ભેદ્ય ખડકો (permeable rocks) : પ્રવાહી પસાર થવા દેવાની ક્ષમતા ધરાવતા ખડકો. કોઈ પણ ખડકની ભેદ્યતા (અથવા પારગમ્યતા) એ તે ખડકમાંથી પ્રવાહીને પસાર થવા દેવાની ક્ષમતા ગણાય. સછિદ્રતા–આધારિત ખડકના ગુણધર્મને ભેદ્યતા કહે છે. ખડક સછિદ્ર હોઈ શકે અને ભેદ્ય ન પણ હોય. ભેદ્યતાની માત્રા ખડકછિદ્રોના આંતરસંપર્ક(આંતરગૂંથણી)નાં આકાર અને કદ તેમજ છિદ્રોના આંતરસંપર્કની વિસ્તૃતિ પર આધારિત હોય છે. ખડકની ભેદ્યતાને તેની કણરચનાના સંદર્ભમાં પણ મૂલવી શકાય. ભેદ્ય ખડક તે કહેવાય જેનાં છિદ્રો એકમેકના સંપર્કમાં હોય – પછી તે છિદ્રો સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય. આ પ્રકારનું લક્ષણ ધરાવતા ખડકસ્તર પર આવતું જળ તે સ્તરની નિમ્નસપાટી સુધી સરળતાથી પસાર થઈ શકે તો તે ખડક ભેદ્ય છે એમ કહેવાય. એક જ પ્રકારની રેતીને બે અલગ રીતે ઘનિષ્ઠ કરવામાં આવે, જેની સછિદ્રતા અનુક્રમે 26 % અને 47 % હોય તો 26% સછિદ્રતાધારક રેતીના મુકાબલે 47 % સછિદ્રતાધારક રેતીમાંથી 7ગણું વધારે વહન થઈ શકે. કુદરતી ખડકનું ઉદાહરણ લઈએ તો 15 % સછિદ્રતાધારક સ્થૂળ રેતીખડક 30 % સછિદ્રતાધારક શેલના મુકાબલે ઘણો વધારે ભેદ્ય ગણાય. સૂક્ષ્મ છિદ્રો ધરાવતી ભીની માટી જળપકડક્ષમતા વધુ ધરાવતી હોય છે, પરિણામે જળભીની માટી અને શેલને અભેદ્ય કહેવાય; જ્યારે સ્થૂળ છિદ્રો ધરાવતા ખડકો ઓછી સછિદ્રતાવાળા હોય તો પણ છિદ્રો જો અન્યોન્ય સંકલિત હોય તો તે ભેદ્ય ગણાય.
ભેદ્ય ખડકમાં રહેલું જળ પંપ દ્વારા ખેંચી લઈ શકાય. તેનો અર્થ એવો થાય કે છિદ્રોમાં રહેલું જળ એકમેકના સંપર્કમાં છે. ભેદ્યતાના માપનો દર પ્રમાણભૂત સ્નિગ્ધતાવાળું પ્રવાહી અમુક નિયત સમયમાં નિયત અંતર પસાર કરી શકે છે, તેના પર ગણાય છે અને ભેદ્યતા માટેનો એકમ ‘ડાર્સી’ (darcy) છે.
સારણી : સામાન્ય ખડકોની સછિદ્રતાની ટકાવારી
ખડક | નમૂના | મહત્તમ સછિદ્રતા | લઘુતમ સછિદ્રતા | સરેરાશ સછિદ્રતા |
ગ્રૅનાઇટ | 25 | 0.62 | 0.19 | 0.369 |
ઇમારતી ચૂનાખડકો | 25 | 13.36 | 0.53 | 4.88 |
ઇમારતી રેતીખડકો | 35 | 28.28 | 4.81 | 15.9 |
તૈલી રેતી | 30 | – | – | 19.4 |
માટી | 15 | – | – | 28.43 |
સ્થૂળ કણનિક્ષેપ કરતાં સૂક્ષ્મ પરંતુ કોણાકાર કણોથી બનેલા નિક્ષેપમાં વધુ સછિદ્રતા અને ઓછી ભેદ્યતા હોય છે. આથી માટી અને શેલ ઓછા ભેદ્ય હોય છે.
ગિરીશભાઈ પંડ્યા