મથુરા-શિલ્પ : ઈસુ પૂર્વે પહેલી સદીથી આશરે ઈસુની પહેલી સદી દરમિયાન કુશાન સામ્રાજ્યના મથુરા અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલ હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મની પાષાણશિલ્પ-પરંપરા અથવા મથુરાની શિલ્પાકૃતિઓ. ભારતીય શિલ્પના ઇતિહાસમાં ઘણું જ મહત્વનું પ્રદાન કરનાર મથુરાએ અગત્યનાં લક્ષણો (iconography) વિકસાવવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય કલાસમન્વય સાધી આગવી શૈલી વિકસાવી છે.

યક્ષી

ઉત્તર ભારતના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોની મધ્યમાં હોવાને કારણે મથુરાની ભૌગોલિક સ્થિતિ શિલ્પસર્જન માટે લાભદાયક પુરવાર થઈ છે. મથુરાની સમન્વયાત્મક પ્રણાલીના હાર્દમાં ભારતીય, ગ્રીક અને ઈરાની સંસ્કૃતિઓ રહેલી છે. આ ત્રણેય સાંસ્કૃતિક પ્રવાહો ઐતિહાસિક ક્રમ અનુસાર મથુરામાં એકબીજા સાથે ટકરાયા, પણ થોડાક સૈકામાં તેમનો સંઘર્ષ સમન્વયમાં પરિણમ્યો. ભારતીય પ્રણાલીમાં ગ્રીક અને ઈરાની પ્રભાવોનો સુમેળ સધાયો. મથુરાનાં શિલ્પ તત્કાલીન ભારતીય શિલ્પપરંપરા, ગ્રીક કલાની માનવઆકૃતિના સૌષ્ઠવની સુંદરતા અને ઈરાની કલાની સરલતાનું સામંજસ્ય રજૂ કરે છે.

અશોકવૃક્ષ

ઈસુ પૂર્વે બીજી શતાબ્દીમાં મૌર્ય સામ્રાજ્ય તૂટ્યું તેના ફળરૂપે ઈસુ પૂર્વે પહેલી સદીથી માંડીને ઈસુની પહેલી સદી લગી ગ્રીકો અને ઈરાનના શકોએ વાયવ્ય ભારતમાં કરેલા પગપેસારાને પ્રતાપે તે બંને સંસ્કૃતિઓનો પ્રભાવ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફેલાયો. આ બંને સંસ્કૃતિઓની કલાનો ભારતીય કલા સાથે સંગમ થતાં જે કલાનો આવિષ્કાર થયો તે તત્કાલીન શુંગ રાજવંશના કારણે શુંગ કલા નામે ઓળખાયો. ઈસુની પહેલી-બીજી સદીમાં મથુરામાં શક અને કુશાન વંશના રાજાઓનું રાજ્ય સ્થપાયું. કુશાન સમયમાં મથુરા ઉત્તર ભારતની કલાપ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર બન્યું. મથુરામાં બૌદ્ધ ધર્મને લગતી અનેક પ્રકારની મૂર્તિઓનું સૌપ્રથમ નિર્માણ થયું. સ્વયંબુદ્ધની મૂર્તિનું પણ સૌપ્રથમ નિર્માણ મથુરામાં થયું. આમ, બુદ્ધની મૂર્તિ મથુરા-કલાની સૌથી મોટી વિશેષતા રહી છે અને તેનું સ્વરૂપ મથુરા નજીક પરખમ નામના સ્થળેથી મળી આવેલી પરખમ યક્ષની મૂર્તિને મળતું આવે છે. આ પહેલાંના મૌર્ય અને શુંગ કાળમાં બુદ્ધને મનુષ્યરૂપે દર્શાવવામાં આવતા ન હતા. ભોપાળ પાસેના સાંચી અને મધ્ય ભારતના ભરહુત નામનાં સ્થળો શુંગ કાળની કલાનાં 2 સૌથી મોટાં કેન્દ્રો જણાયાં છે. સાંચી અને ભારહૂતની કલાનું ભારતીય બૌદ્ધ કલામાં મહત્વપૂર્ણ સ્થાન છે. અહીં સ્તૂપોની દીવાલો, વેદિકા-સ્તંભો અને તોરણો પર બુદ્ધની જીવનઘટનાઓ અને તેમના પૂર્વજન્મની કથાઓ એટલે કે જાતકકથાઓ અર્ધમૂર્ત (relief) શિલ્પરૂપે કંડારવામાં આવી છે. તેમાં બુદ્ધને પાદુકા, દાંત, પીપળાના વૃક્ષ નીચેનો ઓટલો ઇત્યાદિ પ્રતીકો વડે દર્શાવ્યો છે. બુદ્ધના મહાન જીવનની અનેક રોચક ઘટનાઓ શિલ્પમાં ગૂંથવા માટે બુદ્ધને માનવ આકૃતિરૂપે રજૂ કરવાની શિલ્પીઓને આવશ્યકતા જણાઈ નહિ. ટૂંકમાં શુંગ કાળમાં બુદ્ધને મનુષ્ય-આકૃતિ દ્વારા વ્યક્ત કરવાનો તદ્દન અભાવ જણાય છે. આ કાળના શિલ્પમાં યક્ષ, નાગ, રાજા, રાણી, દાસ, દાસી, તપસ્વી ઇત્યાદિ માનવોને માનવઆકૃતિરૂપે રજૂ કરવામાં આવ્યા છે. અર્થાત શિલ્પીઓ માનવઆકૃતિઓને શિલ્પમાં કંડારી શકતા હતા; છતાં બુદ્ધને માનવદેહમાં કંડાર્યા નથી, તેમાં કદાચ હીનયાનની મૂળ વિચારધારા કારણરૂપ હોઈ શકે.

બુદ્ધની મૂર્તિનું પ્રથમ નિર્માણ મથુરામાં થયું કે ગાંધારમાં તે અંગે વિદ્વાનોમાં મતભેદ છે. પાશ્ચાત્ય વિદ્વાનો ગ્રીસની કલાની અસર હેઠળ બુદ્ધની પ્રતિમા પહેલવહેલી ગાંધારમાં સર્જાઈ તેમ જણાવે છે, જ્યારે ડૉ. કુમારસ્વામી જેવા વિદ્વાનોના મતે બુદ્ધની મૂર્તિની રચના સૌપ્રથમ મથુરામાં થઈ. ભાગવત ધર્મનું બૌદ્ધ રૂપાંતર મહાયાનમાં થયું એમ મનાય છે. સારનાથમાંથી મળેલી બોધિસત્વની મૂર્તિ બ્રાહ્મણ (હિંદુ) પરંપરાના મથુરા નજીકથી મળી આવેલી પરખમ યક્ષની મૂર્તિની શૈલીને વ્યક્ત કરે છે.

ગુપ્તકાલીન વિષ્ણુમૂર્તિ

બૌદ્ધ મૂર્તિઓની જેમ મથુરા-કલામાં બ્રાહ્મણ ધર્મસંબંધી મૂર્તિઓ તૈયાર થઈ તે એની વિશેષતા છે. મથુરા અને એની આસપાસના પ્રદેશોમાં પ્રાચીન ભાગવત ધર્મનો પ્રભાવ વિશેષ પ્રમાણમાં હતો. મથુરામાં ભગવાન વાસુદેવનું મંદિર હતું. ગ્વાલિયર રાજ્યના બેસનગરમાં મળી આવેલા આલેખને આધારે એમ માની શકાય કે ત્યાં પણ ભગવાન વાસુદેવનો એક ઉત્તમ પ્રાસાદ (મંદિર) હતો. ચિતોડ નજીક સંકર્ષણ અને વાસુદેવનાં મંદિરો હતાં. બેસનગરમાં હેલિયોડોરસ દ્વારા વિષ્ણુભક્તિ માટે એક ગરુડધ્વજની સ્થાપના થઈ હતી. મથુરામાં મળી આવેલા ભાગવત અથવા પ્રાચીન પાંચરાત્ર ધર્મનાં વિવિધ મંદિરોથી સ્પષ્ટ થાય છે કે ભાગવત ધર્મનું મથુરા અને તેની ચારેય બાજુના પ્રદેશોમાં વિપુલ પ્રમાણમાં પ્રભુત્વ હતું. પરિણામે વૈષ્ણવ મૂર્તિઓની રચના સૌપ્રથમ આ પ્રદેશમાં થઈ એમ માનવામાં આવે છે. માનવઆકૃતિના રૂપમાં દેવોની મૂર્તિઓનું સર્જન કરીને મથુરા અને ગાંધાર શૈલીએ ભારતીય ધર્મોની ખાસ્સી સેવા કરી છે. આ દેવોની પ્રતિષ્ઠા કરતાં મંદિરોનું સર્જન પણ શરૂ થયું. આમ, શિલ્પ અને સ્થાપત્યનો સમાંતર વિકાસ થવો શરૂ થયો. ઈસુ પૂર્વે આશરે પહેલી સદીમાં કુશાન કાળના આરંભમાં બૌદ્ધ અને હિંદુ દેવોનાં લક્ષણ-ચિહ્નો નક્કી થયાં. તેમાં બ્રહ્મા, વિષ્ણુ, કૃષ્ણ, બલરામ, શિવ, લિંગ, કાર્તિકેય, ગણપતિ, પાર્વતી, અર્ધનારીશ્વર, કુબેર, ગરુડ, લક્ષ્મી, દુર્ગા, સરસ્વતી, નાગ-નાગિણી, સિંહવાહિની, મહિષાસુરમર્દિની, ઇન્દ્ર, કામદેવ, સૂર્ય તથા સપ્તમાતૃકાઓનો સમાવેશ થાય છે. કુશાનકાલીન ઉપર્યુક્ત મૂર્તિઓનું સ્વરૂપ પ્રારંભિક કક્ષાનું જણાયું છે, તેને કારણે જુદા જુદા દેવતાઓનું સ્વરૂપ એકબીજાને મળતું જણાય છે. તેમાંયે, ખાસ તો વિષ્ણુ, ઇન્દ્ર, કાર્તિકેય અને બલરામની મૂર્તિઓનો દેખાવ બોધિસત્વની મૂર્તિઓ સાથે સામ્ય ધરાવે છે. ધીરે ધીરે દસેક મૂર્તિની પોતાની વિશેષતા સ્થિર થવા લાગી અને ત્રણ સૈકા જેટલા સમયમાં મૂર્તિઓનું સ્વરૂપ અને તેમના પરસ્પર ભેદ ખૂબ સરળ રીતે વ્યક્ત થતા ગયા. પરિણામે ગુપ્ત સમયમાં આગળ વધીને હરિહર, ત્રિવિક્રમ, નૃસિંહ, વરાહ-અવતાર, શિવ-લીલા, સૂર્યના પાર્શ્વચર પિંગળ-દંડ, ગંગા, યમુના અને નવ ગ્રહો જેવાં સ્વરૂપોનાં લક્ષણચિહ્નો સુનિશ્ચિત થયાં.

મથુરા-કલામાં બ્રહ્માનું સ્વરૂપ સૌપ્રથમ બુદ્ધની જીવનઘટનામાં જોવા મળે છે. સ્વર્ગમાં પોતાની માતાને ધર્મજ્ઞાન આપી પાછા ફરતા બુદ્ધની એક બાજુ બ્રહ્મા અને બીજા બાજુ ઇન્દ્ર હોય તેવી મૂળ બૌદ્ધ સાહિત્યની કલ્પનાના ર્દશ્યનું આલેખન મથુરામાંથી પ્રાપ્ત થયેલા એક કુશાનકાલીન સ્તૂપ ઉપર જોવા મળે છે. અહીં બ્રહ્માને દાઢીમૂછ બતાવેલી છે; પરંતુ તે એકમુખી છે. જોકે મથુરા-કાલની અન્ય મૂર્તિઓમાં બ્રહ્માની સ્વતંત્ર ચતુર્મુખી મૂર્તિ પણ બનવી શરૂ થઈ હતી.

મથુરાએ ભારતીય શિલ્પનાં લક્ષણો નક્કી કરવામાં ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો હોઈ મથુરાની કલા ભારતીય કલા-પ્રણાલીમાં પથદર્શક બની છે. ભવિષ્યમાં સર્જાનારી ગુપ્ત, પલ્લવ અને ચોળ કલાઓ પર પણ તેનો ઘેરો પ્રભાવ જોઈ શકાય છે.

મથુરાની કલાએ જૈન શિલ્પોનું સર્જન પણ કર્યું છે. હાલમાં તેમાંનાં મોટાભાગનાં શિલ્પ મથુરા અને લખનૌ સંગ્રહાલયોમાં સચવાયાં છે. આ પ્રકારની મૂર્તિઓના સર્જનની પરંપરા અગિયારમી સદી સુધી ચાલતી જોવા મળે છે. આ શિલ્પોનાં ત્રણ શારીરિક ભંગિઓમાં વિભાજિત કરેલાં જૂથ બનાવી શકાય : (1) કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલી મૂર્તિઓ, (2) પદ્માસનમાં બેઠેલી ધ્યાનસ્થ મૂર્તિઓ તથા (3) સર્વતોભદ્ર મૂર્તિઓ અર્થાત્ ચારેય દિશામાં ઊભેલી ચાર મૂર્તિને ભેગી કરીને બનાવેલી મૂર્તિઓ.

મથુરામાંથી હજારોની સંખ્યામાં માટીની બનાવેલી મૂર્તિઓ મળી આવી છે. કેટલાંક તેમને માટીનાં રમકડાં પણ કહે છે. આ મૂર્તિઓ ઈસુ પૂર્વેની ચોથી સદીથી માંડીને બારમી સદી લગી બનતી રહી હોવાનું અનુમાન છે. માટીના શિલ્પની આવી પરંપરા અહિચ્છત્રા, કૌશાંબી, વારાણસી, પાટલિપુત્ર વગેરે સ્થળોએથી પણ મળી આવે છે.

મથુરામાંથી મળતા વેદિકાસ્તંભો ઉપર સ્ત્રીમૂર્તિઓ કંડારેલી જોઈ શકાય છે. તેમાં સ્ત્રીઓની આનંદપ્રમોદની બે પ્રકારની ક્રીડાઓ નજરે પડે છે : એક બાગબગીચામાં વિહરતાં સ્ત્રીપુરુષોની ઉદ્યાનક્રીડા અને બીજી જલાશયમાં વિહાર કરતાં સ્ત્રીપુરુષોની સલિલક્રીડા. મહાકવિ દંડીએ પોતાના ‘કાવ્યાદર્શ’માં મહાકાવ્યનાં લક્ષણોમાં ઉદ્યાનક્રીડા અને સલિલક્રીડાનું વર્ણન જરૂરી જણાવ્યું છે. આ રીતે સાહિત્યને સમાંતર શિલ્પકલામાં આ ચીલો જોઈ શકાય. અશ્વઘોષ, કાલિદાસ, માઘ, ભારવિ વગેરેએ પણ પોતાનાં કાવ્યોમાં ઉપર્યુક્ત ક્રીડાઓનાં વર્ણન કર્યાં છે.

મથુરાનાં શિલ્પોમાં આ ઉપરાંત શાલભંજિકાઓ જોવા મળે છે. શાલભંજિકા એ સ્તંભને આધાર આપતી સ્ત્રીની મૂર્તિ છે. તે ઘણી વાર હાથથી ઝાડની ઉપરની ડાળી ઝુકાવી ફૂલ ચૂંટતી જોવા મળે છે. તેમની ભાવભંગિ ખૂબ આકર્ષક હોય છે. લખનૌ સંગ્રહાલયમાં ઘાઘરો પહેરેલી માથે ગાગરવાળી ગોપી જેવી સ્ત્રીની પ્રતિમા છે.

આમ મથુરાની શિલ્પ-શૈલીએ ભારતીય શિલ્પકલાના ઇતિહાસમાં પોતાની આગવી ચિરકાલીન મુદ્રા ઉપસાવી છે. મથુરામાંથી આયાગપટ્ટો પણ મોટી સંખ્યામાં મળી આવ્યાં છે.

પ્રિયબાળાબહેન શાહ

અમિતાભ મડિયા