ભૂસ્તરીય કાળમાપન (geochronometry) : U238, U235, Th232, Rb87, K40 અને C14 જેવા સમસ્થાનિકોના કિરણોત્સારી ક્ષય પર આધારિત પદ્ધતિઓનો ઉપયોગ કરીને પૃથ્વીના ખડકોના નિરપેક્ષ(absolute age)ના નિર્ધારણનો અભ્યાસ કરતી વિજ્ઞાનશાખા. આ પ્રકારની ક્ષયમાપન-પદ્ધતિઓ દ્વારા પૃથ્વી અને ઉલ્કાઓનાં વય, પૃથ્વીના જૂનામાં જૂના ઉપલબ્ધ ખડકોનાં વય, ભૂસ્તરીય કાળક્રમમાં ઘટેલી મહત્વની ઘટનાઓનાં વય અને અવધિ, વિવિધ જીવનસ્વરૂપોની ઉત્ક્રાંતિનો દર, પોપડાની ઉત્ક્રાંતિમાં ઘટેલી મુખ્ય ઘટનાઓનાં સમય અને અવધિ, ખંડીય હિમનદીઓનાં અતિક્રમણ અને પીછેહઠ તેમજ માનવસંસ્કૃતિની ઉત્ક્રાંતિનો તાગ મેળવી શકાય છે. સમસ્થાનિક આધારિત કાળમાપનપદ્ધતિઓ દ્વારા અત્યંત ચોકસાઈભર્યું વયનિર્ધારણ શક્ય બન્યું છે, આ કારણે ભૂસ્તરીય કાળનો અંદાજ કાઢી આપતી અગાઉની માત્રાત્મક પદ્ધતિઓ હવે કાલગ્રસ્ત ગણાય છે. આ પદ્ધતિઓ અપનાવવાથી જુદાં જુદાં ભૂવિજ્ઞાનો માટે જરૂરી માત્રાત્મક વિગતો પણ મેળવી શકાય છે.
ગિરીશભાઈ પંડ્યા