ભૂસ્તરીય નિરીક્ષણ (geological prospecting) : આર્થિક ર્દષ્ટિએ ખનનયોગ્ય તેમજ ઉપયોગી ખનિજનિક્ષેપો કે ખડકજથ્થાઓની ખોજ માટે કરવામાં આવતું ભૂસ્તરીય પૂર્વેક્ષણ. વીસમી સદીના પ્રારંભ સુધી તો ભૂસ્તરીય નિરીક્ષકો તે માટેનાં યોગ્ય સ્થાનોની ભાળ મેળવીને તેમનું ખોજકાર્ય પગે ચાલીને કરતા. વિષયની જાણકારી તેમજ અનુભવી ર્દષ્ટિથી આર્થિક ર્દષ્ટિએ ઉપયોગી પૂરતી માત્રાવાળા અયસ્કોના જથ્થા કે અન્ય ખનિજજથ્થા જે તે ખડકોમાં છે કે કેમ તેની ખોજ કરતા, તે પછીથી તેના અંદાજી જથ્થાની ગણતરી મુકાતી તથા તેમનાં સલાહસૂચનો મુજબ ખનનકાર્ય હાથ પર લેવાતું. વીસમી સદીના પ્રથમ ચરણ પછી આ પ્રકારના ખોજકાર્ય માટે જીપ જેવાં વાહનોનો ઉપયોગ વધતો ગયો છે. ત્યારબાદ આ પ્રકારનાં પૂર્વેક્ષણો માટે હવાઈ ઉડ્ડયનોની મદદ લેવાનું શરૂ થયેલું છે અને તાજેતરનાં વર્ષોમાં દૂરસંવેદન પદ્ધતિઓ તેમજ ઉપગ્રહીય સેવાનો વધુ ઉપયોગ થાય છે. આ રીતે હવે ભૂસ્તરીય નિરીક્ષણનું કાર્ય ખૂબ જ સરળ બની ગયેલું છે.
ભૂસ્તરીય સંદર્ભમાં જોતાં, એક હકીકત તો સ્પષ્ટ છે કે અમુક પ્રકારના ખનિજજથ્થા અમુક ચોક્કસ પ્રકારનાં અને ચોક્કસ વય ધરાવતાં ખડકજૂથો, ભૂમિસ્વરૂપો તેમજ રચનાઓ સાથે જ સંકળાયેલા હોય છે. દા.ત., તાંબા-સીસા-જસતનાં ખનિજો અગ્નિકૃત ખડકો(અંતર્ભેદકો)ની અન્ય યજમાન ખડકો સાથેની સંપર્ક-સપાટીઓમાં, ભૂમિભાગો નજીક કે ઓછીવત્તી છીછરી ઊંડાઈએ, ઉષ્ણજળજન્ય દ્રાવણોની ક્રિયાથી તૈયાર થયેલાં હોય છે, એટલે તે એવાં સ્થાનોમાંથી જ મળી શકે. પ્લૅટિનમ, નિકલ, ક્રોમિયમમાં ખનિજો તેમજ હીરા બેઝિક-અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકોના સંકલનમાં જ મળી શકે. ખનિજતેલ કે કુદરતી વાયુ તૃતીય જીવયુગના જળકૃત સ્તરો અને વિશિષ્ટ પ્રકારની રચના સાથે જ સંકળાયેલાં હોય છે. સારી જાતનો કોલસો કાર્બોનિફેરસ કાળના સ્તરોમાંથી મળે છે. લિગ્નાઇટ તૃતીય જીવયુગના સ્તરોમાંથી જ ઉપલબ્ધ થાય છે. તેથી ખોજકાર્યની આ ભૂસ્તરીય મર્યાદાનો ખ્યાલ રાખવાનો હોય છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ જ્યાં ખોજકાર્ય કર્યું હોય ત્યાંના વિવૃત ભાગોનું નકશાકાર્ય કરીને તથા તેના ઊર્ધ્વછેદ તૈયાર કરીને તેમાં રહેલા આર્થિક ખનિજોના વિસ્તાર તેમજ અંદાજિત જથ્થા અંગેનાં અનુમાનો અને તારણો કાઢી આપે છે, વધુ ચોકસાઈભર્યો અંદાજ ત્યાંની ભૂમિમાં શારકામ કરીને મેળવી શકાય છે.
વીસમી સદીના ઉત્તરાર્ધના દાયકાઓમાં ભૂસ્તરશાસ્ત્ર સાથે સંકલિત અન્ય વિજ્ઞાન વિદ્યાશાખાઓનો સહયોગ કરીને ખનિજખોજકાર્યની વધુ વિકસિત અને અદ્યતન તક્નીકો શોધવામાં આવી છે. તેનાથી ભૂપૃષ્ઠના છીછરા તેમજ ઊંડાણવાળા ભાગોમાં ખનિજખોજનું કામ સરળ થઈ પડ્યું છે. અગાઉના સમયમાં નકશાકાર્ય માટે સ્થાનનિર્ધારણ-સ્તરોની દિશાકીય ઉપસ્થિતિ-સ્તરનમન-દિશાકોણ વગેરે માટે દિશાદર્શક હોકાયંત્રો, ક્લાઇનોમિટર કે બ્રુન્ટન હોકાયંત્ર જેવાં સાધનોનો ક્ષેત્રકાર્યમાં વધુ ઉપયોગ થતો; હવે તે સાધનોની સાથે સાથે હવાઈ નિરીક્ષણ દ્વારા ભૂમિભાગોની તસવીરો લઈને તેમના ભૂમિઆકારો તેમજ સ્તરોનાં લક્ષણોની પરખ કરવાનું સરળ થઈ પડ્યું છે. આ ખોજકાર્યમાં દૂરસંવેદન-પદ્ધતિ ખૂબ જ ઉપયોગમાં આવે છે. પોપડાના ખડકોના ચુંબકીય, ગુરુત્વીય, વીજળીક અને ભૂકંપીય ગુણધર્મોનો વધુ સંવેદનશીલ મૅગ્નેટોમિટર, ગ્રૅવિમિટર, રેઝિસ્ટિવિટીમિટર જેવાં સાધનો દ્વારા સરળતાથી તાગ મેળવી શકાય છે; આ સાધનો તેમજ અન્ય જરૂરી ઉપકરણો દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓમાં ચુંબકીય-નિરીક્ષણ પદ્ધતિ, ગુરુત્વ-નિરીક્ષણ પદ્ધતિ, વીજ-નિરીક્ષણ પદ્ધતિ તેમજ વીજચુંબકીય પદ્ધતિ અને ભૂકંપીય પદ્ધતિનો સમાવેશ થાય છે. આ સાધનો ખડકો કે ખનિજોની જે તે ગુણધર્મધારક અસ્વાભાવિકતાઓ (anomalies) મેળવી આપે છે. તેમાંથી ભૂમિઅંતર્ગત ઘન-પ્રવાહી માધ્યમોની જાણકારી મેળવી શકાય છે. જુદી જુદી ઊંડાઈએ રહેલાં જુદાં જુદાં ખડક-માધ્યમો(ઘન-અર્ધ-ઘન-વાહી વગેરે)ની જાણકારી મેળવવા કૃત્રિમ ભૂકંપીય પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. ભૂકંપ-તરંગો માધ્યમ મુજબ પરાવર્તન અને વક્રીભવન પામતા હોય છે. તેમની પસાર થવાની ગતિમર્યાદા અને સમયમર્યાદા જાણીને તે માધ્યમવાળા દ્રવ્યપ્રકારો જાણી શકાય છે. યુરેનિયમ-થોરિયમ જેવાં અયસ્ક તેમના કિરણોત્સારી ગુણધર્મને કારણે વિભંજન પામતાં રહેતાં હોય છે. ગાઇગર કાઉન્ટર જેવાં સાધનો દ્વારા તેમની હાજરી અને ગતિવિધિની જાણકારી મેળવી શકાય છે. આ ઉપરાંત નિરીક્ષણની ભૂરાસાયણિક પદ્ધતિમાં જમીનો, વનસ્પતિ અને નદી(ઝરણાં)નાં પાણીમાં ભળેલા ધાત્વિક અંશોના રાસાયણિક પૃથક્કરણોનો સમાવેશ થાય છે. ધાત્વિક અંશોની હાજરી તે વિસ્તારમાં તેમના સંકલિત ખનિજ-જથ્થાઓ હોવાનું સૂચન કરે છે. ભૂગર્ભજળ, ખનિજતેલ તેમજ કુદરતી વાયુની હાજરી જાણવા માટેની નિરીક્ષણ પદ્ધતિઓ પણ ભૂસ્તરીય નિરીક્ષણ પદ્ધતિઓ જેવી જ હોય છે.
ગિરીશભાઈ પંડ્યા