ભૂસ્તરીય કાળ (Geological Time)

January, 2001

ભૂસ્તરીય કાળ (Geological Time) : પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને આજપર્યંતના ભૂસ્તરોનો પોતપોતાનો કાળ. કાળને શબ્દના સ્વરૂપમાં બાંધવાનું અશક્ય છે. તેને કોઈ આદિ કે અંત હોતો નથી. પૃથ્વી પરના કોઈ પણ સ્તર(પડ કે આવરણ)નો કાળ ન્યૂનતમથી મહત્તમ હોઈ શકે. ભૂસ્તરીય કાળને કોઈ પણ ખડકના વયનિર્ધારણથી માંડીને પૃથ્વીના વય સુધી લઈ જઈ શકાય. એમ તો પૃથ્વીનું વય જીવનસ્વરૂપોના વયનિર્ધારણ દ્વારા અથવા પૃથ્વી પરના કોઈ પણ દ્રવ્યની કાર્બન-14 વયસ્થાપન-પદ્ધતિ કે કિરણોત્સારી પદ્ધતિ દ્વારા નક્કી કરી શકાય. આ રીતે જો ભૂસ્તરીય કાળને ‘જીવન’ સાથે સાંકળી લેવાય તો પૃથ્વી પર જ્યારથી જીવન શરૂ થયું ત્યાં સુધી જવું પડે. (‘પૃથ્વીનું વય’ : જુઓ ‘પૃથ્વી’.)

જીવન : જીવનને કાળ સાથે પાયાનો સંબંધ છે. જીવનનો પ્રારંભ એ પૃથ્વી પર ઘટેલી એક અજાયબ ઘટના છે, કારણ કે વિશ્વમાં પૃથ્વી સિવાય અન્યત્ર ક્યાંય પણ જીવનનું અસ્તિત્વ હોવાનું જાણવામાં નથી. પૃથ્વી પર જીવન જ્યારથી પણ શરૂ થયું ત્યારથી તેના અવશેષો કોઈ ને કોઈ સ્વરૂપે જળવાયેલા મળે છે. આ જીવાવશેષો એ કાળ, કાલખંડ, કાલક્રમ, કાલસ્થાપન, કાલમાપન કે કાલગણનાની સમજ માટે આધારસ્તંભ બની રહેલા છે; તેથી જીવનની ઉત્પત્તિને તેના પ્રારંભ, પ્રકાર, વિકાસ તથા ઉત્ક્રાંતિ તેમજ વિલોપના સંદર્ભમાં પૂર્વ ભૂમિકારૂપે રજૂ કરવી જોઈએ. પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ મહાસાગરના આદિજળના અકાર્બનિક દ્રવ્યમાંથી થઈ હોવાનું ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે, કારણ કે કાર્બનિક (સેન્દ્રિય) દ્રવ્ય જે રાસાયણિક તત્વોનું બનેલું છે એનાથી જ અકાર્બનિક દ્રવ્ય પણ બનેલું છે; એ જ રીતે ખનિજ-દ્રવ્યોમાં જોવા મળતી સંરચનાઓ જેવી જ સંરચનાઓ નિમ્ન કોટિનાં ઘણાં જીવનસ્વરૂપોમાં પણ જોવા મળે છે. વાઇરસનું ઉદાહરણ લઈએ તો એ એટલાં તો અતિસૂક્ષ્મ રાસાયણિક સંયોજનો છે કે તે માત્ર ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ હેઠળ જ નિહાળી શકાય છે. તે અકાર્બનિક દ્રવ્યજનિત જીવનવિકાસનું પ્રારંભિક સ્વરૂપ રજૂ કરે છે. વાઇરસ અન્ય સેન્દ્રિય દ્રવ્યની હાજરીમાં ઉત્તરોત્તર વધતા જવાની ક્ષમતા ધરાવે છે; પરંતુ એવા સંજોગોની ગેરહાજરીમાં તે નિષ્ક્રિય રહે છે.

પ્રારંભિક જીવન સંભવત: એકકોષીય જીવંત દ્રવ્ય હતું. તેનો હજી વનસ્પતિ કે પ્રાણી-પ્રકારમાં ભેદ પાડી શકાયો નથી. હિંદુ ધર્મની એક સંકલ્પના મુજબ, અનાદિ કાળમાં પૃથ્વી જ્યારે પ્રવાહી સ્થિતિમાં હતી ત્યારે જીવન પણ સુષુપ્ત તરલ અવસ્થામાં અસ્તિત્વ ધરાવતું હતું. કાળાંતરે એકકોષીય જીવંત દ્રવ્યમાંથી સૂક્ષ્મ જીવાણુઓ બન્યા. સમય જતાં, તેનો હરિત દ્રવ્યમાં વિકાસ થયો, આ હરિત દ્રવ્ય વાતાવરણના CO2ને આત્મસાત્ કરવામાં સહાયભૂત થતું ગયું. તેનાથી તેનું દેહમાળખું રચાતું ગયું, વિકસતું ગયું. આ ઘટનાક્રમ ચાલતો રહ્યો અને આમ વનસ્પતિજીવનનો ઉદભવ થયો; અન્ય કેટલાકમાંથી સંબંધિત દ્રવ્ય હીમોગ્લોબિન વિકસ્યું, જે આજે તો ઘણાં પ્રાણીસ્વરૂપોમાં જોવા મળે છે. આ હરિત દ્રવ્યે કે હીમોગ્લોબિને જ જીવનસ્વરૂપોના વિકાસમાં મહત્વનો ફાળો ભજવ્યો હોવાનું સમજી શકાય છે. આદિ વનસ્પતિના અમુક પ્રકારોમાં મુક્ત હલનચલનની ક્ષમતા હોવાનું માલૂમ પડેલું છે, તો કેટલીક ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વિશિષ્ટ પ્રકારના પ્રજનન-કોષની ક્ષમતા પણ હોય છે. આવું જ પ્રાણીઓમાં પણ હોય છે; તેથી હરિત દ્રવ્ય કે હીમોગ્લોબિન વગરનાં કેટલાંક સૂક્ષ્મ જીવનસ્વરૂપોને વનસ્પતિ કે પ્રાણી તરીકે ઓળખાવવાનું અઘરું થઈ પડે છે. આ તથ્યને ધ્યાનમાં લેતાં ભારતીય આર્ષદ્રષ્ટાની જેમ વૈજ્ઞાનિકને પણ જીવન માટેની પાયાની એકસૂત્રતાનો સ્વીકાર કરવાની ફરજ પડે છે.

કેટલાંક આદિ જીવન-સ્વરૂપો અન્ય જીવન-સ્વરૂપોનું ભક્ષણ કરતાં જઈને પોતાની પ્રચલન-ક્ષમતા સુધારતાં ગયાં. ત્યારપછીથી કેટલાક પ્રકારોએ દુશ્મનોથી પોતાનું રક્ષણ કરવા માટે અથવા જળમાં ઝડપી હેરફેર કરી શકે તે માટે સખત શારીરિક આવરણ-કવચ તૈયાર કર્યાં. આમ પૃથ્વી પર જીવનની પ્રગતિ ભૌતિક-ભૌગોલિક પરિસ્થિતિને અનુસરીને સતત અનુકૂલન સાધતી રહી. આ બાબતની ખાતરી જળકૃત ખડકોમાંના જીવાવશેષોના ક્રમશ: બદલાતાં ગયેલાં વિવિધ સ્વરૂપો અને પ્રમાણ પરથી થઈ રહે છે. જો જળકૃત ખડકોનો તેમની જમાવટના કાળના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે અને તેમના પ્રત્યેક સ્તરમાંથી જીવાવશેષ કાઢીને તે ભેગા કરવામાં આવે તો જીવન-વિકાસ(ભૂસ્તરીય ઇતિહાસ)નો સળંગ ક્રમ ગોઠવી શકાય. ઑઇસ્ટર કે ઘોડા જેવાં જીવંત પ્રાણીઓમાં તેમજ ત્રિખંડી કે ઍમોનાઇટ જેવાં વિલુપ્ત પ્રાણીઓમાં થયેલી સતત ઉત્ક્રાંતિનાં ક્રમબદ્ધ વલણોનો ખ્યાલ મળી રહે છે. જીવનના પ્રારંભ વખતે તો જેલી જેવી દેહરચનાવાળાં નિમ્ન કોટિનાં અને સૂક્ષ્મ કદનાં જીવનસ્વરૂપો હતાં, જેમની જાળવણી શક્ય ન હતી; તેથી તે જીવાવશેષરૂપે મળતાં નથી. પછીના ભૂસ્તરીય કાળ દરમિયાન, મૃદુદેહધારી પ્રાણીઓએ સ્વરક્ષણાત્મક હેતુઓ માટે કવચ કે હાડપિંજર જેવા સખત ભાગોનો વિકાસ કર્યો. તેમના જીવનસ્વરૂપોના અવશેષો (જીવાવશેષો) જળવાઈ શક્યા. આનો અર્થ એવો ઘટાવી શકાય કે સુવિકસિત પ્રાણીઓના જીવાવશેષો ± 50થી ± 60 કરોડ વર્ષથી વધુ જૂના ખડકોમાંથી ઉપલબ્ધ થતા નથી. આ ઉપરથી એવું સમજાય છે કે આ કાળગાળાથી જૂનાં પ્રાણીઓ સખત કવચવિહીન, માત્ર મૃદુદેહદારી હોવાથી તેમની જાળવણી થઈ શકી નહિ હોય અથવા તો કદાચ જીવાવશેષની જાળવણી થઈ પણ હોય તો જ્વાળામુખી-પ્રક્રિયાથી અથવા ભૂસંચલન દ્વારા સમુદ્રતળના સ્તરોનું ગેડીકરણ થવાથી કે વિકૃતિમાં સંડોવાવાથી કે ઉત્થાન પછી સ્તરોના ઘસાઈ જવાથી તે નાશ પામ્યાં હોય.

હિંદુ શાસ્ત્રમાંના અવતારવાદના સિદ્ધાંતના સંદર્ભમાં ભૂસ્તરીય કાળને – ભૂસ્તરશાસ્ત્રના ઇતિહાસને મૂલવતાં માછલીથી માનવી સુધીના મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન (કપિ અથવા આદિમાનવ સ્વરૂપ), પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ (અર્થાત્ સંહાર-મર્યાદા-મુત્સદ્દીપણું, શાંતિ-અહિંસા = સંસ્કૃતિનો વિકાસ) સંભવત: ઉત્ક્રાંતિની સંકલ્પનાનું સંજ્ઞાકારક મૂર્તસ્વરૂપ રજૂ કરે છે અને આમ તદ્દન સરળ જીવનસ્વરૂપોમાંથી વિકાસનાં સોપાન ક્રમશ સર થતાં માનવ જેવા જટિલ સ્વરૂપ સુધીની ઉત્ક્રાંતિનાં લક્ષણોનો આબેહૂબ ચિતાર ખડો કરે છે.

પૃથ્વીનું વય : પૃથ્વીના વયની ગણતરી ભૂસ્તરીય કાળના ઉદાહરણ તરીકે આપી શકાય. પૃથ્વી પર જળકૃત ખડકોની કુલ જાડાઈ (aggregate thickness) 15 કિમી. હોવાની ગણતરી મુકાઈ છે. એવો એક અંદાજ મુકાયો છે કે 30 સેમી.નો થર ઘસાવા માટે ± 5થી 10 હજાર વર્ષ લાગે છે; તે દર મુજબ, જ્યારથી કણજમાવટ શરૂ થઈ ત્યારથી આજ સુધીનું પૃથ્વીનું વય ± 50 કરોડ વર્ષનું થાય છે. પ્રત્યેક ક્ષણે ખડકો ઘસાય છે, ધોવાણ અને ખવાણ પામે છે. તેમાંથી ક્ષારો છૂટા પડી જલવહન દ્વારા સમુદ્ર-મહાસાગર તળ પર જમા થાય છે. ક્ષારતાના દર મુજબ પણ પૃથ્વીનું વય નક્કી કરી શકાય છે. ચોકસાઈ ભરી પદ્ધતિઓ મુજબ પૃથ્વીનું વય 460 કરોડ વર્ષનું મુકાયું છે. આ માટે કિરણોત્સારી પદ્ધતિ વધુ ચોકસાઈભરી નીવડી છે, જે મુજબ સ્થાનભેદે મળતા આર્કિયન કાળના પ્રાપ્ય પ્રાચીનતમ ખડકોનું વય 380થી 420 કરોડ વર્ષ હોવાનું નક્કી થયું છે (ભારતના જૂનામાં જૂના ખડકનું વય 350 કરોડ વર્ષનું મુકાયું છે). જૂનામાં જૂના ખડક કરતાં પણ પૃથ્વી તો વધુ જૂની ગણાય.

જીવાવશેષો ભૂસ્તરીય કાળનિર્દેશક તરીકે : પોપડાના ખડકોની રચનાનો કાળક્રમ વર્ષોમાં ગણવાનું ભૂસ્તરીય ર્દષ્ટિએ અનુકૂળ પડતું નથી. તેને બદલે જીવાવશેષોના અભ્યાસ પરથી ઘટના-નિર્ધારણ કરવાનું વધુ યોગ્ય ગણાય છે. પૃથ્વીના ભૂસ્તરીય ઇતિહાસમાંનો પાયાનો સિદ્ધાંત ‘સ્તરાનુક્રમનો નિયમ’ (law of superposition) આ માટે વધુ કારગત નીવડ્યો છે. ખડકોની વિક્ષેપરહિત સ્તરશ્રેણીમાં થતું શારકામ ઊંડાઈ તરફ જતાં ક્રમશ: નવા વયના સ્તરોમાં થઈને જૂના વયના સ્તરોમાં પસાર થાય છે; પરંતુ બધે જ બધા સ્તરો મળતા હોતા નથી – ક્યાંક કેટલાક જામ્યા હોય, કેટલાક ન પણ જામ્યા હોય. જામ્યા હોય અને પછીથી તે પૈકીના કેટલાક ઘસાઈ પણ ગયા હોય. ક્યાંક ભૂસંચલનને કારણે વ્યસ્ત પણ બની ગયા હોય એટલે કોઈ પણ સ્તરનું કે ખડકનું વય તેમાં રહેલા જીવાવશેષો (જો તેમાં હોય તો) પરથી નિર્ધારિત કરવું વધુ ઉચિત ગણાય. આ નિયમને સ્તરવિદ્યામાં ‘જીવાવશેષોથી પરખાતા સ્તરોનો નિયમ’ (law of strata identified by fossils) કહે છે.

સ્તરાનુક્રમના નિયમને અનુસરીને, પ્રથમથી આજ સુધીના ખડકસ્તરો જેમ જેમ તે જમાવટ પામતા ગયા હોય તેમ તેમ જો ગોઠવાય તો તેમાંના જીવાવશેષો મુજબ, એક વ્યવસ્થિત પ્રમાણભૂત કાલક્રમ તૈયાર કરી શકાય. એ જ રીતે, તે ખડકોમાંના કેટલાક કે બધા જ જીવાવશેષો પણ તે કાલક્રમ મુજબ ગોઠવી શકાય. તે પૈકીનાં સાદાં કે જટિલ જીવાવશેષ-સ્વરૂપોનો ક્રમબદ્ધ અભ્યાસ પણ કરી શકાય. સરળ સ્વરૂપો જૂના ખડકોમાં અને જટિલ સ્વરૂપો નવા ખડકોમાં તેમના ઉત્ક્રાંતિ અને ભૂસ્તરીય કાળ મુજબ મળી શકે. જૂનાં પૈકીનાં કેટલાંક કે ઘણાં વિલુપ્ત થઈ ગયાં હોય. આજે જે જીવંત હોય, તેનાંથી તે ઘણી રીતે અલગ તારવી શકાય. જેમ જેમ નવી વયના સ્તરો તરફ જવાય તેમ તેમ પ્રાપ્ત જીવનસ્વરૂપો, શક્ય છે કે પછીનાં જીવનસ્વરૂપોને મળતાં આવતાં હોય. પૃથ્વીના લાંબા કાળગાળામાં તૈયાર થયેલાં જીવનસ્વરૂપો સંજોગો અનુસાર બદલાતાં ગયાં હોય, પણ ભૌતિક-પ્રાકૃતિક પરિબળો ખાસ બદલાયાં ન હોય (જુઓ, એકરૂપતાવાદ), કારણ કે કરોડો વર્ષોના કાળગાળામાં અગાઉના વખતમાં થયેલા રેતીખડકો, શેલ, ચૂનાખડકો અને તેમાં જોવા મળતી સંરચનાઓ તે પછીના વખતમાં પણ થયેલી છે અને થયે જાય છે. ભૂપૃષ્ઠ સ્વરૂપો કે લક્ષણો જરૂર બદલાતાં ગયાં છે; દા. ત., આજે જ્યાં હિમાલય કે આલ્પ્સ છે ત્યાં ભૂતકાળમાં દરિયો હતો. પુરાવો સ્પષ્ટ છે કે માઉન્ટ એવરેસ્ટ દરિયાઈ જીવાવશેષોવાળા ચૂનાખડકથી બનેલો છે. પ્રાચીન ખડકોમાં જળવાયેલા પ્રાણી-વનસ્પતિ-અવશેષો આજના જીવંત પ્રાણી-વનસ્પતિથી એટલાં બધાં તો જુદાં પડી આવે છે કે તે વિલુપ્ત થયેલાં ગણાય છે. દરેક સમૂહ-જાતિ-ઉપજાતિને નભવા-ટકવા માટે ચોક્કસ સ્થિતિ-સંજોગવાળો કાળગાળો હોય છે, જે બદલાઈ જતાં તે વિલુપ્ત પામતાં જાય છે; જૂનાં જીવનસ્વરૂપોની જગા નવાં લે છે. તેમનો કાળગાળો, સ્થિતિ-સંજોગ જુદાં હોય છે. ભૌતિક–પ્રાકૃતિક સંજોગોનું આવર્તન શક્ય છે, પણ જીવનસ્વરૂપો તો બદલાતાં રહે છે; તેથી જ જે સ્તરમાં જે વિશિષ્ટ જીવાવશેષ જળવાયેલો મળે તેની લાક્ષણિકતા પરથી તે સ્તર સરળતાથી પરખાય. એક જ પ્રકારના, સરખા લક્ષણવાળા જીવાવશેષ દૂર દૂર રહેલા જુદા જુદા સ્તરોમાં મળે તો તે સ્તરો એક જ કાળગાળામાં જામ્યા છે તે નક્કી કરી તેમનો અન્યોન્ય સહસંબંધ સ્થાપિત કરી શકાય, તથા તે તે સ્તરોને સમકાલીન ગણાવી શકાય. આમ સમકાલીનતા (homotaxis) અને સહસંબંધ (correlation) ભૂસ્તરીય કાળના સંદર્ભમાં સ્તરવિદ્યાત્મક અભ્યાસમાં મહત્વના મુદ્દા બની રહે છે.

આ રીતે જીવાવશેષયુક્ત સ્તરોના અભ્યાસ પરથી ભૂસ્તરીય કાલસંગ્રહ (geological time record) તૈયાર થાય તેના પરથી ભૂતકાળમાં થયેલા તેમના વિકાસ-ઉત્ક્રાંતિ-વિતરણનો ખ્યાલ આવી શકે. સ્થળનાં સ્થિતિ-સંજોગ, ભૂમિ-જળ-વિતરણ, અવતલન-ઊર્ધ્વગમન, ભૂસંચલન વગેરે જેવી ઘટનાઓ નક્કી થઈ શકે. આ ઉપરથી ભૂસ્તરીય ઇતિહાસની તવારીખ ગોઠવી શકાય. જોકે પ્રદેશભેદે તેમાં ફેરફાર હોઈ શકે. દરેક પ્રદેશમાં એકસરખા ખડકો ન પણ હોય, સળંગ કણજમાવટ ન પણ થઈ હોય; તેમ છતાં ઉપલબ્ધ જુદી જુદી, જેટલી શક્ય હોય તેટલી વિગતોને એકત્રિત કરીને તેમનો સ્તરવિદ્યાત્મક, જીવાવશેષાત્મક કે ઘટનાત્મક આંતરસંબંધનો મેળ બેસાડવો પડે.

ભૂસ્તરીય કાળના વીતવા સાથે જુદી જુદી ભૂસ્તરીય ઘટનાઓ આકાર લેતી હોય છે. સમુદ્ર-મહાસાગરો વિલુપ્ત થતા જાય છે તો બીજા કેટલાક નવા બનતા જાય છે. ખંડો ખસે છે, પરસ્પર ઘસાય કે અથડાય છે, એકબીજા નીચે દબે છે કે એકબીજા પર ચઢી જાય છે અથવા તો તેમનાં સંધાન થાય છે. આબોહવાત્મક ફેરફારોને અધીન હિમનદીઓ વૃદ્ધિ પામે છે કે ઓગળે છે, તે મુજબ સમુદ્રજળસપાટીમાં વધઘટ – અતિક્રમણ કે અપક્રમણ થાય છે. ભૂપૃષ્ઠના ખડકોમાં ઘસારો, ખવાણ, ધોવાણ થાય છે, શિલાચૂર્ણ ઉત્પન્ન થાય છે, તેમનું સ્થાનાંતર અને નિક્ષેપક્રિયા થાય છે, નવા સ્તરો બંધાતા જાય છે. ભૂસંચલનક્રિયાને કારણે તે ઉત્થાન પામે છે, પર્વતમાળાઓ રચાય છે. સ્થિતિસંજોગો મુજબ જીવન પાંગરે છે, વિકસે છે, સ્થળાંતર કરે છે, ઉત્ક્રાંત પામે છે કે વિલુપ્ત પણ થાય છે.

સ્થળ અને કાળ મુજબ પૃથ્વી પર બધું જ ફેરફારોને ગ્રાહ્ય હોય છે. કોઈ પણ સ્થાનની પૂર્ણ ભૂસ્તરીય માહિતી અને તેનાં પાસાંને જાણવા માટે ભૂસ્તરીય કાળનો સંદર્ભ મહત્વનો બની રહે છે. વિવિધ પ્રકારના ખડકોના આંતરસંબંધો, તેમનાં સંરચનાત્મક માળખાં, તેમનાં બંધારણ, તેમના પર થતી પરિસ્થિતિની અસરો વગેરે પરથી તેમનો કાલાનુસારી ઇતિહાસ સર્જાતો જાય છે. ભૂસ્તરશાસ્ત્રીઓ માટે આ ઇતિહાસ અગત્યનો બની રહે છે. પૃથ્વીના પટ પરનો કોઈ પણ વિસ્તાર લઈએ – પછી તે ભારત હોય, આફ્રિકા કે અમેરિકા હોય ! ભારતની અરવલ્લી પર્વતમાળા હોય, યુરોપીય કે એશિયાઈ આલ્પ્સ-હિમાલય પર્વતમાળા હોય, ભારતીય, કૅનેડિયન, બ્રાઝિલિયન, બાલ્ટિક કે સ્કૅન્ડિનેવિયન ભૂકવચ હોય – પ્રાચીન ખડકો મોટેભાગે ઢ અને સખત હોય છે; જ્યારે શિવાલિકના, ગંગા-જમના-સિંધુ-બ્રહ્મપુત્રનાં મેદાનોના, કોલોરાડો ખીણના નવા ખડકો મોટેભાગે નરમ કે બિનઢીભૂત હોય છે. આમ પૃથ્વી પરનો પ્રત્યેક ખડક કાલ મુજબ પોતાનો ઇતિહાસ રજૂ કરે છે. જુદા જુદા સ્થળના એક જ કાળના ખડકો સંજોગોને આધારે જુદા જુદા પ્રકારના અને જુદી જુદી અસરવાળા હોઈ શકે. આ રીતે પ્રી-કૅમ્બ્રિયનથી અર્વાચીન કાળના ખડકો પોતાનાં અલગ લક્ષણો દર્શાવતાં હોય છે. પ્રી-કૅમ્બ્રિયનના જૂના ખડકો વધુ વિરૂપ – જટિલ હોય છે, જ્યારે ચતુર્થ જીવ-યુગના નવા ખડકો ઓછા વિરૂપ અને બિનસંશ્ર્લેષિત હોય છે. આમ પૃથ્વી પરનું પ્રત્યેક દ્રવ્ય ભૂસ્તરીય કાળ મુજબ તેમનાં લક્ષણો દર્શાવતું હોય છે.

જુદા જુદા ભૂસ્તરીય કાળમાં ઘટેલી વિવિધ ઘટનાઓ

યુગ કાળ કાળખંડ કાળ/કાળખંડનું વ.પૂ. વય (વર્ષ) કાળ અવધિ (વર્ષ) જૈ   વિ   ક   ઘ   ટ   ના   ઓ
પ્રાણી-સમુદાય વનસ્પતિ-સમુદાય ભૂસ્તરીય ઘટનાઓ
 1  2   3     4     5      6      7       8
 

 

ચતુર્થ જીવયુગ અર્વાચીન 10,000 વર્ષ 10,000 વર્ષ ‘‘માનવ કાળ’’ ઉત્ક્રાંતિની કક્ષામાં માનવ તૈયાર થાય છે. નાભિવાળાં પ્રાણીઓ, પક્ષીઓ અને માછલી- ઓનું પ્રાધાન્ય. ઘણાં સસ્તન પ્રાણીઓનો વિલોપ થાય છે. પ્રારંભિક કક્ષાનો માનવ. એકદળી અને દ્વિદળી વનસ્પતિનું પ્રાધાન્ય.  –
પ્લાયસ્ટોસીન 20 લાખ વર્ષ 19 લાખ 90 હજાર વર્ષ વિષમ આબોહવાત્મક ફેરફારોને લીધે અતિ શીત કાળગાળો. હૂંફાળા આંતર- હિમકાળ સહિતના ચાર હિમયુગો.
તૃતીય જીવયુગ પ્લાયોસીન 1.2 કરોડ વર્ષ 6.5 કરોડ વર્ષ ઘોડા, હાથી, ગોરીલા જેવાં સસ્તન પ્રાણી- ઓની વિવિધ જાતોનું પ્રાધાન્ય. પ્રથમ અંગુષ્ઠ- ધારી ઉત્ક્રાંત. આ કાળ ‘સસ્તન પ્રાણીઓના કાળ’ તરીકે ઓળખાય છે. કપિ-માનવનો ઉદય ઘાસ. સપુષ્પ વનસ્પતિનો પ્રચુર માત્રામાં વિકાસ. ખંડો અને મહાસાગરોનું આજે જોવા મળતું વિતરણ તૈયાર થાય છે. આલ્પ્સ અને હિમાલય જેવી અર્વાચીન પર્વતમાળાઓ તૈયાર થવા માટેની ‘ગિરિનિર્માણ ઘટના’ ચાલે છે. ભારત એશિયા સાથે અથડાય છે.
માયોસીન 2 કરોડ વર્ષ
ઑલિગોસીન 3.5 કરોડ વર્ષ
ઇયોસીન 5.5 કરોડ વર્ષ
પૅલિયોસીન 6.5 કરોડ વર્ષ
 

 

 

ક્રિટેસિયસ ઊર્ધ્વ 9 કરોડ વર્ષ 7.5 કરોડ વર્ષ સરીસૃપો અને ડાય- નૉસૉર પ્રાણીઓનો મોટા પાયા પર વિલોપ. વાસ્તવિક પક્ષી-સ્વરૂપો અને પ્રારંભિક સસ્તન પ્રાણીઓનો ઉદય પ્રારંભિક સપુષ્પ વનસ્પતિ. દુનિયાભરમાં ભૂમિ ઉત્થાન ; લૉરેશિયા ખંડનું ભંગાણ; ઉત્તર અમેરિકા-યુરોપ અલગ પડે છે. ગોંડવાના ભૂમિસમૂહ- માં ભંગાણ; ભારતનો ભૂમિભાગ ઑસ્ટ્રેલિયા અને ઍન્ટાર્ક્ટિકાથી અલગ પડે છે. આફ્રિકા અને દક્ષિણ અમેરિકા અરસપરસ જુદા પડતા જાય છે. એન્ડીઝ-રૉકી ગિરિનિર્માણ. પૃથ્વીના પટ પર સમુદ્રોનું વિસ્તરણ.
મધ્ય 12 કરોડ વર્ષ
નિમ્ન 14 કરોડ વર્ષ
જુરાસિક (યુરોપના જુરા પર્વતો પરથી નામ)

 

ઊર્ધ્વ 15.5 કરોડ વર્ષ 4.5 કરોડ વર્ષ ડાયનૉસૉર પ્રાણીઓનું પુષ્કળ પ્રમાણ; ઊડતા સરીસૃપો; પ્રારંભિક કક્ષાનાં પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓનો ઉદય. પ્રારંભિક સપુષ્પ વનસ્પતિની શરૂઆત; અપુષ્પ વનસ્પતિનું પ્રાધાન્ય. પેન્ગિયાની ગોંડવાના અને લૉરેશિયામાં અલગ પડવાની ક્રિયા; આટલાન્ટિક મહાસાગરનો વિકાસ. ખંડીય અપવહન દ્વારા આફ્રિકા અને ઉ. અમેરિકા અલગ પડે છે.
મધ્ય 17 કરોડ વર્ષ
નિમ્ન 18.5 કરોડ વર્ષ
ટ્રાયાસિક (ત્રણ વિભાગો પરથી નામ) ઊર્ધ્વ 20 કરોડ વર્ષ 4.5 કરોડ વર્ષ ‘સરીસૃપોનો કાળ’. સરીસૃપો અને ડાયનૉસૉરનું જુદી જુદી પ્રજાતિઓમાં વિસ્તૃતીકરણ. માછલીઓ અને ઈંડાં મૂકતાં સસ્તન પ્રાણીઓનો ઉદય. ઉભયજીવી પ્રાણીઓ અશ્ય. પ્રારંભિક કક્ષાની સપુષ્પ વનસ્પતિનો ઉદય. પેન્ગિયા પૂર્ણ સ્વરૂપ પામે છે. યુરોપની વચ્ચે વચ્ચે મહાસાગરના વિભાગો પ્રસરે છે; યુરોપ અને એશિયાનું સંકોચન. યુરલ પર્વતોની રચના.
મધ્ય 21.5 કરોડ વર્ષ
નિમ્ન 23 કરોડ વર્ષ
1  2   3     4     5    6      7       8
 

 

 

પર્મિયન (રશિયાના ‘પર્મિયા’ પ્રદેશ પરથી નામ) ઊર્ધ્વ 24.5 કરોડ વર્ષ 4.5 કરોડ વર્ષ દરિયાઈ જીવનનાં ઘણાં સ્વરૂપોનો વિલોપ. અર્વાચીન કીટાણુઓનો ઉદય. સરીસૃપોનું વિસ્તૃતીકરણ. નવી ભૂમિ વનસ્પતિનો ઉદય. યુરલ પર્વતોનું ઉત્થાન થાય છે. પ્રાચીન આટલાન્ટિક સંકોચાઈ જાય છે. પેન્ગિયાનું ભૂમિસ્વરૂપ તૈયાર થાય છે, પણ તેમાં રણના સંજોગો ઉદભવે છે. ગરમ આબોહવા.
મધ્ય 26 કરોડ વર્ષ
નિમ્ન 27.5 કરોડ વર્ષ
કાર્બોનિફેરસ (કોલસાનું પ્રચુર પ્રમાણ મળતું હોવાથી નામ) પેન્સિલવેનિ-યન 31 કરોડ વર્ષ

 

7.5 કરોડ વર્ષ ‘ઉભયજીવીઓનો કાળ’. સરીસૃપોનો ઉદય. પાંખોવાળા કીટાણુઓ; શાર્કની વિપુલતા. અપુષ્પ વનસ્પતિનો ઉદય; જેમાંથી કોલસો તૈયાર થયેલો છે તે વનસ્પતિની વિપુલતા. ઍપેલેશિયન ગિરિનિર્માણ. પ્રાચીન ગોંડવાના ભૂમિસમૂહ દક્ષિણ ધ્રુવની આજુબાજુ ગોઠવાય છે, તેની ઉપર ધ્રુવીય બરફનું આવરણ તૈયાર થાય છે.
મિસિસિપિયન 35 કરોડ વર્ષ
ડેવોનિયન (ઇંગ્લૅન્ડના ડેવોનશાયર પરથી નામ) ઊર્ધ્વ 36.5 કરોડ વર્ષ 5 કરોડ વર્ષ જીવન-સ્વરૂપોનું વૈવિધ્ય; ‘મત્સ્ય યુગ’ ઑસ્ટ્રાકોડર્મ્સ અને પ્લેસોડર્મ્સનું પ્રાધાન્ય. કીટાણુઓનું પ્રાધાન્ય. ભૂમિ પર સર્વપ્રથમ પ્રાણીજીવન; ઉભયજીવી પ્રાણીઓ તૈયાર થાય છે. બીજધારી વનસ્પતિ અને હંસરાજ. ગિરિનિર્માણ તેની સર્વોચ્ચ કક્ષાએ. લૉરેશિયાની રચના. ડેવોનશાયર પરથી નામ)
મધ્ય 38.5 કરોડ વર્ષ
નિમ્ન 40 કરોડ વર્ષ
 

 

 

સાઇલ્યુરિયન (પ્રાચીન બ્રિટિશ જાતિ ‘સાઇલ્યુરીઝ’ પરથી નામ) 42 કરોડ વર્ષ 2 કરોડ વર્ષ પ્રથમ પૃષ્ઠવંશીઓ (જડબાંવિહીન માછલીઓ). કીટાણુઓનો સર્વપ્રથમ વાર ઉદય. ભૂમિ-વનસ્પતિનો ઉદય. ઉત્તર અમેરિકા સાથે યુરોપની અથડામણથી કૅલિડોનિયન ગિરિનિર્માણ થાય છે.
ઑર્ડોવિસિયન (પ્રાચીન બ્રિટિશ જાતિ ‘ઑર્ડોવાઇસીઝ’પરથી નામ) ઊર્ધ્વ 44 કરોડ વર્ષ ‘અપૃષ્ઠવંશીઓ પ્રાણીઓનો યુગ’. પરવાળાં, કવચધારી જીવન સ્વરૂપો તેમજ અન્ય અપૃષ્ઠવંશી પ્રાણીઓ, બખ્તરધારક માછલીઓનો ઉદય.      – મોટા પાયા પર ખંડીય અપવહન; પ્રાચીન આટલાન્ટિકનું સંકોચન થવાનું શરૂ થાય છે; પૃથ્વીના પટ પર મહાસાગરોનો વ્યાપ.
મધ્ય 46 કરોડ વર્ષ 7 કરોડ વર્ષ
નિમ્ન 49 કરોડ વર્ષ
કૅમ્બ્રિયન (વેલ્સના જૂના વૈકલ્પિક નામ ‘કેમ્બ્રિયા’ પરથી) 57 કરોડ વર્ષ 8 કરોડ વર્ષ અપૃષ્ઠવંશીઓના બધા જ સમૂહોની વિપુલતા. જીવનસ્વરૂપોની જાણકારી અવશેષો રૂપે આ કાળથી શરૂ થાય છે.    – ત્યારે ઍન્ટાર્ક્ટિકા ખંડ વિષુવવૃત્ત પર સ્થિત હતો. સમુદ્રો છીછરા અને વિસ્તૃત હતા.
 

 

પ્રોટેરોઝોઇક (પ્રાગ્-જીવયુગ) 160 કરોડ વર્ષ 103 કરોડ વર્ષ અપૃષ્ઠવંશી પ્રાણીઓનો ઉદય. બૅક્ટેરિયા, લીલ, ફૂગનો ઉદય. સમુદ્રો અને ખંડો સ્વરૂપે પૃથ્વીએ તેનો આકાર મેળવી લીધો છે. ખંડોની અપવહનની ક્રિયા ચાલતી હતી. જ્વાળામુખી-પ્રસ્ફુટન મોટા પાયા પર ચાલુ હતું. પ્રી-કૅમ્બ્રિયન ખડકો દુનિયાભરમાં ભૂકવચ-સ્વરૂપોમાં રચાતા હતા.
આર્કિયન 360 કરોડ વર્ષ 200 કરોડ વર્ષ એકકોષીય જીવન-સ્વરૂપો.
પૃ થ્વી ની ઉ ત્પ ત્તિ 4 6 0 ક રો ડ વ ર્ષ.

ગિરીશભાઈ પંડ્યા