ભૂપૃષ્ઠ-રચનાત્મક ક્રિયાઓ (geomorphic processes) : ભૂપૃષ્ઠ પર વિવિધ ભૂમિઆકારો રચાવા માટેની પ્રભાવક ક્રિયાઓ. પૃથ્વીની સપાટી પર જોવા મળતાં મોટાભાગનાં સ્થળર્દશ્યો (topographic features) મુખ્યત્વે ઘસારાનાં પરિબળોથી કે શિલાચૂર્ણની જમાવટથી તૈયાર થતાં હોય છે. તે વિવિધ આકારો અને સ્વરૂપોમાં રજૂ થતાં હોય છે. આવાં સ્થળર્દશ્યલક્ષણો સ્પષ્ટપણે બે પ્રકારોમાં જુદાં પાડી શકાય છે : (1) મૂળ ખડકસ્થાનોમાં કોરાઈ જવાથી રચાયેલાં ઘસારાજન્ય લક્ષણો. (2) ઘસારાજન્ય શિલાચૂર્ણ જથ્થામાંથી અન્યત્ર રચાયેલાં લક્ષણો. વીસમી સદીના પૂર્વાર્ધકાળ દરમિયાન, હાર્વર્ડ યુનિવર્સિટીના વિલિયમ મૉરિસ ડેવિસે ભૂસ્તરશાસ્ત્રની આ શાખાની પાયાની સંકલ્પનાઓને વિશિષ્ટ સ્વરૂપ આપ્યું. આ માટે ભૂપૃષ્ઠ પર કાર્યરત રહેતી ક્રિયા-પ્રક્રિયાઓ, તેમની પ્રવિધિઓ તથા કક્ષાઓનું આંતરસંકલન કારણભૂત ગણાય છે. અર્થાત્, ભૂસ્વરૂપોની આકારિકી રચના, પ્રક્રિયા અને કક્ષા જેવાં ત્રણ પરિબળોના આંતરસંબંધો પર આધાર રાખે છે.
રચના (structure) : મૉરિસ ડેવિસની સંકલ્પના મુજબ અહીં રચનાને માળખું, આકાર અને સ્વરૂપના અર્થમાં ઘટાવવાની છે. કોઈ પણ સ્થાનના સ્થળર્દશ્યનો આકાર તે સ્થળના ખડકોનાં સામૂહિક લક્ષણો પર નિર્ભર રહે છે. નીચેનાં ઉદાહરણ તેની સમજ સ્પષ્ટ કરી આપે છે.
કૉલોરાડો(યુ,એસ.)ના ગ્રાન્ડ કૅન્યનમાં કે ભારતના મહાબળેશ્વર-માથેરાન વિસ્તારમાં જોવા મળતાં સમતળ સોપાનો, અગાશીઓ અને ઊભી ભેખડો કે સમુત્પ્રપાતોની ઉગ્ર ઢોળાવવાળી બાજુઓ જેવાં લક્ષણો માટે ત્યાં મળતા ક્ષિતિજસમાંતર રેતીખડકો, શેલ, ચૂનાખડકો કે લાવાના થરોમાં થયેલો લાંબા ગાળાનો ક્રમિક ઘસારો કારણભૂત છે. દખ્ખણના ઉચ્ચ સપાટ પ્રદેશોમાં કે સાતપુડાની ટેકરીઓમાં કે પાવાગઢમાં તદ્દન આવાં જ સ્વરૂપો નજરે પડે છે. આ બધાં લક્ષણો ઘસારાજન્ય છે. અરવલ્લી કે ઍપેલેશિયન, હિમાલય કે આલ્પ્સનાં ઉદાહરણ લઈએ તો તેમાંના સ્તરો ગેડવાળા હોવાથી તે ધારદાર લાંબી રેખીય ટેકરીઓ તથા ખીણોમાં ફેરવાયા છે. આ લક્ષણો પણ ઘસારાજન્ય છે. મોટાભાગનાં લક્ષણોમાં દેખાતું ઓછાવત્તાપણું ત્યાંના ખડકપ્રકાર પર તો ખરું જ, પરંતુ તે ઉપરાંત ઘસારાને પાત્ર બની રહેવાનું લક્ષણ ખડકોની દ્રાવ્યતા, ભેદ્યતા જેવા ગુણધર્મો પર પણ આધારિત હોય છે.
પ્રક્રિયા : ઘસારાની પ્રક્રિયા સ્થાનભેદે ઘણી જુદી પડે છે, કારણ કે તે મુખ્યત્વે આબોહવા અને જે તે સ્થળના અન્ય સંકલિત સંજોગો પર આધાર રાખે છે. સ્થાનભેદે થતો ઘસારો આગવાં લાક્ષણિક ભૂમિસ્વરૂપો રચે છે; જેમ કે, ખીણ-હિમનદી(valley glacier)ના ઉપલા ઢોળાવ પર કોરાઈને તૈયાર થતી હિમગુફા (cirque) એ વિશિષ્ટ પ્રકારનું ઘસારાજન્ય લક્ષણ છે. સમુદ્રકિનારે મોજાંના નિરંતર મારાથી તૈયાર થતી ઊભી કરાડ (sea cliff) ત્યાંનું આગવું લક્ષણ બની રહે છે. વનસ્પતિ-આવરણવિહીન પ્રદેશ છરીધાર જેવા અનેક વિભાગોમાં કોરાઈને ખરાબાનો ભૂમિભાગ રચે છે અને તે વનસ્પતિ-આચ્છાદિત પ્રદેશોનાં લક્ષણોથી સ્પષ્ટપણે અલગ તરી આવે છે. વનસ્પતિ-આચ્છાદિત પહાડી ઢોળાવો અને શિખરો બાહ્યગોળ આકારો સર્જે છે. એટલે પ્રક્રિયા સમજવામાં અનુભવી ર્દષ્ટિભર્યાં અવલોકનો જ યથાર્થતા તારવી શકે છે. આથી ઘસારાજન્ય પ્રક્રિયા અને નિર્માણ-સ્વરૂપ વચ્ચેનો સંબંધ એક વાર સ્થાપિત થાય, તો ભૂમિઆકારોનું અર્થઘટન સરળ બની રહે છે. હિમગુફાનું વર્તમાન અસ્તિત્વ ત્યાં ક્યારેક હિમનદી હોવાનું સૂચન કરી જાય છે. સમુદ્રમોજાંરચિત કરાડ, આજે ભલે ત્યાં સમુદ્ર ન હોય, સમુદ્રસપાટીસ્તરના ફેરફારોનો સંકેત આપે છે. સાંકડી ખીણોવાળો પહાડી ઢોળાવ ત્યાં થયેલી ઘસારાનાં સંયુક્ત પરિબળોની અસરનું સૂચન કરે છે. ઉત્તર ગોળાર્ધના મોટાભાગના ભૂમિપ્રદેશોમાં આજે દેખાતાં ભૂમિસ્વરૂપો મુખ્યત્વે પ્લાયસ્ટોસીન કાળની ઘસારાજન્ય દેણગી છે; જોકે તે પછી અર્વાચીન ભૂસ્તરીય કાળમાં તેમની આકારિકીમાં કેટલાક ફેરફારો જરૂર થયેલા છે.
કક્ષા (stage) : કક્ષા એટલે સમયની સાથે ભૂસ્વરૂપમાં થયેલો ફેરફાર. જો ભૂમિ અને સમુદ્રસપાટીમાં લાંબા ગાળા સુધી ખાસ ફેરફાર ન થાય, અન્યોન્ય સાપેક્ષ સ્થિતિમાં રહે તો ભૂમિને કોરી કોરીને ઊંડી બનતી જતી કોઈ પણ મોટી નદી (કૉલોરાડો, સિંધુ જેવી નદીઓ) તેના તળને ઘસતી જઈને વધુ ઊંડી બનતી જાય, તેનો ઘસારાજન્ય શિલાચૂર્ણ જથ્થો ખીણોની બાજુઓ પર જામે, નદીનાં અગાશીસોપાનો બને; જોકે સાથે સાથે ઘણો જથ્થો દરિયામાં પણ જાય. છેવટે એક સમય એવો આવે કે નદીની આજુબાજુનો ભાગ ધોવાણની સમભૂમિ જેવો પણ બની શકે. આવી નદી તે પછીથી સર્પાકારે વહેતી થઈ જાય. આવો સ્થિતિસંજોગ મળે તો જળકૃત ખડકબંધારણવાળો કૉલોરાડોનો ઉચ્ચ સપાટપ્રદેશ ભવિષ્યમાં ક્યારેક સમતલ સપાટ નીચાણવાળો બની જાય. ભૂરચનાશાસ્ત્રમાં કોઈ પણ નદીના ઘસારાચક્ર માટેની આ જ મૂળભૂત સંકલ્પના છે; પરંતુ આ જાતના ફેરફારો ઝડપી હોતા નથી, તે લાખો/કરોડો વર્ષનો કાળગાળો આવરી લેતા હોય છે. અરવલ્લી, ઍપેલેશિયન કે પશ્ચિમ ઘાટના પર્વતો જેવી પ્રાચીન પર્વતમાળાઓમાં આવી પ્રક્રિયા તેમજ કક્ષાઓ જોવા મળે છે. પ્રી-કૅમ્બ્રિયન કાળમાં બનેલા અરવલ્લી પર્વતો ત્યારે હિમનદીઓ ધરાવતા હતા, તે આજે માત્ર અવશિષ્ટ ટેકરીઓ સ્વરૂપના જ રહ્યા છે. આથી ઊલટું, નવા વયના (હિમાલય જેવા) પર્વતોમાં ખડકપ્રકાર મુજબ નદીઓના પથમાં ધોધ-પ્રપાત જેવી રચનાઓ ઉદભવતી હોય છે, જે ઘસારાભેદનું લક્ષણ રજૂ કરે છે. સપાટ નદીપથમાં નાળાકાર સરોવરો રચાતાં જાય છે, પછીથી તે પૂરણી પામે છે, જે તેના પુરાવાઓ છોડી જાય છે. મૂળથી મુખ સુધીના નદીપથમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા તથા વૃદ્ધાવસ્થા જેવાં લક્ષણો જુદી જુદી જાતનાં ભૂમિસ્વરૂપો રચે છે. આ બધા કક્ષાભેદ ગણાય.
યથાર્થતા : મૉરિસ ડેવિસે રજૂ કરેલી ભૂરચનાચક્રની માહિતી વિવાદાસ્પદ હોવા છતાં તેની યથાર્થતા વિશે કોઈ ખાસ મતમતાંતર પ્રવર્તતા નથી. પોપડાની સ્થિરતા દરમિયાન સમુદ્રસપાટીના સંદર્ભમાં જે જે ભૂમિસ્વરૂપો રચાય તે ક્રમિક કક્ષાનાં ગણાય એ સ્વાભાવિક છે; દા.ત., મધ્યજીવ યુગ પ્રમાણમાં શાંતિનો કાળ રહેલો, ત્યારે મોટા પાયા પરનાં કોઈ ગિરિનિર્માણ થયેલાં નથી, ત્યારે પૃથ્વીના પટ પર સ્થળર્દશ્યો વ્યવસ્થિત રીતે આકારાયેલાં, વિકસેલાં અને ફેરફાર પામતાં રહેલાં. પરંતુ પ્લાયસ્ટોસીન કાળઅવધિ દરમિયાનના હિમયુગો અને આંતરહિમકાળમાં હિમનદીઓની આગેકૂચ અને પીછેહઠ થતી રહી, સમુદ્રસપાટીના ફેરફારો થતા રહ્યા. કેનોઝોઇક, ખાસ કરીને તૃતીય જીવયુગ દરમિયાન પોપડો અસ્થિર રહ્યો, હિમાલય-આલ્પ્સનાં ગિરિનિર્માણ થયાં અને તે પછીથી આજ સુધીમાં પણ ઘસારાથી કેટલાક ફેરફારો અસ્તિત્વમાં આવેલા છે, જે પૈકીનાં કેટલાંક ભૂમિસ્વરૂપો એક કરતાં વધુ ભૂરચનાચક્રો થયાં હોવાની રજૂઆત કરે છે.
ઉપરિનિર્દિષ્ટ રચના, પ્રક્રિયા અને કક્ષાનું ભૂરચનાચક્ર મહદ્અંશે ભેજવાળા સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોને વિશેષ લાગુ પડે છે. ધ્રુવીય અને અયનવૃત્તીય તેમજ રણપ્રદેશીય સંજોગો હેઠળ તૈયાર થયેલાં આજે જોવા મળતાં ભૂસ્વરૂપો એકબીજાંથી જુદાં પડે છે અને તેથી જ તો પ્રદેશભેદે સ્થળર્દશ્યોનું વૈવિધ્ય જોવા મળે છે. એ જ રીતે સમુદ્રકિનારા પરનાં, હિમપ્રદેશોનાં તેમજ ભૂગર્ભ જળની અસરવાળાં ભૂમિસ્વરૂપોનાં લક્ષણો પણ જુદાં પડે છે.
પ્રત્યેક ઘસારાજન્ય ભૂમિસ્વરૂપ તેની રચના, પ્રક્રિયા અને કક્ષા મુજબ આકારો પામતું હોય છે. નિક્ષેપજન્ય ભૂમિસ્વરૂપો–ત્રિકોણપ્રદેશો, હિમઅશ્માવલિઓ, દૂરતટીય આડશો, રેતીના ઢૂવા–ને પોતાની આગવી આકારિકી લાક્ષણિકતા હોય છે. આ હકીકતો નિર્દેશ કરે છે કે ભૂરચનાત્મક સમસ્યાઓ મોટેભાગે ગુણાત્મક રજૂઆત પામતી હોય છે. વીસમી સદીના ઉત્તરાર્ધકાળમાં થતાં ગયેલાં અને પ્રયોગાત્મક ધોરણે હાથ ધરાયેલાં સંશોધનો તેમજ અવલોકનો અને તારણો ભૂરચનાત્મક પ્રક્રિયાઓ અને સ્વરૂપોને ભવિષ્યમાં વધુ સ્પષ્ટ કરશે.
ગિરીશભાઈ પંડ્યા