મદીરા (નદી) : દક્ષિણ અમેરિકામાં આવેલી ઍમેઝોનની એક શાખાનદી. આ નદીનું મૂળ મધ્ય બોલિવિયામાં રહેલું છે. ત્યાંથી તે વાયવ્ય તરફ વહે છે અને બોલિવિયા-બ્રાઝિલની સીમા પર આશરે 95 કિમી. વહીને ગુઆજારા-મીરીમ પાસે બ્રાઝિલની સીમામાં પ્રવેશે છે. તે રોન્ડોનિયા (Rondonia) અને ઍમેઝોનાસ (Amazonas) રાજ્યોમાં સર્પાકારે વહીને મેનેઓસ શહેરથી પૂર્વમાં આશરે 150 કિમી. દૂર ઍમેઝોનને મળે છે. ઍમેઝોનની શાખાનદીઓમાં આ નદી સૌથી લાંબી છે, તેમજ દક્ષિણ અમેરિકાની લાંબી નદીઓમાં ત્રીજો ક્રમ ધરાવે છે. આ નદીની લંબાઈ 3,352 કિમી. છે, જ્યારે તેની સરેરાશ પહોળાઈ આશરે 1 કિમી. જેટલી છે. મામોરે અને બેની તેની શાખાનદીઓ છે. તેમનો સંગમ વિલા-બેલા (Villa Bella) પાસે થાય છે. ઍમેઝોન નદીના સંગમસ્થાન પહેલાં મદીરા નદીની શાખાનદીઓ દ્વારા પંકપ્રદેશ તૈયાર થયેલો છે, તેને ટુપિનામ્બરામા (Tupinambarama) ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. સાન્ટો ઍન્ટોનિયો નામનો જાણીતો જળધોધ અહીં આવેલો છે. આ ઉપરાંત તેના ઉપરવાસમાં નાના-મોટા થઈને 19 જેટલા જળધોધ આવેલા છે. પૉર્ટોવેલ્હો અને બ્રાઝ શહેરો આ નદીને કાંઠે વસેલાં છે. તેના મુખથી સાન્ટો ઍન્ટોનિયોના જળધોધ સુધી એટલે કે આશરે 1,300 કિમી.ના અંતર સુધી આ નદી નૌકાવહન માટે ઉપયોગમાં લેવાય છે. તેની શાખાનદીને સમાંતર પૉર્ટોવેલ્હો અને ગુઆજારા–મીરીમને સાંકળતો આશરે 365 કિમી. લાંબો રેલમાર્ગ તૈયાર કરવામાં આવ્યો છે.

આ નદીના ખીણ-વિસ્તારનું સર્વપ્રથમ અભિયાન સોળમી સદીમાં હાથ ધરાયું હતું. ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરોની મદદથી સર્વપ્રથમ વાર આ ખીણનો નકશો 1970માં પ્રગટ કરાયો હતો. નદીકિનારાના ભાગોમાં ઉષ્ણતાનયનનો વરસાદ અને ગીચ જંગલોને કારણે વસ્તીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. મૂળ ઇન્ડિયન અને મેસ્ટિઝો લોકો નદીકિનારે ઝૂંપડાં બાંધીને વસે છે. તેઓ જંગલી ફળો અને રબર એકઠું કરીને ગુજરાન ચલાવે છે.

નીતિન કોઠારી