મંજુકેશાનંદ સ્વામી

January, 2002

મંજુકેશાનંદ સ્વામી (જ. અઢારમી સદીનો ઉત્તરાર્ધ, માણાવદર; અ. 1863) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓ પૈકીના એક. આ સંતકવિના જન્મસમય અને પૂર્વાશ્રમના નામ વિશે કોઈ જ વિગત પ્રાપ્ત થતી નથી. પિતા વાલાભાઈ, માતા જેતબાઈ.

મંજુકેશાનંદ

તેઓ સદગુરુ સ્વયંપ્રકાશાનંદ સ્વામીના યોગમાં આવ્યા અને તેમની સાથે ગઢપુર પહોંચ્યા. ભગવાન સ્વામિનારાયણે તેમને મહાદીક્ષા આપી ‘મંજુકેશાનંદ’ નામ આપ્યું. નિત્યાનંદ સ્વામી પાસે અધ્યયન કરવાની આજ્ઞા કરી. તેઓ હિન્દી, મરાઠી તેમજ સંસ્કૃત ભાષામાં તથા કાવ્યશાસ્ત્રમાં નિપુણ થયા. તેમના હૃદયમાં જલતો કાવ્યદીપ અજવાળાં પાથરવા માંડ્યો. તેમની કાવ્યસરવાણીએ સૌને દંગ કરી દીધા. તેમની વક્તૃત્વશક્તિ અદભુત હતી. તેમને સાંભળવા માટે લોકો દોડી દોડીને ઊમટતા. ગુજરાત બહાર મહારાષ્ટ્રમાં પૂર્વખાનદેશમાં પણ તેમણે સત્સંગનો પ્રચાર કર્યો હતો.

‘મંજુકેશાનંદકાવ્ય’ પુસ્તકમાં તેમના પાંચ ગ્રંથો, કીર્તનો અને સ્તોત્રોનો સંગ્રહ પ્રકાશિત છે. 1. ‘ધર્મપ્રકાશ’માં ધર્મવંશનું અધર્મવંશની સાથેનું યુદ્ધ 11 વિશ્રામમાં વર્ણવ્યું છે. 2. ‘નંદમાલા’માં ભગવાન સ્વામિનારાયણના 520 સંતોનાં નામોનો મોતીદામ છંદ તેમજ દોહા-ચોપાઈમાં સંગ્રહ કર્યો છે. કાર્ય, ગુણ અને સ્વભાવની દૃષ્ટિએ નામોનું વર્ગીકરણ કર્યું છે. 3. ‘ઐશ્વર્યપ્રકાશ’માં 27 અધ્યાય છે, 108 ઐશ્વર્ય છે. હિન્દી ભાષામાં રચાયેલા આ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણે વિવિધ ઐશ્વર્યો બતાવી સ્વભક્તોને ભવબન્ધનથી જે પ્રમાણે મુક્ત કર્યા હતા તેનું વર્ણન કરવામાં આવ્યું છે. 4. ‘હરિગીતાભાષા’ ‘સત્સંગીજીવનગ્રંથ’માં રહેલી હરિગીતાનો અનુવાદ છે. 5. ‘એકાદશીમાહાત્મ્ય’માં 84 કડવાં છે, અને વિવિધ રાગનાં 19 પદ છે.

તેમનાં પદોમાં કટાક્ષમિશ્રિત વાણીમાં વૈરાગ્યબોધ છે. તેમને દંભી ગુરુઓ પ્રત્યે ખાસ અણગમો છે. સંસારની અસારતા બતાવી વૈરાગ્યનો ઉપદેશ આપતી તેમની વાણી જોમવાળી પણ સાદી છે. તેઓ પોતાની વાત દૃષ્ટાંતો દ્વારા સચોટતાથી પ્રગટ કરે છે. દુખિયાને દુ:ખવેળા ધૈર્ય પ્રેરવાનું સામર્થ્ય તેમનાં પદોમાં હોવાનું વરતાયું છે.

સાધુ રસિકવિહારીદાસ