ભૂમિકા : એક અભિનેત્રીના જીવનમાં ડોકિયું કરાવતું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1976; અવધિ : 142 મિનિટ. રંગીન ચિત્ર, હિંદી ભાષામાં; નિર્માણ-સંસ્થા : બ્લેઝ ફિલ્મ એન્ટરપ્રાઇઝિઝ; દિગ્દર્શક-સહપટકથાલેખક : શ્યામ બેનેગલ; નિર્માતા : લલિત એમ. બિજલાની, ફ્રેની એમ. વરિયાવા; કથા : હંસા વાડકરની ‘સાંગત્યે એકા’ ઉપર આધારિત; સહપટકથાલેખક : ગિરીશ કર્નાડ; સંવાદ : સત્યદેવ દુબે; ગીતકાર : મજરૂહ સુલતાનપુરી, વસંત દેવ; સંગીત : વનરાજ ભાટિયા; છબીકલા : ગોવિંદ નિહાલાની; કલાકારો : સ્મિતા પાટિલ, અનંત નાગ, અમોલ પાલેકર, નસીરુદ્દીન શાહ, અમરીષ પુરી, બી. વી. કારંથ, સુલભા દેશપાંડે, કુલભૂષણ ખરબંદા, બેબી રુખસાના.
મરાઠી રંગભૂમિની અને હિંદી ચિત્રોની અભિનેત્રી હંસા વાડકરના જીવન ઉપર આધારિત શ્યામ બેનેગલની પ્રશંસનીય કૃતિ. એમાં બેનેગલે ચાલીસના દાયકાને રૂપેરી પરદે જીવંત કરી દીધો છે. પુરુષપ્રધાન સમાજ દ્વારા મહિલાના શોષણની હૃદયદ્રાવક કથા રજૂ કરતા આ ચિત્રની નાયિકા હંસાનું જીવન બચપણથી યુવાની સુધી કષ્ટમય રહ્યું. ગીધની જેમ લોકો તેને ચૂંથતા રહ્યા. પહેલાં તેનાં લગ્ન તેની માતાના પ્રેમી સાથે થાય છે, જે બહુ લાલચુ અને દુષ્ટ હતો. સુખની શોધમાં હંસા એક સહઅભિનેતા, એક દિગ્દર્શક અને એક જમીનદારના સંપર્કમાં આવે છે. અંતમાં તે અનુભવે છે કે સાચું સુખ એકલતામાં જ છે. હંસાની ભૂમિકામાં સ્મિતા પાટિલે જે અભિનય આપ્યો તેથી તેને ઉલ્લેખપાત્ર અભિનેત્રીનું સ્થાન મળ્યું.
પીયૂષ વ્યાસ