ભોસલે, આશા (જ. 8 સપ્ટેમ્બર 1932, સાતારા, મહારાષ્ટ્ર) : ભારતીય ચલચિત્રોનાં પાર્શ્વગાયિકા. મોટી બહેન લતા મંગેશકર સાથે તેમણે પણ પિતા દીનાનાથ મંગેશકર પાસે સંગીતનું પ્રાથમિક પ્રશિક્ષણ લીધું. શાસ્ત્રીય સંગીત તથા ગાયનનું શિક્ષણ માસ્ટર નવરંગ પાસે લીધું. આ સિવાય પિતા દીનાનાથ મંગેશકરનાં ગીતોની રેકર્ડ સાંભળીને પોતે જ ગાવાની તાલીમ લીધી. 1944માં તેમનું પ્રથમ પાર્શ્વગાયન ‘માઝં બાળ’ નામની મરાઠી ફિલ્મનું હતું. આ ગીતમાં તેમની સાથે તેમનાં ભાઈબહેનો લતા, મીના, ઉષા અને હૃદયનાથ પણ હતાં. ફિલ્મના સંગીતકાર દત્તા ડાવજેકર હતા. આ હિંદી ફિલ્મોમાં તેમનું પ્રથમ ગીત વસંત દેસાઈના સંગીતમાં ફિલ્મ ‘અંધોં કી દુનિયા’ (1947) માટે હતું. ગીતના શબ્દો હતા – ‘ગરીબોં કે દાતા ગરીબોં કે વાલી’. આ ગીતમાં તેમની સહગાયિકા જોહરાબાઈ અમ્બાલાવાલી હતી. મરાઠી ફિલ્મમાં તેમણે અભિનય પણ આપ્યો હતો. ત્યારબાદ તેઓ હિંદી ફિલ્મ ‘બડી માં’ (1945) અને ‘ટૅક્સી ટૅક્સી’(1977)માં પણ ગાયન-અભિનય સાથે ચમક્યાં હતાં. તેમનાં પ્રથમ લગ્ન 13 વર્ષની વયે ગણપત બળવંત ભોંસલે સાથે થયાં હતાં. 1966માં પતિનું અવસાન થયું. બીજાં લગ્ન 1980માં પ્રસિદ્ધ સંગીતકાર રાહુલદેવ બર્મન સાથે થયાં, જેઓ 1994માં અવસાન પામ્યા. તેમના પ્રથમ લગ્નનાં સંતાનોમાં બે પુત્રો હેમંત અને આનંદ છે તથા પુત્રી વર્ષા ભોંસલે-કેંકરે છે.
તેઓ ભજન, ગઝલ, શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતો; મરાઠીમાં નાટ્યગીત અને ભાવગીત, ભક્તિગીત, રૉક, ડિસ્કો અને પૉપ શૈલીનાં પાશ્ચાત્ય ઢબનાં ગીતો સરખી જ કુશળતાથી રજૂ કરી શકે છે એ તેમની આગવી વિશેષતા છે. લગ્ન પછીની શરૂઆતની કારકિર્દીમાં તેમણે ઓછા બજેટવાળાં ચલચિત્રોમાં પાર્શ્વગાયિકા તરીકે
ગીતો ગાઈને પોતાના કુટુંબનું ભરણપોષણ કર્યું હતું, પરંતુ 1957માં ઓ. પી. નય્યરના સંગીતનિર્દેશન હેઠળનાં ‘નયા દૌર’ અને ‘તુમ સા નહીં દેખા’ બે ચલચિત્રોએ તેમને માટે નવાં દ્વાર ખોલી આપ્યાં. તે જ વર્ષે સચીનદેવ બર્મનના સંગીતનિર્દેશન હેઠળનાં બે ચલચિત્રો ‘પેઇન્ગ ગેસ્ટ’ અને ‘નૌ દો ગ્યારહ’ દ્વારા તેમને નવી તક સાંપડી. કવિ પ્રદીપના ખૂબ લોકપ્રિય બનેલા ‘અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની’ ગીતના નિર્દેશક સી. રામચંદ્રે આ ગીત ગાવા માટે સૌપ્રથમ આશા ભોંસલેની પસંદગી કરી હતી. ‘ઉમરાવજાન’ ચલચિત્રમાં તેમણે ગાયેલી ગઝલોએ તેમને પ્રસિદ્ધિના શિખર પર મૂકી આપ્યાં છે. વર્ષો પહેલાં તેમણે ગાયેલ ‘બંદિની’(1963)નાં ગીતો અને પછીનાં વર્ષોમાં તેમણે ગાયેલ ‘રંગીલા’(1996)નાં ગીતો સરખાં જ લોકપ્રિય બન્યાં છે. તેમણે ગુજરાતી સહિત દેશની 14 ભાષાઓમાં ગીતો ગાયેલાં છે. 1994 સુધીમાં તેમણે ગાયેલાં ગીતોની આશરે સંખ્યા નીચે પ્રમાણે છે :
હિંદી ફિલ્મોની ગીતસંખ્યા | 7,594 |
મરાઠી ફિલ્મોની ગીતસંખ્યા | 1,200 |
ગુજરાતી ફિલ્મોની ગીતસંખ્યા | 450 |
પંજાબી ફિલ્મોની ગીતસંખ્યા | 250 |
બંગાળી ફિલ્મોની ગીતસંખ્યા | 350 |
ભોજપુરી ફિલ્મોની ગીતસંખ્યા | 150 |
રાજસ્થાની/માગધી/મૈથિલી/મારવાડી ફિલ્મોની ગીતસંખ્યા | 50 |
અન્ય ભાષાની પ્રાદેશિક ફિલ્મોની ગીતસંખ્યા | 50 |
ચલચિત્ર સિવાયનાં હિંદી તથા પ્રાદેશિક ગીતો | 250 |
કુલ ગીતસંખ્યા આશરે | 10,344 |
ઑક્ટોબર 2000માં તેમને પ્રતિષ્ઠિત ‘લતા મંગેશકર’ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
પીયૂષ વ્યાસ