ભૈયા, ગોપાલ (જ. 31 જુલાઈ 1919, રાજસ્થાન; અ. 16 એપ્રિલ 1996, અમદાવાદ) : કુસ્તીની કલાના ઉસ્તાદ પહેલવાન અને તેના પ્રવર્તક. મૂળ વતન હેડીહાડી, જિલ્લો કોટા, રાજસ્થાન. તેમના પિતા રામનારાયણ રાઠોડ પણ કુસ્તીની રમતના ઉસ્તાદ પહેલવાન હતા અને પોતાના પુત્ર ગોપાલના ગુરુ હતા. ગોપાલ રાજસ્થાનમાં પોતાના વતનમાં ચોથા ધોરણ સુધીનો અભ્યાસ કરીને 18 વર્ષની ઉંમરે પિતાના મિત્ર સાથે અમદાવાદમાં આવ્યા અને અરવિંદ મિલમાં કાપડખાતામાં નોકરી કરવા લાગ્યા, પણ તેની સાથે સાથે કુસ્તીનો મહાવરો પણ ચાલુ રાખ્યો; એટલું જ નહિ, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ તે જમાનામાં યોજાતી કુસ્તીની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને કુશળ કુસ્તીબાજ અને પહેલવાન તરીકે પ્રસિદ્ધિ મેળવી. પરિણામે અમદાવાદમાં રાજ્ય સરકાર સંચાલિત રાયપુર મજૂર કલ્યાણ કેન્દ્રમાં 1948ની સાલમાં કુસ્તીના પ્રશિક્ષક તરીકે તેઓ નોકરીમાં જોડાયા અને અહીં લગભગ 30 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક કાર્ય કરી 1977માં નિવૃત્ત થયા. આ સમયે એમણે અનેક યુવકોને કુસ્તીનો શોખ લગાડ્યો, અને કુસ્તીમાં તૈયાર કર્યા. તેમણે પ્રશિક્ષિત કરેલા કુસ્તીબાજોએ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ અનેક કુસ્તીસ્પર્ધાઓમાં ભાગ લઈ ઝળકતી ફતેહ મેળવી છે. એટલું જ નહિ, બે કુસ્તીબાજો તો ‘હિંદ કેસરી’ પણ બન્યા છે. અમદાવાદમાં ગોપાલ ઉસ્તાદે તૈયાર કરેલા કુસ્તીબાજો પૈકી (1) ચિંતામણિ, (2) શ્યામ, (3) દલસિંગાર, (4) કાશીરામ, (5) રામજીભાઈ દેસાઈ, (6) માનસિંગ રાજપૂત, (7) સાહિલરામ ડભાડે અને (8) રામજી કહાર જાણીતા પહેલવાનો છે.
ચિનુભાઈ શાહ