ભોજપુર (બિહાર) : બિહાર રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 25° 30´ ઉ. અ. અને 84° 30´ પૂ. રે.ની આજુબાજુનો 2464.4 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાજ્યનો સરન અને ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વમાં પટણા જિલ્લો, દક્ષિણમાં જહાનાબાદ અને રોહતાસ જિલ્લા તથા પશ્ચિમમાં બકસર જિલ્લા ઉપરાંત ઉત્તરપ્રદેશ રાજ્યની સીમા આવેલી છે. જિલ્લાના પૂર્વભાગમાં આવેલું અરાહ(આરા) આ જિલ્લાનું મુખ્ય નગર અને વહીવટી મથક છે.
ભૂપૃષ્ઠ : આખોય ભોજપુર જિલ્લો ઓછી ઊંચાઈએ આવેલા કાંપનું મેદાની ભૂપૃષ્ઠ ધરાવે છે. ગંગા અને સોન નદીઓના કાંઠાઓને આવરી લેતો આ પ્રદેશ ઉત્તમ કક્ષાના ઘઉં ઉગાડતો પ્રદેશ ગણાય છે. આ જિલ્લો અગાઉના વખતમાં જંગલપ્રદેશ હતો. જિલ્લા-મથક ‘અરાહ’ મૂળ ‘અરણ્ય’ (જંગલ) શબ્દનું અપભ્રંશ જણાય છે. અહીંનાં જંગલો 1759–1765 દરમિયાન મુઘલ લશ્કરોની વધુપડતી અવરજવરથી તથા 1761–62 દરમિયાન કાસિમ અલીખાનનાં દળોની અવરજવરથી નાશ પામી ગયાં. 1812–13ની ફ્રાન્સિસ બુચાનનની મુલાકાત વખતે અહીં માત્ર 22 % જંગલો હોવાની નોંધ મળે છે. વળી તાજેતરનાં ભૂતકાળનાં વર્ષોમાં જમીનદારીના સમયગાળામાં તેની વધુ તારાજી થયેલી. તેથી હવે વનવિકાસની યોજના હાથ પર લેવાઈ છે. આજે તો વન્યપેદાશોમાં તે સમૃદ્ધ નથી, માત્ર ઇંધન માટેનાં લાકડાં જ તેની અગત્યની પેદાશ ગણાય છે.
જળપરિવાહ : ઉત્તર સરહદે ગંગા અને પૂર્વ સરહદે સોન નદી વહે છે, જિલ્લાના ઈશાન ભાગમાં સોન ગંગાને મળે છે. જિલ્લામાં વહેતી નદીઓ બારેમાસ જળપ્રવાહવાળી રહે છે.
ખેતી-પશુપાલન : ડાંગર, ઘઉં, જવ, ચણા તેમજ અન્ય કઠોળ અહીંના મુખ્ય કૃષિપાકો છે. આ ઉપરાંત શેરડી અને તેલીબિયાં પણ થાય છે. ગંગા અને સોન નદીઓનાં પાણી ખેતીને સિંચાઈની સુવિધા પૂરી પાડે છે, આ ઉપરાંત કૂવાઓ દ્વારા પણ સિંચાઈ થાય છે. ખેડૂતો ગોચરોનો વિકાસ કરીને વધારાની આવક માટે પશુપાલન કરે છે.
ઉદ્યોગ-વેપાર : અહીંના ખનિજ જથ્થાઓનું સારી રીતે ખનનકાર્ય થયું નથી. તાજેતરનાં વર્ષોમાં રોહતાસના ઉચ્ચપ્રદેશીય ભાગ નજીક સોનની ખીણમાં ચૂનાનું ઉત્પાદન લેવાતું થયું છે. અહીંના મેદાની પ્રદેશમાં, વિશેષે કરીને નદીના કાંઠાના પ્રદેશમાંથી કંકર મળે છે. તેનો ઉપયોગ ચૂનો બનાવવામાં તેમજ રસ્તાઓના બાંધકામમાં થાય છે. જિલ્લામાં નાના પાયા પરના એકમો તથા કુટિર-ઉદ્યોગો વિકસ્યા છે, તે પૈકી લાકડાં અને રાચરચીલાના એકમો તથા ચર્મઉદ્યોગ મુખ્ય છે. જિલ્લામાં સાબુનું ઉત્પાદન પણ લેવાય છે. ચોખા અને ખાદ્યાન્નની અહીંથી નિકાસ થાય છે, જ્યારે કાપડ અને પાષાણની પટ્ટીઓની આયાત થાય છે.
પરિવહન : ઘણા લાંબા સમયથી આ જિલ્લાના માર્ગોનો વાહનવ્યવહાર માટે વિશેષ ઉપયોગ થાય છે. અહીંનું મુખ્ય નગર અરાહ પૂર્વીય વિભાગનું મથક છે. તે પૂર્વ–પશ્ચિમ તરફના જિલ્લાઓ સાથે રેલમાર્ગોથી જોડાયેલું છે. ગંગા નદી દ્વારા પૂર્વ તરફ કોલકાતા સુધી તથા પશ્ચિમ તરફ ઉત્તરપ્રદેશનાં શહેરો સુધી અવરજવર તથા હેરફેર થાય છે. સોન નદી પણ જળપરિવહન માટે ઉપયોગમાં લેવાય છે. જિલ્લામાં ખેતી માટે નહેરોની ઘણી સારી સુવિધા ઊભી કરવામાં આવેલી છે.
પ્રવાસન : દલૌર, કોલીવાડ, બીબીગંજ, મસરી, તાડ, બિહિયા, દેવ અને અરાહ અહીંના વિસ્તારનાં મુખ્ય પ્રવાસ મથકો છે.
(1) દલૌર : જગદીશપુરથી 2 કિમી. અંતરે પૂર્વમાં આવેલું આ ગામ 1857માં બાબુ કુંવરસિંઘ અને બ્રિટિશ દળો વચ્ચે થયેલી આકરી લડાઈ માટે જાણીતું છે.
(2) કોએલવાડ : પટણાથી પશ્ચિમે 50 કિમી. અંતરે આવેલા આ નગરની આબોહવા સ્વાસ્થ્યપ્રદ હોવાથી ક્ષયરોગના દર્દીઓ માટે અહીં આરોગ્યધામ (sanitarium) તૈયાર કરવામાં આવેલું છે. વળી તે સોન નદી પરના સડકમાર્ગ પરનું મુખ્ય મથક પણ છે.
(3) બીબીગંજ : આરાહથી 6 કિમી. પશ્ચિમે આરાહ-શાહપુર માર્ગ પર આવેલો પુલ બાબુ કુંવરસિંઘ અને બ્રિટિશદળો વચ્ચે 1857માં થયેલી લડાઈ માટે જાણીતો છે. અહીંનું ‘સારાયન’ જંગલ પણ તેમની વચ્ચે થયેલી ગેરીલા લડાઈ માટેનું મુખ્ય સ્થળ બનેલું.
(4) મસરી : જગદીશપુરથી 5 કિમી. પૂર્વ તરફના આ સ્થળે અહીંના મસર દીવાન નામના મુસ્લિમ સંતની 300 વર્ષ જૂની કબર આવેલી છે. મુસ્લિમો માટે આ સ્થાનક ખૂબ જ પવિત્ર ગણાય છે.
(5) તાડ (Tar) : પીરોથી વાયવ્યમાં આશરે 10 કિમી. આ સ્થળે રામે જેનો વધ કરેલો તે તાડકા રાક્ષસીનું નિવાસસ્થાન હતું. તાડકાના નામ પરથી આ ગામનું નામ પડેલું છે. અહીં આવેલું એક પ્રાચીન તળાવ આ રાક્ષસીનું કુસ્તીનું મેદાન હોવાનું કહેવાય છે.
(6) બિહિયા (Bihea) : સરદાર ઉપવિભાગમાં આવેલું આ નગર પૂર્વીય રેલવિભાગનું મુખ્ય મથક છે, તે સડકમાર્ગથી પણ જોડાયેલું છે. અગાઉના વખતમાં તે હરિહોવન રાજપૂતોની શાખાનું શાસનસ્થળ હતું. એમ કહેવાય છે કે અહીંના રાજા ભોનાટદેવે મહિની નામની એક બ્રાહ્મણ સ્ત્રી પર બળાત્કાર કરેલો; તેથી તે બળી મરેલી અને હરિહોવન રજપૂતોને શાપ આપતી ગયેલી. આ કારણે આ રજપૂતો બિહિયા છોડીને ગંગા નદીને પેલે પાર બલિયા નામના સ્થળે જતા રહેલા. મહિનીની સમાધિ બહિયા રેલમથક નજીકના પીપળાના વૃક્ષ નીચે આવેલી છે, ત્યાં સેંકડો સ્ત્રીઓ દર્શનાર્થે આવે છે.
(7) દેવ : આ ગામમાં વરુણદેવે પુરાતનકાળમાં બાંધેલા સૂર્યમંદિરના અવશેષો જોવા મળે છે. તેમાં ઇન્દ્ર, વરુણ અને કુબેરની મૂર્તિઓ છે. મહમ્મદ ગિઝનીએ આ મંદિરનો નાશ કરેલો.
(8) આરાહ : ભોજપુર જિલ્લાનું વડું વહીવટી મથક. જનરલ કર્નિંગહામની નોંધ અનુસાર જ્યાં સમ્રાટ અશોકે સ્તુપ બાંધેલો તે જ આ સ્થળ છે. ચીની મુસાફર હ્યુ-એન-શ્વાંગે પણ આ સ્થળનો ઉલ્લેખ કરેલો છે. કહેવાય છે કે પાંડવો તેમના વનવાસકાળ દરમિયાન બક્રી અથવા ચક્રપુર નામના જે સ્થળે બ્રાહ્મણ કુટુંબને ત્યાં રોકાયેલા તે જ આજનું આરાહ. અહીં જ બક્રાસુર (બકાસુર) નામનો દૈત્ય રહેતો હતો અને આ ગામ તેને રોજનો એક મનુષ્ય ખોરાક તરીકે પૂરું પાડતું હતું. યજમાન બ્રાહ્મણને બદલે ભીમે તેની પાસે જઈને તેનો વધ કરેલો. એવી અનુશ્રુતિ છે. બક્રી ગામ અહીં આરાહ નજીક હજી આજે પણ અસ્તિત્વ ધરાવે છે.
આ ઉપરાંત અહીં વર્ષ દરમિયાન જુદા જુદા મેળા ભરાય છે. તેમજ દશેરા, શિવરાત્રિ વગેરે જેવા ઉત્સવો પણ અહીં ઊજવાય છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી કુલ 17,92,771 જેટલી છે, તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીની સંખ્યા અનુક્રમે 15,57,287 અને 2,35,484 જેટલી છે. અહીં હિન્દુઓ, મુસ્લિમો, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જેન તથા અન્ય ધર્મી રહે છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 60 % જેટલી છે. જિલ્લાનાં 1505 જેટલાં ગામડાંઓમાં શિક્ષણની સુવિધા છે. બધાં જ નગરોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ આવેલી છે. આ જિલ્લામાં એક યુનિવર્સિટી તથા ચાર કૉલેજો છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 ઉપવિભાગોમાં, અને 12 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 6 નગરો છે. અરાહ સિવાય બધાં જ નગરો એક લાખથી ઓછી વસ્તીવાળાં છે. અરાહની વસ્તી 1,56,871 (1991) જેટલી છે.
ઇતિહાસ : 1972માં માતૃજિલ્લા શાહાબાદમાંથી અલગ કરીને ભોજપુર જિલ્લાની રચના કરવામાં આવેલી છે. માતૃજિલ્લાનો ઇતિહાસ ઘણો જૂનો પરંતુ રસપ્રદ છે. પ્રાગ્ઐતિહાસિક કાળમાં પણ આ વિસ્તારમાં વસ્તી હોવાના પુરાવા મળે છે. ધર્મગ્રંથો મુજબ, ઋષિ વિશ્વામિત્રનો આશ્રમ આ વિસ્તારમાં હતો. જંગલોમાં રાક્ષસોનો વાસ હતો. આજના બકસર નજીક શ્રીરામે તાડકાનો વધ કરેલો. બનારસના રાજા ચૈતસિંહે અહીં અંગ્રેજ સત્તા સામે બળવો કરેલો અને અંગ્રેજ સત્તાના પાયા હચમચાવી નાખેલા, પરંતુ તે છેવટે અસફળ રહેલો. કુંવરસિંહે પણ બળવો કરેલો. 1991ની વસ્તીગણતરી પછી ભોજપુરને ભોજપુર અને બકસર જિલ્લાઓમાં વહેંચી નાખવામાં આવેલો છે.
ગિરીશભાઈ પંડ્યા