રોજિંદાં ખગોલીય અવલોકનોમાં કેટલાક ભારતીય મદદનીશો પણ સામેલ હતા. આમાંના તિરૂવેંકટાચારી અને સેનાવાસ્સાચારી નામના બે સહાયક તો ખૂબ કાબેલ હતા. ગોલ્ડિંગહમનાં ખગોલીય નિરીક્ષણો ચારેક ખંડોમાં પ્રસિદ્ધ થયાં છે. વળી વિષુવવૃત્ત નજીક લોલકના ઝોલાની ગતિવિધિઓ માપતાં તથા અવાજનો વેગ માપતાં અવલોકનો પણ તેમણે કર્યાં તો વેધશાળાના રેખાંશ પણ ગણી આપ્યા. 1796થી મોસમવિજ્ઞાન સંબંધી નોંધો રાખવાનો શિરસ્તો પણ ચાલુ કર્યો. 1849માં તેમનું અવસાન થયું.
તે પછી વેધશાળાનું સંચાલન ટૉમસ ગ્લેન્વિલ ટેલર (1804–1848)ને સોંપવામાં આવ્યું. તેમણે પોતે હવાલો સંભાળ્યા પછી પહેલું કામ નવાં અને વધુ સક્ષમ સાધનો વસાવવાનું કર્યું. પોતાની કારકિર્દીનાં 18 વર્ષ તેઓ સરકારી ખગોળશાસ્ત્રી તરીકે રહ્યા. આ દરમિયાન તેમણે સ્થિર તારાઓની સારણી (fixed star catalogue) તૈયાર કરવાની અતિ મહત્વની કામગીરી કરી. દક્ષિણ આકાશના તારાઓની આ સારણી 1844માં ‘મદ્રાસ જનરલ કૅટલૉગ ઑવ્ 11,015 સ્ટાર્સ’ તરીકે પ્રસિદ્ધ થઈ. તેમની આ કામગીરીની પ્રશંસા દુનિયાભરના ખગોળવિદોએ મુક્ત કંઠે કરી અને સર જ્યૉર્જ બિદેલ ઍરી (1801–1892) જેવા રૉયલ ગ્રિનિચ વેધશાળાના સાતમા નિયામક અને બ્રિટનના શાહી ખગોળશાસ્ત્રીએ, તેના પ્રકાશનનાં દસેક વર્ષ પછી પણ આ તારાપત્રકને આધુનિક કાળના મહત્વપૂર્ણ તારાપત્રક તરીકે ઓળખાવ્યું હતું. સામાન્ય રીતે, મદ્રાસ તારાપત્રક (Madras catalogue) તરીકે ઓળખાતું આ તારાપત્રક 1901માં સંશોધિત કરવામાં આવેલું. તેના આ કામની કદરરૂપે 1842માં ટેલરને રૉયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટવામાં આવેલા. આ ઉપરાંત તેમને રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીના પણ ફેલો બનાવવામાં આવેલા. તારા સંબંધી તેમનાં સંશોધનો ઉપરાંત, ટેલરે બીજાં પણ ખગોલીય સંશોધનો કરેલાં, જેમાં 1836ના હેલીના ધૂમકેતુ તથા 1845માં વિલ્મોટના ધૂમકેતુનો સમાવેશ થાય છે. તેમણે મદ્રાસની ચુંબકીય તથા મોસમવિજ્ઞાન સંબંધી ઘણી બધી માહિતી એકઠી કરી હતી.
1848ના ડિસેમ્બરમાં કૅપ્ટન વિલિયમ સ્ટીફન જેકૉબ (1813–1862) નામના, અગાઉ પુણેની વેધશાળા સાથે સંકળાયેલા ખગોળવિદે હવાલો સંભાળ્યો. નવાં ઉપકરણો ઉમેરવા ઉપરાંત તેમણે ટેલરના તારાપત્રકમાં 1,440 જેટલા તારાઓની પુરવણી કરી. તેમની નાદુરસ્ત તબિયતને કારણે એપ્રિલ 1858માં જેકૉબ ઇંગ્લૅન્ડ જવા રવાના થયા ત્યારે પોતાનું સ્થાન મદ્રાસના મેજર વર્સ્ટરને કામચલાઉ ધોરણે સોપતા ગયા. મેજર ખગોળમાં રસ ધરાવતા હતા અને તેમણે 400 જેટલા તારાઓની નિજગતિ(proper motion)નું નિરીક્ષણ કર્યું હતું, પરંતુ 1859માં ઑક્ટોબરની 13મી તારીખે મેજરે આ પદ છોડીને જેમ્સ ફ્રાન્સિસ ટેન્નન્ટ (1829–1915) નામના બીજા એક મેજરને હવાલો સોંપ્યો. આ નિમણૂક હંગામી હતી. ટેન્નન્ટે વેધશાળાના મકાનની મરમ્મત અને બાંધણીમાં ફેરફાર કરવાનું સૂચવ્યું. સપાટ છતને બદલે ફરી શકે તેવા ગુંબજની હિમાયત કરી. નવાં ઉપકરણો વસાવવાની પણ ભલામણ કરી. આ અંગે તેમણે બ્રિટનના રાજજ્યોતિષી સર જ્યૉર્જ બિદેલ ઍરી સાથે પત્રવ્યવહાર કર્યો. અંગત તેમજ અધિકારની રૂએ 14 જૂન 1860ના રોજ તેમણે સરકારી ખગોળવિદપદેથી રાજીનામું આપ્યું. જોકે ટેન્નન્ટ મદ્રાસની વેધશાળા સાથે પાછળથી સંકળાયેલા ન હતા એ ખરું, પરંતુ ભારતમાં ખગોળશાસ્ત્રક્ષેત્રે એમનું પ્રદાન મહત્વનું છે. એટલે એનો અછડતો પણ ઉલ્લેખ, અહીં કરવો જોઈએ. તેનું મુખ્ય પ્રદાન ભારતમાંથી દેખાયેલા બે સૂર્યગ્રહણના અભ્યાસ સંબંધી ગણી શકાય. આ ઉપરાંત તેમણે સૂર્યનાં વિવિધ પાસાંઓનો અભ્યાસ કરીને તેના બંધારણ અંગે વધુ જાણકારી આપી. 1874માં થયેલા શુક્રના અધિક્રમણનો અભ્યાસ કરીને તેમણે, તે કાળે ફોટોગ્રાફીની નવી જ વિકસેલી ટેક્નીકનો ઉપયોગ તેના ચિત્રણમાં કરેલો. છબીઓનું પરિણામ બહુ સારું આવ્યું હતું. પછી તો એ આ રીતની ફોટોગ્રાફીમાં એટલા તો નિપુણ થઈ ગયેલા કે 1887માં પૅરિસમાં ભરાયેલી ઍસ્ટ્રોગ્રાફિક કૉન્ફરન્સમાં તેમને બ્રિટનના પ્રતિનિધિ તરીકે પણ મોકલવામાં આવેલા. એ સિમલામાં એક સૌરવેધશાળા સ્થાપવાની યોજના તેમણે રજૂ કરેલી, જોકે તે સમયે તેનો સ્વીકાર થયો ન હતો.
ટેન્નન્ટ પછી આવેલા નિયામક નૉર્મન રૉબર્ટ પૉગસન (1829–1891) હતા. આ પદ પર તે 1861થી 1891 સુધી, એમ ત્રીસ વર્ષ સુધી રહ્યા. એઓની નિમણૂક જૉન હર્ષલ (1792–1871) અને ચાર્લ્સ પિયાઝી સ્મિથ (1819–1900) નામના બ્રિટનના બે પ્રખ્યાત ખગોળવિદોની ભલામણથી કરવામાં આવી હતી.
1860માં પૉગસનની વરણી મદ્રાસની વેધશાળાના નિયામક તરીકે થતાં 1861ના આરંભમાં તેઓ મદ્રાસ આવ્યા અને જીવનના અંત સુધી ત્યાં જ રહ્યા. 1891માં તેમનું અવસાન થયું ત્યાં સુધી એટલે કે ત્રીસ વર્ષ સુધી તેમણે નિયામકનો હોદ્દો સંભાળ્યો. ઑક્સફર્ડમાં હતા ત્યારે, 1856માં તેમણે તારક-વર્ગ (stellar magnitude) માટે લઘુગણકીય આધાર (logarithmic base) પ્રયોજવાનું સૂચન કર્યું હતું, જે આજે પણ ઉપયોગમાં લેવાય છે.
બ્રિટનમાં હતા ત્યારે જ એમની ખ્યાતિ રૂપવિકારી તારા અને ખાસ કરીને લઘુગ્રહોના પ્રથમ દરજ્જાના નિરીક્ષક તરીકે પ્રસરી ચૂકી હતી. ઇંગ્લૅન્ડમાં હતા ત્યારે, 1854–1857ના સમયગાળામાં ચાર, અને મદ્રાસ વેધશાળામાં જોડાયાનાં સાતેક વર્ષ દરમિયાન બીજા પાંચ વધુ લઘુગ્રહ શોધી ચૂક્યા હતા. જિંદગીનાં અંતિમ વર્ષોમાં તેમણે વેરા (Vera) નામના લઘુગ્રહને શોધ્યો હતો (1885). 1856માં આઇસિસ (Isis) નામના લઘુગ્રહને શોધી કાઢવા બદલ પૉગસનને ફ્રેન્ચ અકાદમીએ લલાન્ડ ચંદ્રક (Lalande medal) પણ અર્પણ કરેલો. આમ કુલ દસેક જેટલા લઘુગ્રહોની શોધ તેમણે કરી હતી.
1856માં પ્રસિદ્ધ થયેલો તેમનો પ્રથમ સંશોધનલેખ રૂપવિકારી તારા સંબંધી હતો, જેમાં તેમણે તે કાળે જ્ઞાત ત્રેપન જેટલા રૂપવિકારી તારાઓનો ચિતાર આપ્યો હતો. તેમના અવસાન સુધી રૂપવિકારી તારાઓની સંખ્યા વધીને આશરે 260 જેટલી થઈ હતી, જેમાં વીસેક એમના શોધેલા હતા.
પૉગસનના મદ્રાસ ખાતેના સઘળા કાર્યમાં અને ખાસ કરીને રૂપવિકારી તારાઓને લગતી કામગીરીમાં ચિંતામણિ રઘુનાથાચાર્ય (કે. ચિંતામણિ રઘુનાથ આચાર્ય કે ચિંતામણિ રઘુનાથાચારી) નામના તેમના મુખ્ય સહાયક એવા એક ભારતીય ખગોળશાસ્ત્રીનો ફાળો બહુ મહત્વપૂર્ણ છે. તેમનો જન્મ 1828માં અને અવસાન 1880માં થયું હતું. તેમના પિતા મદ્રાસ વેધશાળામાં જ મદદનીશ હતા. વેધશાળામાં યુવાન વયે રોજિંદા પગારદાર તરીકે જોડાઈને, ધીરે ધીરે તરક્કી કરતા જઈને ચિંતામણિ મુખ્ય મદદનીશપદે પહોંચ્યા હતા અને તેમનો પગાર મહિને રૂપિયા 150 જેટલો થયો હતો. તેઓ નિરીક્ષણમાં અત્યંત કાબેલ અને આંકડાઓની ગણતરી કરવામાં બહુ કુશળ હતા. મદ્રાસ તારા-સારણી (Madras catalogue of stars) તરીકે પાછળથી જાણીતું બનેલું આ વેધશાળાનું તારાસ્થિતિપત્રક તૈયાર કરવામાં તથા તેને લગતા વેધ લેવામાં તેમનો ફાળો નોંધપાત્ર હતો. તેમણે પોતે પણ અનુક્રમે 1867માં અને 1878માં થઈને બે નવા રૂપવિકારી તારા શોધ્યા હતા. અહીં એ નોંધવું જોઈએ કે ઓગણીસમી સદીમાં બે રૂપવિકારી તારાની શોધ કરનાર ચિંતામણિ પહેલા અને એકમાત્ર ભારતીય હતા. ખરી વાત તો એ છે કે કોઈ ભારતવાસી દ્વારા દૂરબીનથી કરવામાં આવેલી તે પહેલી મહત્વની શોધ હતી. આ ઉપરાંત તેમણે 1874ના શુક્રના અધિક્રમણનો તથા 1868 અને 1871નાં ખગ્રાસ સૂર્યગ્રહણોનો તથા એવી જ કેટલીક ખગોલીય ઘટનાઓનો પણ અભ્યાસ કર્યો હતો. જાન્યુઆરી 1872માં તેમને ઇંગ્લૅન્ડની રૉયલ ઍસ્ટ્રોનૉમિક્સ સોસાયટી(RAS)ના માનાર્હ સભ્ય (ફેલો) ચૂંટવામાં આવ્યા હતા. ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવવા તેઓ જાહેર વ્યાખ્યાન પણ આપતા હતા. 1874ની શુક્રના અધિક્રમણની ઘટનાને સમજાવવા માટે તમિળમાં તેમણે એક પુસ્તક પણ લખ્યું હતું, જે અંગ્રેજી ઉપરાંત ઉર્દૂ સહિત અન્ય સ્થાનિક ભાષાઓમાં પણ અનૂદિત થયું હતું. પુસ્તકને લોકપ્રિય બનાવવા તેમાં તેમણે પંડિત અને સિદ્ધાંતી (ખગોળવિદ) વચ્ચે થતા કાલ્પનિક સંવાદની પદ્ધતિ અપનાવી હતી. અંગ્રેજીમાં પ્રસિદ્ધ થતા નાવિક પંચાંગને આધાર બનાવીને 1869થી દિગ્ગણિત પંચાંગ નામે એક પંચાંગ પણ તેઓ નિયમિત પ્રસિદ્ધ કરતા હતા. આ ઉપરાંત, તેમણે જ્યોતિષ-ચિંતામણિ નામનો એક ગ્રંથ પણ તમિળમાં લખ્યો હતો.
પૉગસને ખાસ કરીને સૂર્ય અને તારાઓનાં ફોટોગ્રાફિક અને વર્ણપટીય અવલોકનો માટે પાલની હિલ્સ અથવા નીલગિરિ ટેકરીઓ પર આ વેધશાળાની એક શાખા સ્થાપવાનું વિચાર્યું હતું. પરંતુ એના જીવતે જીવ આ ઇચ્છા બર ન આવી. તે પછી સન 1876–1877માં ચોમાસું નિષ્ફળ જવાને કારણે મદ્રાસમાં દુષ્કાળ પડ્યો. તેનું કારણ શોધવા સરકારે કમિશન ઑવ્ ઇન્ક્વાયરીની નિમણૂક કરી, જેણે ભારતમાં વરસાદની વહેંચણી અને સૂર્યના કલંકોના પુનરાવર્તન (સૂર્યકલંકચક્ર) વચ્ચેનો સંબંધ હોવાનું પોતાના અહેવાલમાં સૂચવ્યું; એટલું જ નહિ, સૌર અવલોકનો માટે ભારતમાં એક સૌર-ભૌતિક વેધશાળા સ્થાપવાની પણ ભલામણ કરી. આમાં બ્રિટનના ખગોળશાસ્ત્રી સર જોસેફ નૉર્મન લૉકિયર (1836–1920)નો ફાળો પણ મહત્વનો રહ્યો. આને પરિણામે પૉગસનના અવસાન પછી તેમના સ્થાને આવેલા સરકારી ખગોળશાસ્ત્રી સી. મીશી સ્મિથના કાળમાં આ દિશામાં પગલાં ભરવાનો આરંભ થયો.
સી. મીશી સ્મિથ 1899 સુધી એટલે કે આશરે આઠેક વર્ષ સુધી આ પદે રહ્યા. એમણે પૉગસનનું અધૂરું કાર્ય પૂરું કરવા અને તેને પ્રસિદ્ધ કરવા ઉપરાંત, ભારતમાં નવા ખગોળશાસ્ત્રનો આરંભ કરવામાં સારો એવો પરિશ્રમ કર્યો. વેધશાળાના 1892ના વાર્ષિક રિપૉર્ટમાં એમણે આ અંગે લખેલું જોઈ શકાય છે. વેધશાળાનાં ઉપકરણો કાલગ્રસ્ત, જરીપુરાણાં અને ત્રુટિયુક્ત હોવાનું એમણે લખ્યું અને તેમને સ્થાને નવાં વસાવવાનું સૂચવવા ઉપરાંત ફોટોગ્રાફી અને સ્પેક્ટ્રમવિજ્ઞાન (spectroscopy) સંબંધિત ઉપકરણોના અભાવ અંગે પણ જણાવ્યું છે. ચારેક વર્ષ પછી આને મળતો આવતો આવો જ મત તે સમયની ભારત સરકારના મોસમવિજ્ઞાનના સંવાદદાતા જૉન એલિયેટે પણ રજૂ કર્યો.
આમ પણ છેલ્લા કેટલાક સમયથી બ્રિટિશ સરકાર, ખગોળવિજ્ઞાનની ખગોળ-ભૌતિકશાસ્ત્ર તરીકે ઓળખાતી અને તે કાળે વિકસી રહેલી નવી શાખામાં, વીસમી સદીમાં ભારત સક્રિય રહે તે ઇરાદાથી એક નવી જ આધુનિક સૌર વેધશાળા સ્થાપવાનું વિચારતી હતી જ. તેમાં વળી અગાઉ પૉગસનની ભલામણ અને તે પછી મદ્રાસ-દુષ્કાળ તરીકે ખ્યાત બનેલા દુષ્કાળનાં કારણો શોધવા રચાયેલી સમિતિના અહેવાલને ધ્યાનમાં રાખીને તથા એ પછી મીશી સ્મિથ વગેરે જેવા ખગોળશાસ્ત્રીઓના પ્રયત્નોથી સરકારે આ બાબતમાં આગળ વધવાનું નક્કી કર્યું. તેના સ્થળની પસંદગી અને બાંધકામની જવાબદારી મીશી સ્મિથને જ સોંપવામાં આવી.
આખરે 1895માં સૌર-ભૌતિક વિજ્ઞાનની વેધશાળા માટે કોડાઈકૅનાલ સ્થળની પસંદગી કરવામાં આવી. આ ગામ પાલની હિલ્સ નામના ડુંગરો પર, તેના પશ્ચિમ ઢોળાવ તરફના ‘અપર પાલની’ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલું છે. વેધશાળાનું સ્થળ સમુદ્રની સપાટીથી આશરે 2,343 મીટરની ઊંચાઈએ આવેલું છે. પાછળથી કોડાઈકૅનાલ વેધશાળા તરીકે મશહૂર બનેલી આ વેધશાળાનું બાંધકામ 1899માં હાથ પર લેવાયું.
લગભગ આ જ અરસામાં આ નવી વેધશાળાનો અને મદ્રાસની વેધશાળાનો વહીવટી અંકુશ ભારતીય મોસમવિજ્ઞાન ખાતાને હવાલે કરવામાં આવ્યો.
મદ્રાસ ઉપરાંત કોડાઈકૅનાલ ખાતેની વેધશાળાના નિયામક તરીકેની જવાબદારી પણ મીશી સ્મિથને જ સોંપવામાં આવી અને 1899ના ફેબ્રુઆરીના અંત ભાગમાં તેમને ત્યાં રહેવાની સગવડ પણ કરી આપવામાં આવી. કોડાઈકૅનાલ વેધશાળા 1 એપ્રિલ, 1899ના રોજ વિધિવત્ ચાલુ કરી દેવામાં આવી, અને મદ્રાસ વેધશાળામાંથી ખગોલીય ઉપકરણો અને પુસ્તકો નવા સ્થળે લઈ જવામાં આવ્યાં. વેધશાળાનું બાકીનું બાંધકામ સન 1900ના અંત સુધીમાં પૂર્ણ થયું. અહીં કઈ કઈ કામગીરી કરવી તેનું સમગ્ર માળખું મીશી સ્મિથે ઘડી કાઢ્યું, અને વેધશાળાઓ માટે રચવામાં આવેલી રૉયલ સોસાયટીની સમિતિની પરવાનગી પણ મેળવી લીધી. આમ ભારતમાં કોડાઈકૅનાલ ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરીમાં ખગોળભૌતિકવિદ્યાનું વ્યવસ્થિત કામ શરૂ થયું. (એ પછી બહુ પાછળથી ભારતીય મોસમવિજ્ઞાન ખાતાનો અંકુશ હઠાવી લેવાયો. હવે તે બેંગલોરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍસ્ટ્રોફિઝિક્સના નેજા હેઠળ કામ કરે છે.)
આ દરમિયાન, મદ્રાસ વેધશાળામાં ખગોલીય સંશોધનપ્રવૃત્તિ ઓછી થતી ચાલી અને તેનો વહીવટ હવામાન ખાતાને તાબે હોઈ, તે હવે પૂર્ણપણે મોસમ પ્રેક્ષણશાળા (meterological observatory) બની રહી. વળી વચગાળાના સમયમાં આકાશી દક્ષિણ ગોળાર્ધના નિરીક્ષણ માટે દક્ષિણ આફ્રિકા તથા ઑસ્ટ્રેલિયામાં પણ વેધશાળાઓ સ્થપાઈ જતાં, મદ્રાસની વેધશાળાનું તેટલા પૂરતું મહત્વ પણ ઘટી ગયું. હવે ખુદ બ્રિટિશ ખગોળશાસ્ત્રીઓને પણ આ વેધશાળામાં ઝાઝો રસ રહ્યો નહિ. આને લઈને, યુરોપની તે કાળની વેધશાળાઓ સાથે કામગીરી બાબતમાં જરાય ઊતરતી નહિ એવી મદ્રાસની આ વેધશાળાની પછી ધીમે ધીમે અવગણના થતી ગઈ અને એકાદ સદી જેટલી સક્રિય કામગીરી બાદ તે બંધ થઈ ગઈ એેટલું જ નહિ, આ વેધશાળા પોતે જ અને તેની સાથે સંકળાયેલા મોટાભાગના ખગોળશાસ્ત્રીઓ પણ ભુલાઈ ગયાં.
મદ્રાસના નૂનગંબક્કમ્માં બકિંગહામ કૅનાલ(Buckingham Canal)ને કાંઠે આજે પણ આ વેધશાળાના ગ્રૅનાઇટના નક્કર થાંભલાઓના રડ્યાખડ્યા અવશેષ જોવા મળે છે, જેના પર આવનાર ભવિષ્યની પેઢીઓ માટે બ્રિટિશરોએ આ દિશામાં કરેલી પહેલની પ્રશસ્તિ કરતું લખાણ લૅટિન અને ભારતની વિવિધ ભાષાઓમાં અંકિત કરેલું જોવા મળે છે. આ પુરાણી મદ્રાસ વેધશાળાનાં કેટલાંક વૈજ્ઞાનિક સાધનો કોડાઈકૅનાલ વેધશાળામાં આજે પણ જળવાયેલાં છે. આવું એક જાણીતું સાધન જૉન શેલ્ટોનનું લોલક-ઘડિયાળ છે, જે એક કાળે પેત્રીની વેધશાળામાં વપરાતું હતું. 1769ના શુક્રના અધિક્રમણ-નિરીક્ષણમાં તેનો ઉપયોગ થયો હતો. પ્રખ્યાત શોધસફરી કૅપ્ટન જેમ્સ કૂકે પોતાની સમુદ્ર યાત્રાઓમાં વાપરેલું લોલક-ઘડિયાળ પણ બરાબર આ જ પ્રકારનું હતું. પેત્રીનું આ લોલક-ઘડિયાળ જૂના સમયની યાદ દેવડાવતું હજુ આજે પણ સમયની આલબેલ પોકારતું ટિક-ટિક કરે છે.
સુશ્રુત પટેલ