ભૌતિક સંકેન્દ્રણ

January, 2001

ભૌતિક સંકેન્દ્રણ (placers) : ભૌતિક ક્રિયાઓ દ્વારા એકઠા થયેલા ખનિજકણજથ્થા. ભૌતિક સંકેન્દ્રણ એ કીમતી રેતીકણો કે ગ્રૅવલથી બનેલો એવા પ્રકારનો સંકેન્દ્રિત નિક્ષેપ છે, જેને માટે માત્ર ભૌતિક પરિબળો જવાબદાર હોય છે. આ પ્રકારનો પર્યાપ્ત જથ્થો મળી રહે તો તેનું ખનનકાર્ય ફાયદાકારક નીવડે છે. ભૌતિક સંકેન્દ્રણો એ સુવર્ણ, પ્લૅટિનમ, હીરા, કલાઈ વગેરે જેવા અગત્યના ધાત્વિક કે અધાત્વિક નિક્ષેપોથી બનેલાં હોય છે.

ઉત્પત્તિસ્થિતિ : ખડકખવાણ (weathering) એ ભૂપૃષ્ઠ પર ચાલતી રહેતી, ગમે ત્યાં જોઈ શકાતી, જાણીતી પ્રક્રિયા છે. સપાટી પર વિવૃત બનેલા ખડકોનું કે નિક્ષેપોનું સતત ખવાણ થયા કરતું હોય છે. ભૌતિક વિભંજન અને રાસાયણિક વિઘટન દ્વારા ખવાણજન્ય ચૂર્ણજથ્થો તૈયાર થતો જતો હોય છે. આ દ્રવ્યજથ્થામાં કેટલાક ઘટકો ભારે તો કેટલાક હલકા, કેટલાક ટકાઉ, ર્દઢ તો કેટલાક બરડ, ચૂર્ણશીલ હોય છે. જે ખનિજો અસ્થાયી હોય, તે હવા અને પાણીનો પ્રતિકાર કરી શકતાં નથી, તેમાં ફેરફાર થતો રહે છે અને હવામાં ફૂંકાઈને કે પાણીમાં ઓગળીને વહી જાય છે. ખડકમુક્ત સ્થાયી, ટકાઉ અને ર્દઢ ખનિજ-ઘટકો તમામ કક્ષાએ પ્રતિકાર કરતા જઈ, ભૂપૃષ્ઠ પરનાં અનુકૂળ સ્થાનોમાં ભૌતિક રીતે સંકેન્દ્રિત થતા જઈ વિપુલ પ્રમાણવાળાં ભૌતિક સંકેન્દ્રણો રચે છે.

કક્ષાઓ : યોગ્ય ભૌતિક સંકેન્દ્રણ રચાવા માટે બે કક્ષાઓ જરૂરી બની રહે છે : (1) પૃથ્વીની સપાટી પર ખુલ્લા રહેલા ખડકો કે નિક્ષેપજથ્થાઓનું વિભંજન અને વિઘટન થાય, પરિણામે ચૂર્ણજથ્થો તૈયાર થાય. (2) ચૂર્ણજથ્થાનું વહન હવા કે જળ દ્વારા થવું જોઈએ, પરિણામે સ્થાયી, ટકાઉ, ર્દઢ અને ભારે ઘટકો એકત્રિત થતા જઈ તેમનું આર્થિક રીતે યોગ્ય પ્રમાણ સંકેન્દ્રિત થઈ રહે.

સંકેન્દ્રણયોગ્ય ગુણધર્મો : ભૌતિક સંકેન્દ્રણ થવા માટે ખનિજ-ઘટકો નીચે મુજબના ગુણધર્મો ધરાવતા હોવા જોઈએ : (1) ઊંચી વિશિષ્ટ ઘનતા, (2) ખવાણ સામે રાસાયણિક પ્રતિકારક્ષમતા, (3) ટકાઉપણું (કઠિનતા અને ર્દઢતા). આ ત્રણે ગુણધર્મ ધરાવતાં સંકેન્દ્રણયોગ્ય ખનિજોમાં સુવર્ણ, પ્લૅટિનમ, હીરા, માણેક અને અન્ય કીમતી રત્નો, કેસિટરાઇટ, રૂટાઇલ, ઝર્કૉન, ઇલ્મેનાઇટ, ક્રોમાઇટ, મૅગ્નેટાઇટ, મૉનેઝાઇટ, પ્રાકૃત તાંબું, ફૉસ્ફેટ વગેરેનો સમાવેશ કરી શકાય.

ઉદભવસ્રોત : સંકેન્દ્રણયોગ્ય ખનિજ-ઘટકો નીચેના સ્રોતોમાંથી મળી રહે છે : (1) આર્થિક ખનિજશિરાઓ (commercial lodes), જેવી કે સુવર્ણધાતુખનિજ-શિરાઓ; દા.ત., કૅલિફૉર્નિયાની ‘મધર લોડ’ સુવર્ણશિરાઓ. (2) બિનઆર્થિક ખનિજશિરાઓ (non-commercial lodes), જેવી કે સુવર્ણની અને કેસિટરાઇટની ધાતુખનિજ-શિરાઓ; દા.ત., બંકા(ઇન્ડોનેશિયા)ની કલાઈ-શિરાઓનાં બનેલાં સંકેન્દ્રણો, (3) ખડકોમાં રહેલાં છૂટાંછવાયાં ધાતુખનિજો (disseminated ores), જેવાં કે પ્લૅટિનમ કે હીરાના કણો, દા.ત., યુરલ પર્વતોના કેટલાક ખડકોમાં રહેલા પ્લૅટિનમ-ખનિજના સૂક્ષ્મકણો. (4) ખડકનિર્માણખનિજો (rock forming minerals); જેવા કે, દ્વીપકલ્પીય ભારતના જટિલ ખડકોમાં રહેલાં ખનિજો, દા.ત., કેરળ કંઠારનાં ઇલ્મેનાઇટ, મૉનેઝાઇટ, મૅગ્નેટાઇટ વગેરે સંકેન્દ્રણો. (5) અવશિષ્ટ ભૌતિક સંકેન્દ્રણો (former beach placers) : જૂનાં ભૌતિક સંકેન્દ્રણોના ખનનકાર્ય બાદ રહી ગયેલા ભાગો; દા.ત., કૅલિફૉર્નિયામાં તૈયાર થયેલાં અર્વાચીન સુવર્ણ-સંકેન્દ્રણો. ઉપર્યુક્ત પાંચ ઉદભવસ્રોતોમાંથી છૂટો પડતો જતો ચૂર્ણ(કણ)-જથ્થો જરૂરી કક્ષાઓમાંથી પસાર થઈને યોગ્ય ગુણધર્મો ધરાવતા ખનિજઘટકો અનુકૂળ સ્થાનોમાં એકત્રિત થતા રહીને આર્થિક ક્ષમતા ધરાવતાં સંકેન્દ્રણો રચી શકે છે.

ભૌતિક સંકેન્દ્રણપ્રકારો : ભૌતિક ક્રિયાઓને કારણે રચાતા વિવિધ સંકેન્દ્રણ-પ્રકારો નીચે મુજબ છે :

1. સ્રોતજન્ય (કાંપજન્ય) ભૌતિક સંકેન્દ્રણો (stream or alluvial placers) : ભૌતિક રીતે સંકેન્દ્રિત નિક્ષેપો પૈકીનો આ ઘણો અગત્યનો પ્રકાર ગણાય છે. દુનિયાભરમાં વિવિધ સ્થાનોમાં મળતા આ પ્રકારના નિક્ષેપોએ સુવર્ણ, પ્લૅટિનમ, હીરા, કેસિટરાઇટ વગેરે જેવા કણોનો વિપુલ જથ્થો પૂરો પાડેલો છે. જ્યાં જ્યાં આવા સુવર્ણ કે હીરાના સંકેન્દ્રિત જથ્થા જ્યારે પણ પ્રથમ વાર શોધાયા ત્યારે તે મેળવવા સુવર્ણ-ધસારા (gold rush) અને હીરા-ધસારા (diamond rush) થયા હોવાની ઇતિહાસ-નોંધ છે; દા.ત., 1849માં તેમજ 1897માં અનુક્રમે કૅલિફૉર્નિયામાં અને અલાસ્કામાં થયેલા સુવર્ણ-પ્રાપ્તિધસારા ખૂબ જ જાણીતાં બનેલાં ઉદાહરણો છે.

ઉત્પત્તિસ્થિતિ : નદીતળ પર રહેલા લઘુગોળાશ્મ-ગુરુગોળાશ્મ-ઉપલોના અવરોધથી વહેતાં નદીજળમાં વમળક્રિયા (swirling action) થાય છે; જળઘૂમરીઓ ઉદભવે છે. પરિણામે વહન પામતા કણજથ્થામાંથી ભારે અને હલકા ઘટકોનું અલગીકરણ થતું રહે છે. હલકા કણો ક્રમે ક્રમે આગળ ને આગળ ધપતા રહે છે, ભારે કણો પાછળ પડતા જાય છે; આથી ક્રમિક સંકેન્દ્રણ થતું જાય છે. આ પ્રકારની એકધારી લાંબા ગાળાની જળક્રિયાથી વર્ષોવર્ષ સંકેન્દ્રણનો વિપુલ જથ્થો રચાવાની પૂરી શક્યતા રહે છે.

નદીની યુવાવસ્થાના પટવિસ્તારો આ પ્રકારનાં સંકેન્દ્રણો રચવા માટેનાં ઘણાં જ અનુકૂળ સ્થાનો ગણાય છે. નદીપથનો યોગ્ય ઢોળાવ આ માટે અગત્યનું પરિબળ બની રહે છે. વળી ઘસારા, વહનક્રિયા અને જમાવટ વચ્ચે પણ માફકસરનું સમતુલન હોવું જરૂરી બની જાય છે. પ્રાપ્ત સંકેન્દ્રણોના અભ્યાસ પરથી એવું જણાયું છે કે નદીપથનો ઢોળાવ પ્રતિ કિલોમીટરે આશરે 5થી 7 મીટરનો હોય તો તે સંકેન્દ્રણ-યોગ્ય બની રહે છે.

સ્રોતજન્ય સંકેન્દ્રણો નીચે પ્રમાણેની વિશિષ્ટ પરિસ્થિતિ હેઠળ બને છે : (1) નદીનું સર્પાકાર વહન (meandering stream) : સર્પાકાર વહન પરિસ્થિતિવાળા નદીપટમાં વળાંકોની બાહ્ય કિનારી તરફ પાણીની ગતિ વધુ અને અંદરની કિનારી તરફ તે ઓછી રહેતી હોય છે. બાહ્ય ભાગો વધુ ખોતરાતા જાય છે, જ્યારે અંદરની કિનારી પર સંકેન્દ્રણ થતું રહે છે (આકૃતિ 1). (2) કઠિન અને મૃદુ સ્તરોની વારાફરતી ગોઠવણી (alternating hard and soft beds) : નદીપથમાં જ્યાં વારાફરતી કઠિન અને મૃદુ ખડકસ્તરો ગોઠવાયેલા હોય, ઢોળાવ માફકસરનો હોય, ત્યાં કઠિન સ્તરો ઓછા ઘસારાને કારણે અવરોધરૂપે ઊપસેલા બની રહે છે અને મૃદુસ્તરો ઘસાઈને છીછરા ખાડા રચે છે. વારાફરતી મળી રહેતા આવા ખાડાઓ કણસંકેન્દ્રણ માટે અનૂકળ સ્થાનો બની રહે છે. (આકૃતિ 2). (3) નદીસંગમ (confluence) : મુખ્ય નદીને મળતી શાખાનદી જ્યાં સંગમસ્થાન બનાવે ત્યાં બંને નદીઓના જળપ્રવાહ ભેગા થતાં જળઅથડામણ થાય છે ત્યાં જલઘૂમરીઓ ઉદભવે છે, પ્રવાહગતિમાં ફેરફાર થાય છે, ભેગા થતા બે પ્રવાહોના ઉપલા તટભાગમાં ભારે કણોનું સંકેન્દ્રણ થતું રહે છે (આકૃતિ 3). (4) નદીપટમાં અનુપ્રસ્થ શિરા (stream traversed by a lode) : નદીપટમાં મળતી અનુપ્રસ્થ ધાતુખનિજ-શિરા જો ભારે ખનિજોથી સમૃદ્ધ હોય તો તે ઘસારાજન્ય કણો છૂટા પાડીને નીચે તરફના વિભાગમાં અનુકૂળ સ્થાને જમાવટ કરે છે. યોગ્ય સંકેન્દ્રણથી ઠીકઠીક પ્રમાણવાળો જથ્થો રચાવાની શક્યતા રહે છે (આકૃતિ 4),

આકૃતિ 1 : નદીના સર્પાકાર વહનમાં ભૌતિક સંકેન્દ્રણ દર્શાવતાં સ્થાનો

આકૃતિ

આકૃતિ

આકૃતિ 2, 3, 4 : A વારાફરતી ગોઠવાયેલા સખત (ક્વાર્ટ્ઝાઇટ અને મૃદુસ્લેટ) સ્તરોવાળું, આછા ઢોળાવવાળું સ્થળર્દશ્ય અવરોધસ્થળ પર સંકેન્દ્રણોની જમાવટ,
B નદીઓના સંગમસ્થાનથી નીચે તરફ સંકેન્દ્રણનું યોગ્ય સ્થાન, C ધાતુ-ખનિજ શિરાથી નીચેના નદી પટમાં સંકેન્દ્રણનું સ્થાન.

સ્રોતજન્ય સંકેન્દ્રણો દ્વારા સુવર્ણ, પ્લૅટિનમ, હીરા કે કીમતી રત્નો-ઉપરત્નો કણોરૂપે જમા થયેલાં મળી આવે છે. દુનિયામાં જ્યાં જ્યાં તે મળે ત્યાં તેનું ખનન થાય છે. કૅલિફૉર્નિયા, અલાસ્કા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, સાઇબીરિયા, બ્રિટિશ કોલંબિયા, પેરુ, બોલિવિયા, મધ્ય આફ્રિકા, ન્યૂગિની અને ચિલી સ્રોતજન્ય સંકેન્દ્રણો માટેનાં અગત્યનાં સ્થળો છે.

2. સમુદ્રતટીય ભૌતિક સંકેન્દ્રણો (beach placers) : આ પ્રકારનાં સંકેન્દ્રણો સમુદ્રકંઠારના તટપ્રદેશો પર તૈયાર થાય છે. સમુદ્રતટીય સંકેન્દ્રણો કિનારાના પ્રવાહો તેમજ મોજાંની ક્રિયાને કારણે રચાતાં હોય છે. કિનારાના પ્રવાહો નીચે રહેલા કણોને કિનારા તરફ ખેસવે છે. આ ક્રિયામાં હલકા કણો ભારે કણો કરતાં ઝડપી દરથી દૂર ધકેલાઈ જાય છે. મોજાંના ધસારાથી બધા જ કણો તટપ્રદેશ પર ફેંકાય છે, પરંતુ પાછાં પડતાં મોજાંનું પાણી ઝીણા, હલકા કણોને ફરીથી અંદર તરફ ખેંચી જાય છે. પ્રવાહ અને મોજાંની ક્રિયા સતત ચાલુ રહેતી હોવાથી તટપ્રદેશ પર ભારે કણોનું સંકેન્દ્રણ થતું જાય છે. લાંબા સમયગાળે તટપ્રદેશનો વિભાગ સમૃદ્ધ સંકેન્દ્રણવાળો બની રહે છે. સ્થાનભેદે અને સંજોગભેદે જોવા મળતાં સમુદ્રતટીય સંકેન્દ્રણોમાં સુવર્ણ, હીરા, રૂટાઇલ, ઝર્કૉન, ઇલ્મેનાઇટ, મૉનેઝાઇટ, મૅગ્નેટાઇટ, ક્રોમાઇટ, ગાર્નેટ અને ક્વાર્ટ્ઝ કણોનો સમાવેશ થાય છે.

ભારતનો દ્વીપકલ્પીય કંઠારપ્રદેશ સમુદ્રતટીય સંકેન્દ્રણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. વિશેષ કરીને કેરળનો દરિયાકાંઠો ઇલ્મેનાઇટ, મૉનેઝાઇટ, રૂટાઇલ અને ગાર્નેટ કણોથી અત્યંત સમૃદ્ધ બની રહેલો છે. આ બધાં ખનિજઘટકોનું ભિન્ન ભિન્ન પ્રમાણ આમ તો છેક રત્નાગિરિના તટથી વિશાખાપટ્ટણમના તટપ્રદેશ સુધી મળી રહે છે.

આ જ પ્રકારના પરંતુ પ્રમાણમાં થોડાક ઓછા મૂલ્યવાન રેતીકણો બ્રાઝિલ, ફ્લૉરિડા, ઉત્તર કૅરોલાઇના, શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડના કંઠારપ્રદેશો પર પણ મળે છે. મૅગ્નેટાઇટના કણોથી બનેલી રેતીનો ઠીક ઠીક પ્રમાણવાળો જથ્થો ઑરેગૉન, કૅલિફૉર્નિયા, બ્રાઝિલ, જાપાન અને ન્યૂઝીલૅન્ડને કિનારે રહેલો છે. હીરાધારક ગ્રૅવલ-નિક્ષેપોનો નોંધપાત્ર જથ્થો દક્ષિણ આફ્રિકા ખંડના પશ્ચિમ કિનારે નમાક્વાલૅન્ડના કંઠાર પ્રદેશ પર તૈયાર થયેલો છે. એ જ રીતે દક્ષિણ આફિકાના પશ્ચિમ કિનારાની લગોલગ ઑરેન્જ નદીથી દક્ષિણે કંઠારથી 5 કિમી. અંદર રણભૂમિના પ્રદેશ પર 320 કિમી.ની લંબાઈમાં 7 મીટરથી 70 મીટર ઊંચાઈએ મોજાંના મારાથી કપાતાં જઈને તૈયાર થયેલાં સીડીદાર સોપાનો પર દરિયાઈ ગ્રૅવલમાં ઘણી સારી ગુણવત્તાવાળા હીરા મળી રહે છે.

ભારતનાં સમુદ્રતટીય સંકેન્દ્રણો : (1) ઇલ્મેનાઇટ અને રૂટાઇલ : આ બંને ટાઇટેનિયમનાં મુખ્ય ખનિજો છે. મૅગ્નેટાઇટ સહિત ઇલ્મેનાઇટના વિપુલ નિક્ષેપો મૅગ્માજન્ય સંકેન્દ્રણરૂપે ભારતમાં ઓરિસા, મયૂરભંજ-પટ્ટામાં (તેમજ યુ.એસ.ના ન્યૂયૉર્ક ઍડિરૉનડૅકમાં લેક સૅનફર્ડ-વિસ્તારમાં અને ફિનલૅન્ડમાં ઓટાનમાકીમાં) રહેલા છે. ટાઇટેનિયમના ખનિજની આ ઉત્પત્તિ અગ્નિકૃત ખડકસહજાત પ્રકારની છે. ભૌતિક સંકેન્દ્રણોની ઉત્પત્તિ ખડકપશ્ચાત્ કણજન્ય પ્રકારની હોય છે. ઇલ્મેનાઇટ અને રૂટાઇલના ઘણા અગત્યના નિક્ષેપો જે કણજન્ય સંકેન્દ્રણ-ઉત્પત્તિ પ્રકારના છે તે કેરળના દરિયાકાંઠે વિપુલ પ્રમાણમાં મળી રહે છે. તે તટપ્રદેશીય સંકેન્દ્રણરૂપે રહેલા છે. આ જ પ્રકારનાં લગભગ સમકક્ષ સંકેન્દ્રણો ભારતના દરિયાકાંઠે અન્યત્ર તેમજ ઑસ્ટ્રેલિયા અને પશ્ચિમ આફ્રિકાના સમુદ્રતટ પર પણ મળે છે.

કેરળ : દ્વીપકલ્પના નૈર્ઋત્ય દરિયાકાંઠે કેરળના ક્વિલોનથી તામિલનાડુના કન્યાકુમારી સુધીના તટપ્રદેશ પર ઇલ્મેનાઇટ રેતીકણોથી સમૃદ્ધ બનેલો, દુનિયાભરમાં પ્રથમ કક્ષાએ મૂકી શકાય એવો વિશાળ જથ્થો આશરે 160 કિમી.ની લંબાઈમાં પથરાયેલો છે. ઇલ્મેનાઇટની દુનિયાભરની માંગ પણ અહીંથી પૂરી પાડવામાં આવે છે. રેતીકણોથી બનેલા આ જથ્થામાં 50%થી 70% ઇલ્મેનાઇટના કણો છે, જ્યારે બાકીના કણો મૉનેઝાઇટ, રૂટાઇલ, ગાર્નેટ, ઝકૉર્ન વગેરે ખનિજોથી બનેલા છે. આ સામૂહિક કણજથ્થામાંથી ઇલ્મેનાઇટને ચુંબકીય પદ્ધતિથી અલગ પાડવામાં આવે છે. ઇલ્મેનાઇટ, રૂટાઇલ વગેરેનો સીધો અને પ્રત્યક્ષ દેખાતો સ્રોત આ તટપ્રદેશીય સંકેન્દ્રણ હોવા છતાં તેનો પરોક્ષ ઉત્પત્તિસ્રોત કિનારાથી અંદર રહેલા પીઠપ્રદેશના અગ્નિકૃત ખડકોમાં રહેલો છે. પીઠપ્રદેશમાંથી કિનારા તરફ વહી આવતી નદીઓ તળખડકોનું ધોવાણ કરતી જાય છે. ઘસારાજન્ય શિલાચૂર્ણ જે અહીં ઠલવાય છે, તેમાંથી મોજાંની નિરંતર ક્રિયાને કારણે અલગીકરણ પામી સંકેન્દ્રિત થાય છે. આખુંય કેરળ રાજ્ય અરબી સમુદ્રમાં મળતાં અનેક નાનાંમોટાં નદીનાળાં અને ઝરણાંઓના જળપરિવાહથી ગૂંથાયેલું છે. જુદા જુદા ખનિજકણોની તે વહનક્રિયા કરે છે. કંઠાર રેતીપટમાં જોવા મળતા ખનિજકણો પીઠ-પ્રદેશમાં રહેલા વિકૃતિજન્ય અગ્નિકૃત ખડકો–ગાર્નેટયુક્ત ગ્રૅનાઇટ અને નાઇસ, ડાયોરાઇટ, ગૅબ્રો વગેરે–નો નિર્દેશ કરી જાય છે; એટલે વાસ્તવમાં આ ખડકો જ ઇલ્મેનાઇટ, રૂટાઇલ ખનિજકણોના માતૃખડકો છે – મૂળ ઉદભવસ્રોત છે.

ઇલ્મેનાઇટ–રૂટાઇલનાં અન્ય તટપ્રદેશીય પ્રાપ્તિસ્થાનો મહારાષ્ટ્રનો રત્નાગિરિ કિનારો, કર્ણાટકનો મલબાર કિનારો, તામિલનાડુનો કિનારો તથા આંધ્રનો વિશાખાપટ્ટણમ્ કિનારો છે.

ઇલ્મેનાઇટ ઉત્પાદનમાં ભારત દુનિયાભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. યુ.એસ., બ્રાઝિલ, કૅનેડા, નૉર્વે, ફિનલૅન્ડ, દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, મલેશિયા અન્ય ઉત્પાદક દેશો છે. ભારત રૂટાઇલનું ઉત્પાદન કરતું હોવા છતાં ઑસ્ટ્રેલિયાનું સ્થાન તેમાં મોખરે છે.

(2) મૉનેઝાઇટ : મૉનેઝાઇટ મુખ્યત્વે તો સીરિયમ તથા અન્ય ધાતુઓનો ફૉસ્ફેટ છે, પરંતુ તેમાં રહેલી ThO2 અને U3O8ની અમુક માત્રાને કારણે તે મહત્ત્વનું બની રહે છે અને તેથી જ તે થૉરિયમ–સીરિયમ માટે મેળવાય છે. દુનિયાભરની માંગને પૂરી પાડવા તટપ્રદેશીય સંકેન્દ્રણોનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્યત્વે તે ભારત, શ્રીલંકા, બ્રાઝિલ, ફ્લૉરિડા અને ઑસ્ટ્રેલિયામાંથી મેળવાય છે. મૉનેઝાઇટની ભારત-ઉપલબ્ધ વિપુલ સંપત્તિ કાંપજન્ય અને તટપ્રદેશીય સંકેન્દ્રણ પ્રકારની છે. તટપ્રદેશીય સંકેન્દ્રણો માટે કિનારાના પ્રવાહો અને સમુદ્ર- મોજાંની ક્રિયા જવાબદાર ગણાય છે. તેનો મૂળ પ્રાપ્તિસ્રોત ઇલ્મેનાઇટની જેમ જ નદી-પરિબળ દ્વારા ધોવાતો જતો દ્વીપકલ્પીય ખડકોનો અંતરિયાળ પીઠપ્રદેશ છે. આ ખડકોની મૂળ ઉત્પત્તિ ઉષ્ણબાષ્પીય પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે. પીઠપ્રદેશીય ચાર્નોકાઇટ ખડકોના ઘનીભવનના અંતિમ ચરણ વખતે તેમાં અંતર્ભેદન પામેલી પૅગ્મેટાઇટ શિરાઓમાં મૉનેઝાઇટ પ્રિઝ્મૅટિક સ્ફટિકો રૂપે તૈયાર થયેલું છે. આ ખડકોનું ધોવાણ થતાં મૉનેઝાઇટના કણો સ્થાનાંતરિત થતા જઈને તટપ્રદેશ સુધી પહોંચે છે. મલબાર અને કોરોમંડલ કિનારાની લાંબી ભૂમિપટ્ટી પર તે સંકેન્દ્રિત થયેલું મળે છે. ઇલ્મેનાઇટ, રૂટાઇલ, મૅગ્નેટાઇટ, ગાર્નેટ, ઝર્કૉન વગેરે સાથે મૉનેઝાઇટ સંકળાયેલી સ્થિતિમાં રહેલું છે.

મૉનેઝાઇટમાં ThO2નું પ્રમાણ સ્થાનભેદે 8થી 10.5 % જેટલું અને U3O8નું પ્રમાણ 0.3 % જેટલું છે. મૉનેઝાઇટના રેતીકણો કિરણોત્સારી છે અને આણ્વિક ઊર્જા-ઉત્પાદન હેતુ માટે મહત્વના છે. ભારતીય મૉનેઝાઇટની કુલ સંપત્તિનો અંદાજ અનેક લાખ ટનમાં મુકાયેલો છે. સમકક્ષ મૉનેઝાઇટ રેતી બ્રાઝિલમાંથી પણ મળે છે. ત્યાં ThO2 માત્રાનું પ્રમાણ 6 % છે.

ઝર્કૉન : ભારતીય દ્વીપકલ્પીય કિનારાપટ્ટી પર ઇલ્મેનાઇટ–રૂટાઇલ–મૉનેઝાઇટ ઉપરાંત ઝર્કૉન રેતીકણોનું ઠીકઠીક પ્રમાણ (5 %થી 10 %) પણ મળે છે. આ ખનિજ ગ્રૅનાઇટ, સાઇનાઇટ કે ગૅબ્રો જેવા અગ્નિકૃત ખડકોમાં ગૌણ ઘટક તરીકે મળતું હોવાથી વ્યાપારી ધોરણે ઉત્પાદનયોગ્ય બની શકતું નથી. આર્થિક ઉપયોગયોગ્ય જથ્થા તટપ્રદેશીય સંકેન્દ્રણો સાથે સંકળાયેલા છે; જે ઇલ્મેનાઇટ, રૂટાઇલ, મૉનેઝાઇટ, ગાર્નેટ, મૅગ્નેટાઇટ, ક્વાર્ટ્ઝ સાથે મળી રહે છે. ભારત ઉપરાંત તે યુ.એસ., દક્ષિણ આફ્રિકા, પશ્ચિમ આફ્રિકા, બ્રાઝિલ, શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા તેમજ મલેશિયામાંથી પણ મળે છે. રૂટાઇલની જેમ જ ઝર્કૉન માટે પણ ઑસ્ટ્રેલિયા ઉત્પાદનક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે.

3. ગુરુત્વસંકેન્દ્રણો (gravity placers) : ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ટેકરીઓના ઢોળાવો મારફતે તળેટીમાં કે નજીકનાં અનુકૂળ સ્થાનોમાં જમા થતાં સંકેન્દ્રણોનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. તેમનો ઉત્પત્તિસ્થિતિ-પ્રકાર સ્રોતજન્ય અને તટપ્રદેશીય સંકેન્દ્રણના વચગાળાનો ગણાય છે. ટેકરીઓમાં અંતર્ભેદિત થયેલી ધાતુખનિજશિરાઓ અન્ય ખડકોની સાથે ખવાણ પામતાં તૂટે છે. તૂટેલા કણો ગુરુત્વાકર્ષણની અસર નીચે સ્થાનાંતરિત થતા જઈ તળેટી વિભાગોમાં જમા થાય છે અને સંકેન્દ્રણો રચે છે. સૂક્ષ્મ કણો પવનને કારણે ફૂંકાઈ જતા હોય છે અને ભારે કણો ત્યાં જ રહી જાય છે. સુવર્ણ અને કલાઈનાં સંકેન્દ્રણો આ પ્રકારનાં ઉદાહરણો તરીકે લઈ શકાય. ટંગ્સ્ટન, કાયનાઇટ, બેરાઇટ અને ક્વચિત્ રત્નો-ઉપરત્નો પણ ગૌણ નિક્ષેપો રચી શકે છે. કેસિટરાઇટથી રચાયેલાં આ પ્રકારનાં સંકેન્દ્રણો મલેશિયા, થાઇલૅન્ડ તથા કોંગોમાંથી વિપુલ પ્રમાણમાં મળે છે. આ સ્થાનોમાં મુખ્યત્વે તે ગ્રૅનાઇટ-ઘુંમટોમાં કલાઈ-શિરાઓના ખવાણના પરિણામે બનેલા છે.

આકૃતિ 5 : ટેકરીના ઢોળાવ પર નવાણ-ધોવાણથી છૂટા પડેલા સુવર્ણકણો ઢોળાવ પર સંકેન્દ્રણ પામે છે.

4. વાતજન્ય સંકેન્દ્રણો (wind-placers) : કેટલાક વર્ષાવિહીન પ્રદેશોમાં જળને બદલે પવન સંકેન્દ્રણના પરિબળ તરીકે કાર્ય કરે ત્યારે એકત્રિત થતો જતો જથ્થો વાતજન્ય સંકેન્દ્રણ કહેવાય છે. શુષ્ક-અર્ધશુષ્ક પ્રદેશોની આ લાક્ષણિકતા બની રહે છે. ઝંઝાવતી પવનો હલકા, સૂક્ષ્મ કણોને ઉડાડી મૂકે છે; ટકાઉ, ભારે કણો આપમેળે સંકેન્દ્રિત થતા રહે છે. ઑસ્ટ્રેલિયાના રણપ્રદેશમાં, સુવર્ણયુક્ત ખનિજશિરાઓમાંથી ખવાણ(વિભંજન)ની અસર હેઠળ સુવર્ણજન્ય કણો મુક્ત થઈ, વિશિષ્ટ ઘનતા અને ટકાઉપણાને કારણે નજીકના ભાગોમાં એકત્રિત થઈ સંકેન્દ્રણો બનેલાં છે. દક્ષિણ કૅલિફૉર્નિયા અને મેક્સિકોમાં પણ આ જ રીતે સુવર્ણ-કણોનાં સંકેન્દ્રણો બનેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા