મતંગ : ભારતીય સંગીતના અગ્રણી શાસ્ત્રકાર અને કિન્નરી વીણાવાદ્યના સર્જક. તેમનો સમયગાળો વિવાદાસ્પદ છે. કિંવદંતી મુજબ તેમનો જીવનકાળ છઠ્ઠી શતાબ્દી ગણાય છે; પરંતુ પ્રો. રામકૃષ્ણ કવિ નામના વિદ્વાનના મતે તેમનો જીવનકાળ નવમી સદીનો મધ્યભાગ છે. તેમના ગ્રંથનું નામ ‘બૃહદ્દેશીય’ છે, જેના આઠ અધ્યાયોમાં શાસ્ત્રીય સંગીતનાં વિવિધ પાસાંઓની છણાવટ કરવામાં આવી છે. તેમાં તાલ અને વાદ્ય પર પણ ચર્ચા કરવામાં આવી છે. મતંગે સાત સ્વરોના ક્રમસર આરોહઅવરોહના રાગપ્રતિપાદક થાટનો સ્વીકાર તો કર્યો છે જ, પરંતુ કોઈ પણ રાગની પૂર્ણ સિદ્ધિ માટે દ્વાદશ સ્વર સુધી સપ્ત સ્વરનો વિસ્તાર કરવા પર ભાર મૂક્યો છે; જેમાં સાત સ્વર એક સપ્તકમાં અને બાકીના પાંચ સ્વર બીજા સપ્તકમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ ત્યારપછીના અભિનવગુપ્ત જેવા વિદ્વાનોએ મતંગના દ્વાદશ સ્વર મૂર્ચ્છનાવાદનું ખંડન કર્યું હોવાથી પછીના આચાર્યોએ તે બાબતની ઉપેક્ષા કરી છે.
પ્રો. રામકૃષ્ણ કવિના મત મુજબ કિન્નરી વીણાનો આવિષ્કાર મતંગે કર્યો હતો. મતંગના સમય પૂર્વેના વીણાવાદ્ય પર સારિકાઓ (પડદા) રાખવામાં આવતી ન હતી, જે મતંગે દાખલ કરી હતી. તેઓ પોતે જે વીણા વગાડતા હતા તેના પર ચૌદ અથવા અઢાર પડદા મૂકવામાં આવતા હતા. ઉપરાંત જે કિન્નરી વીણાનો તેમણે આવિષ્કાર કર્યો હતો તેના પર ત્રણ તાર ચઢાવવામાં આવતા હતા, જેમાંથી એક બાજનો તાર અને બાકીના છેલ્લા બે એટલે કે છઠ્ઠા અને સાતમા તાર રહેતા.
મતંગે તેમના ગ્રંથમાં તેમની પૂર્વેના આચાર્યોની વિસ્તૃત ચર્ચા કરી છે. તેમાં કશ્યપ, નંદી, કોહલ, દત્તિલ, દુર્વિશક્તિ, યાષ્ટિક, વલ્લભ, વિશ્વાવસુ, શાર્દૂલ, વિસાખિલ વગેરેનો સમાવેશ થાય છે. આ બધાએ સપ્તસ્વરની મૂર્ચ્છનાની વિભાવના સ્વીકારી હતી; પણ તેના સ્થાને મતંગે બાર સ્વરની મૂર્ચ્છનાની રજૂઆત કરી હતી. આધુનિક સમયમાં જે જે તંતુવાદ્યો પ્રચલિત છે તે બધાં જ મતંગના કિન્નરી વાદ્યનાં વિકસિત સ્વરૂપો છે અને તે બધાં પર પડદા હોય છે. આ રીતે જોતાં ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમનું સ્થાન અનન્ય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે