ભૂસ્તરીય નકશો

January, 2001

ભૂસ્તરીય નકશો : ખડકોનાં વિતરણ અને તેમાં રહેલાં વિવિધ રચનાત્મક લક્ષણોનાં સ્વરૂપ દર્શાવતો નકશો. નકશો એ સામાન્ય રીતે જોતાં તો પૃથ્વીની સપાટી પરનાં તમામ ત્રિપરિમાણીય ભૂમિસ્વરૂપોનાં ર્દશ્ય-લક્ષણોને આવરી લેતું, અમુક ચોક્કસ પ્રમાણમાપની મદદથી અને અમુક ચોક્કસ પ્રક્ષેપની મદદથી દ્વિપરિમાણીય કાગળની સપાટી પર દોરેલું રૂઢ આલેખન છે.

ભૂમિસ્વરૂપોના ઊંચાણનીચાણનું યોગ્ય પદ્ધતિઓથી સર્વેક્ષણ કરીને તેમને સમોચ્ચવૃત્તો દ્વારા આકારાય છે. ભૂમિસપાટીની આકારિકી દર્શાવતાં આ પ્રકારનાં આલેખનો ભૂપૃષ્ઠ-નકશા અથવા સ્થળવર્ણન-નકશા (land map, or relief map or topographic map) કહેવાય છે. સ્થળવર્ણન-નકશાનો આધાર લઈને ભૂસ્તરીય નકશા તૈયાર કરવામાં આવતા હોય છે. ભૂપૃષ્ઠ પર મળી આવતા વિવિધ પ્રકારના ખડક-એકમોનાં પ્રકાર, પ્રાપ્તિ, વિતરણ અને રચનાત્મક લક્ષણો ધરાવતા નકશાને ભૂસ્તરીય નકશા તરીકે ઓળખવામાં આવે છે. આ નકશાઓમાં ખડક-પ્રકારો, તેમના સ્તરોની સરહદો, પ્રાપ્તિસ્થિતિ, ક્ષૈતિજ કે નમન-સ્થિતિ, સ્તરનિર્દેશન, ગેડ, સ્તરભંગ, સાંધા, પત્રબંધી, રેખીય સ્થિતિ વગેરે જેવાં લક્ષણો નિયત સંજ્ઞાઓ દ્વારા દર્શાવાયેલાં હોય છે. આવા પ્રત્યેક નકશામાં તેમાં ઉપયોગમાં લીધેલા રંગ, જાડી-પાતળી રેખાઓ, સ્તરસીમાઓ, લક્ષણસંજ્ઞાઓ, અંકો, ઉત્તર દિશા વગેરેની સમજ માટે કોઈ પણ એક બાજુએ દર્શકસૂચિ પણ મૂકવામાં આવતી હોય છે, જેથી નકશાનું વ્યવસ્થિત અર્થઘટન થઈ શકે. નકશાઓ સપાટી-લક્ષણો દર્શાવતા હોવાથી જુદી જુદી દિશાઓમાં તેમાં દર્શાવેલાં વિવિધ લક્ષણોની મદદથી અધોભૌમિક ઊર્ધ્વછેદો (vertical sections) ઉપસાવી શકાય છે, તેના પરથી ભૂમિઅંતર્ગત વિસ્તરતી તેમની પ્રાપ્તિસ્થિતિનો તાગ મેળવી જરૂરી તારણો મેળવી શકાય છે. આ રીતે ભૂસ્તરીય નકશાઓ અને તેમના ઊર્ધ્વછેદો જે તે સ્થાનની ખડકસંપત્તિ-ખનિજસંપત્તિ મેળવવામાં ખૂબ જ સહાયભૂત બની રહે છે.

ગિરીશભાઈ પંડ્યા