ભૂમિપુત્ર (સ્થા. 1953) : સર્વોદય વિચારધારાને વરેલું વિચારપત્ર. 1951માં વિનોબાજીના ભૂદાન-ગ્રામદાન આંદોલનનો આરંભ થયો. એ આંદોલનને  ગુજરાતમાં ઉપાડી લેનાર કાર્યકરો શરૂમાં કોઈ પ્રસ્થાપિત મંડળ વિના જ કામ કરતા હતા. દર મહિને સાતમી તારીખે મળતી કાર્યકરોની ‘સપ્તમી સભા’ દ્વારા ગુજરાતના સમગ્ર કામનું સંયોજન થતું હતું. આ કાર્યકરોના આંદોલનને વેગ આપવા તેમના મુખપત્ર તરીકે 1953માં 11મી સપ્ટેમ્બરે–વિનોબાજયંતીએ – ‘ભૂમિપુત્ર’ શરૂ થયું. 1959માં આ બધા કાર્યકરોની એક વિધિવત્ સંસ્થા ‘ગુજરાત સર્વોદય મંડળ’ અસ્તિત્વમાં આવી. એટલે ‘ભૂમિપુત્ર’ આ મંડળનું મુખપત્ર બન્યું.

સર્વોદય વિચારધારાના વ્યાપક વિચાર-પ્રચારનું તેમજ લોકશિક્ષણનું તથા સર્વોદય આંદોલનોની ગતિવિધિઓના પ્રકાશનનું કામ ‘ભૂમિપુત્ર’ દ્વારા સતત ચાલી રહ્યું છે. દેશ-દુનિયાની સાંપ્રત પરિસ્થિતિનું તેમજ જાગતિક પ્રવાહોનું સર્વોદયની ર્દષ્ટિએ તેમાં અવલોકન થતું રહે છે. દરેક અંકમાં વિવિધ ભાષાઓમાંથી રૂપાંતરિત કરેલી, માનવસંવેદનો ઝીલતી માત્ર 700–800 શબ્દોની એક પાનાની વાર્તા એ ગુજરાતી સાહિત્યમાં ‘ભૂમિપુત્ર’નું વિશિષ્ટ પ્રદાન છે. આંતર-ભારતીની ર્દષ્ટિએ પણ તેનું ઘણું મૂલ્ય છે.

1975માં દેશમાં જ્યારે રાજકીય કટોકટી જાહેર થઈ અને વિચાર-સ્વાતંત્ર્યને રૂંધતી પ્રિસેન્સરશિપ દાખલ થઈ, ત્યારે એક સ્વતંત્ર વિચારપત્રને છાજે એ રીતે ‘ભૂમિપુત્રે’ તેની સામે ઝીંક ઝીલી અને પત્ર તેમજ પ્રેસની જપ્તી વહોરી લીધી. તે વખતે નવું પ્રેસ કરી પ્રકાશન ચાલુ રાખી ફરી જપ્તી વહોરી અને ગુજરાત હાઇકૉર્ટમાં લડી લઈને પ્રિસેન્સરશિપના હુકમને ગેરકાયદે ઠેરવાવ્યો. વિચાર-સ્વાતંત્ર્ય માટેની ‘ભૂમિપુત્ર’ની આ લડતની નોંધ ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ સહિત દુનિયાભરમાં લેવાઈ હતી.

લગભગ અડધી સદીથી ‘ભૂમિપુત્ર’નું પ્રકાશન નિયમિત થતું રહ્યું છે. પહેલાં પખવાડિક, પછી દસવારિક અને અત્યારે તે ફરી પખવાડિક છે. શરૂમાં ડબલ ડેમી સાઇઝનાં 8 પાનાંથી લઈને અત્યારે 24 પાનાં દરેક અંકમાં અપાય છે. તેની નકલો સામાન્ય રીતે દસેક હજાર જેટલી પ્રગટતી રહી છે. ગાંધી-શતાબ્દી દરમિયાન તેની નકલો 25 હજાર જેટલી અને કટોકટી દરમિયાન 32 હજાર જેટલી થયેલી. અત્યારે તેની નકલો 5 હજારની આસપાસ રહે છે. જાહેરખબરો બિલકુલ લેવાતી નથી. ‘નહિ નફો-નહિ નુકસાન’ ના ધોરણે આ પત્ર ચાલે છે. સંપાદકો તરીકે અત્યાર સુધીમાં પ્રબોધ ચોકસી, નારાયણ દેસાઈ, ચૂનીભાઈ વૈદ્ય, ભીખુ વ્યાસ, કાન્તિ શાહ, અમૃત મોદી, જગદીશ શાહ, મીરાં ભટ્ટ, મહેન્દ્ર ભટ્ટ, રજની દવે અને દશરથલાલ શાહ રહ્યા છે.

કાન્તિ શાહ