ભૂસંચલનજન્ય ગિરિમાળાઓ

January, 2001

ભૂસંચલનજન્ય ગિરિમાળાઓ (tectonic mountain belts) : ભૂસંચલનથી અસ્તિત્વમાં આવતી ગિરિમાળાઓ. કોઈ પણ ગિરિમાળા તૈયાર થવા માટે ઘણો લાંબો ભૂસ્તરીય કાળગાળો જરૂરી બને છે, તેને ગિરિનિર્માણ કાળગાળો કહે છે. ઘટનાને ગિરિનિર્માણ (orogeny) અને ગિરિમાળા રચાવા માટે જવાબદાર પ્રક્રિયાને ગિરિનિર્માણપ્રક્રિયા (orogenesis) કહે છે. ગિરિનિર્માણ-કાળગાળા દરમિયાન થતી રહેતી વિવિધ પ્રક્રિયાઓને પરિણામે ઘનિષ્ઠ અને વિરૂપતાઓવાળા ગેડપર્વતપટ્ટાઓ રચાતા જાય છે. પૃથ્વીના પટ પર જોવા મળતા પર્વતપટ્ટાઓ વિશાળ થાળાંઓમાં લાખો-કરોડો વર્ષ સુધી જામતી રહેતી કણજમાવટથી બનેલી સ્તરશ્રેણીઓ પર ભૂસંચલનજન્ય વિરૂપતાઓ અને ગેડોનાં ઉત્થાન પામેલાં પરિણામી સ્વરૂપો છે. આવી ગિરિમાળાઓમાં જ્વાળામુખી પ્રક્રિયાઓ અને મોટા પાયા પરનાં આંતરિક અંતર્ભેદનો પણ સામેલ થયેલાં હોય છે.

અરવલ્લી, હિમાલય, આલ્પ્સ, ઍપેલેશિયન, રૉકીઝ, ઍન્ડીઝ અને કૉર્ડિલેરન પર્વતમાળાઓ આ પ્રકારનાં ઉદાહરણો છે. ગિરિમાળાઓના પટ્ટા ઘણી લંબાઈમાં વિસ્તરેલા રેખીય કે કમાનાકાર હોય છે, જેમાં નિક્ષેપજન્ય જળકૃત વિભાગો, વિરૂપતાજન્ય અને વિકૃતિજન્ય વિભાગો તેમજ જ્વાળામુખી અને અંતર્ભેદનોના વિભાગોને અલગ તારવી શકાય છે. આ વિભાગો અનિયમિત હોવા છતાં લગભગ સમાંતર પણ હોય છે. ગિરિમાળાઓના પટ્ટાઓનાં ભૌમિતિક સ્વરૂપો ઘણાં જટિલ હોય છે. તેમાં દરિયાઈ નિક્ષેપો, ખંડીય પોપડો, સમુદ્રી પોપડો અને ભૂમધ્યાવરણના વિભાગોનો પણ સમાવેશ થતો હોય છે. નિક્ષેપોનું કક્ષાકીય વિકૃતીકરણ, સ્તરભંગો, ધસારા-સ્તરભંગો અને નૅપ રચનાઓ જેવાં લક્ષણો તેમની વિશિષ્ટતાઓ બની રહે છે.

ભૂસ્તરશાસ્ત્રીઓ માટે પર્વતીય પટ્ટાઓ સમસ્યાઓથી ભરપૂર અભ્યાસનો વિષય રહ્યો છે. ક્યારેક અવલોકનોનાં અર્થઘટનો વિષયસૂઝ માગી લે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં કરવામાં આવેલા ભૂકંપશાસ્ત્રીય અને સમુદ્રતલીય સંશોધન-અભ્યાસે પર્વતરચનાઓ થવા માટેના સિદ્ધાંતોની નવી ક્ષિતિજો ખોલી આપી છે.

પ્રત્યેક ખંડનો મોટોભાગ પર્વતપટ્ટાઓથી બનેલો હોય છે. અરવલ્લી કે ઍપેલેશિયન જેવા કેટલાક પર્વતપટ્ટાઓ ઘણા જૂના ભૂસ્તરીય વયના હોય છે, જે ઓછાવત્તા પ્રમાણમાં ઘસાઈ જઈને ઊંચાઈમાં ઘટી ગયેલા છે. બીજા કેટલાક નવા વયના અને ઘણી ઊંચાઈવાળા હોય છે. ભૂપૃષ્ઠ પરના નવા વયના પર્વતપટ્ટાઓને બે વિસ્તૃત રેખીય હારમાળાઓમાં વહેંચી નાખેલા છે : એક, પૂર્વ-પશ્ચિમ લંબાયેલો ભૂમધ્ય-પટ્ટો છે, જે સ્પેનથી એક તરફ મોરૉક્કો સુધી અને પૂર્વ તરફ છેક મલાયા અને ઈસ્ટ ઇન્ડિઝ સુધી વિસ્તરેલો છે. બીજો એક પટ્ટો પૅસિફિકની કિનારીને ફરતો ચાલ્યો જાય છે, જેમાં અલાસ્કાની હારમાળા, કૉર્ડિલેરનો સંકુલ, રૉકીઝ, ઍન્ડીઝ, પૂર્વ એશિયાઈ દ્વીપસમૂહો તેમજ ન્યૂઝીલૅન્ડ અને ન્યૂગિનીના પર્વતોનો સમાવેશ થાય છે.

ગિરિમાળાઓના પટ્ટાઓને જુદા ર્દષ્ટિકોણથી મૂલવતાં, મોટાભાગનાં પર્વત-સંકુલો કે રચનાઓ ઘણી હારમાળાઓથી બનેલાં જણાય છે. તે સરખાં સામાન્ય ભૂસ્તરીય લક્ષણો ધરાવતાં હોય છે. સ્થળર્દશ્યનાં લક્ષણો, બેશક, જુદાં પડી શકે. હિમાલય અને આલ્પ્સ ભૂસ્તરીય લક્ષણોમાં સરખા ગણી શકાય, બંને ઘણી હારમાળાઓથી બનેલા છે. ઉત્તર અમેરિકાના કૉર્ડિલેરા પર્વતજૂથમાં 20 જેટલી હારમાળાઓ છે. તેમનાં વર્ગીકરણ ભલે જુદાં હોય, તેનો પશ્ચિમ અમેરિકી વિભાગ ઘણાં જટિલ લક્ષણોવાળો છે. કૅલિફૉર્નિયાથી પૂર્વ તરફ જતાં કોસ્ટ રેઇન્જ, ગ્રેટ વૅલી, સિયેરા નેવાડા, બેસિન ઍન્ડ રેઇન્જ સંકુલ, કોલંબિયા અને કૉલોરાડોના ઉચ્ચસપાટ પ્રદેશો અને રૉકીઝ પર્વતો વિસ્તરેલા છે.

નવા ભૂસ્તરીય વયના કેટલાક પર્વતીય પટ્ટા ભૂકંપને ગ્રાહ્ય વિસ્તારો પણ બની રહેલા છે; દા.ત., હિમાલયનો ઈશાની વિસ્તાર, પાકિસ્તાનનો ક્વેટા વિસ્તાર, કોસ્ટ રેઇન્જ. કેટલાક પટ્ટા બે કે તેથી વધુ કક્ષાઓમાં રચાયેલા હોય છે. સિયેરા નેવાડા–પ્રથમ કક્ષામાં મોટા પાયા પર પીગળેલા ખડકદ્રવ્યથી અંતર્ભેદનો બન્યાં, ઠર્યાં અને ગ્રૅનાઇટમાં પરિણમ્યાં; બીજી કક્ષામાં તેનું એકતરફી ઢાળવાળું સ્તરભંગ સહિતનું ઉત્થાન થયું.

અન્ય પ્રકારના પર્વતપટ્ટાઓ જ્વાળામુખીજન્ય ખડકોથી બનેલા પણ મળે છે, જેમાં બહિ:સ્ફુટનની નળીની આજુબાજુ લાવા-વિસ્ફોટથી શ્રેણીબદ્ધ પર્વતો રચાયેલા છે. ઉત્તર અમેરિકાના ઑરેગૉન અને વૉશિંગ્ટનની કાસ્કેડ રેઇન્જ આ પ્રકારનાં ઉદાહરણ છે. ભારતનો વિશાળ ડેક્કન ટ્રૅપ રચના સમૂહ ફાટ-પ્રસ્ફુટનથી બનેલો ઉચ્ચસપાટપ્રદેશનો સળંગ પટ છે, જેની નજીક એ જ રીતે તૈયાર થયેલી સાતપુડાની ટેકરીઓની શ્રેણી પણ છે.

ગિરીશભાઈ પંડ્યા