ભૂ-ગણિત (geodesy) : પૃથ્વીની સપાટીનું સર્વેક્ષણ અને નકશા તૈયાર કરવા અંગેનું વિજ્ઞાન. ભૂ-ગણિત દ્વારા સ્થાન, અંતર, દિશાઓ, ઊંચાઈ વગેરે બાબતો મળી રહે છે; જે સિવિલ ઇજનેરી નૌકાવ્યવહાર (navigation), જમીનોની હદ નક્કી કરતી સંસ્થાઓ વગેરે માટે ઉપયોગી બની રહે છે.
ભૂ-ગણિતમાં પૃથ્વીનાં આકાર અને કદ, બાહ્ય ગુરુત્વાકર્ષણ-ક્ષેત્ર, ક્ષૈતિજ અને લંબક-દિશામાં નિયંત્રણો કરતા પરિપથો (horizontal and vertical control networks) તેમજ સમય-આધારિત પ્રક્રિયાઓને લગતી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિકસિત આધુનિક ટૅકનૉલૉજી(જેવી કે સેટેલાઇટ જિયૉડેસી, તીવ્ર ઝડપી કમ્પ્યૂટરિંગ)નો પણ આ વિજ્ઞાનમાં સમાવેશ થાય છે. ભૂ-ગણિતવિજ્ઞાનનો સંબંધ ખગોળવિજ્ઞાન, ભૂ-ગોળ-ભૂ-ભૌતિક વિજ્ઞાન, ભૂ-ભૌતિકગતિકી વિજ્ઞાન તેમજ સમુદ્રવિજ્ઞાન જેવી બીજી શાખાઓ સાથે પણ છે. તે ચંદ્ર અને તારા સુધીની ગણતરીમાં પણ સંબંધિત છે.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ