ભૂરાં કાંસિયાં : ડાંગરની એક ગૌણ જીવાત. આ જીવાતનો સમાવેશ ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના ક્રાયસોમેલીડી કુળમાં કરવામાં આવેલ છે. શાસ્ત્રીય નામ Lepigma pygmaea B. છે. આ કીટક સમચતુષ્કોણ આકારના, નાના, ઘેરા લીલાશ પડતા ભૂરા રંગના, સુંવાળા, લગભગ 6 મિમી. લંબાઈના અને પહોળાઈમાં 3 મિમી. જેટલા હોય છે. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તાર સૂરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેનાથી થતું નુકસાન જોવા મળે છે. ડાંગર સિવાય તેનો ઉપદ્રવ દર્ભ નામના નીંદામણ પર પણ જોવા મળેલ છે. માદા કીટક યજમાન છોડનાં પાન પર છૂટાંછવાયાં અથવા સમૂહમાં ઈંડાં મૂકે છે. ઈંડાં લગભગ 3થી 4 દિવસમાં સેવાતાં તેમાંથી નીકળેલ નાની ઇયળ પગ વગરની અને મેલા, સફેદ રંગની હોય છે. પુખ્ત અને ઇયળ એમ બંને અવસ્થાઓમાં આ જીવાત કુમળાં પાનના નીલકણ (chloroplast) ખાઈને નુકસાન કરે છે. પુખ્ત અને ઇયળ બંને અવસ્થામાં આ જીવાત દ્વારા ખાસ પ્રકારે નીલકણ ખવાવાથી તેના પર નસની સમાંતરે સફેદ પટ્ટાઓ ઉત્પન્ન થાય છે. તેના વધુપડતા ઉપદ્રવથી પાન સફેદ થઈ જાય છે. ખાસ કરીને ડાંગરના ડોડા ફાટતા પહેલાં તેનો ઉપદ્રવ જોવા મળે છે. ઉપદ્રવવાળા ખેતરમાં પાણી ભરી છોડ પર ઝાડુ અથવા દોરડું ફેરવીને પુખ્ત કીટકોને પાણીમાં ખંખેરી લેવાથી ઉપદ્રવ ઘટાડી શકાય છે. કાર્બાટિલ 0.2 % અથવા તો શોષકવિષનો છંટકાવ કરવાથી પણ આ જીવાતનો ઉપદ્રવ કાબૂમાં આવે છે.
પરબતભાઈ ખી. બોરડ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ