ભૂપૃષ્ઠ-આલેખન

January, 2001

ભૂપૃષ્ઠ-આલેખન : નકશાશાસ્ત્રની એક શાખા. નકશા-આલેખન-શાસ્ત્ર(cartography)ના વિકાસ અંતર્ગત નકશાઓમાં ભૂપૃષ્ઠ દર્શાવવા માટે પણ વિવિધ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. પૃથ્વીની સપાટી પરની ભૂમિની ઊર્ધ્વાકાર વિષમતાઓને ભૂપૃષ્ઠ-આલેખન કહે છે. સપાટી પર પર્વતો, ટેકરીઓ, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણો જેવાં ત્રિમિતીય (લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ) અસર ધરાવતાં ભૂમિસ્વરૂપો આવેલાં છે. એ જ રીતે સાગરજળની નીચે પણ આવા જ પ્રકારની રચનાઓ જોવા મળે છે. આ બધી વિષમતાઓને શક્ય એટલી વધુ સારી રીતે નકશા પર દર્શાવવા માટે ભૂપૃષ્ઠ-આલેખનની વિવિધ પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે.

ભૂપૃષ્ઠ પરની ઊંચાણ-નીચાણ ધરાવતી સપાટી મુખ્યત્વે ત્રણ લક્ષણો ધરાવે છે : (1) સમુદ્રસપાટીથી ઊંચાઈ, (2) આજુબાજુની ભૂમિથી સાપેક્ષ ઊંચાઈ અને (3) આછો, ઉગ્ર કે સીડીદાર ઢોળાવ. બીજી રીતે જોતાં, ઊંચાઈ પ્રમાણભૂત ધોરણે આપવાની હોય ત્યારે તેને કોઈ પાયાની સંદર્ભરેખા (datum line) હોવી જરૂરી બને છે. સમુદ્રસપાટી એ એવી મહત્વની સંદર્ભરેખા છે, જેમાં ઉપરની બાજુએ આકાશ તરફ ઊંચાઈ છે, તો નીચેની બાજુએ સાગરજળ તરફ ઊંડાઈ છે. કેટલાક દેશોમાં થતાં સર્વેક્ષણો(survey)માં સમુદ્રની સરેરાશ ગુરુતમ ભરતીસપાટીનો સંદર્ભ સપાટી તરીકે ઉપયોગમાં લેવાય છે, તો બીજા કેટલાક દેશો વર્ષો દરમિયાન નોંધેલી વિવિધ સમુદ્રસપાટીમાંથી તારવેલી સરેરાશ સપાટીનો પ્રાદેશિક ભૂપૃષ્ઠની ઊંચાઈનું માપન કરવા માટે સંદર્ભસપાટી (zero sea level) તરીકે ઉપયોગ કરે છે. ભારત માટે ચેન્નઈ ખાતેની પૂનમની ભરતીની સરેરાશ ઊંચાઈની સપાટીને સરેરાશ સમુદ્રસપાટી (mean sea level = MSL) તરીકે ગણવામાં આવે છે. તેના સંદર્ભમાં ભારતનાં વિવિધ સ્થળોની કે ભૂમિસ્વરૂપોની ઊંચાઈ નિર્ધારિત થાય છે. ઊંચાઈ-નિર્ધારણ માટે ઍબ્ની લેવલ (abney level), નમનદર્શક-ભારતીય ક્લાઇનૉમિટર, નિર્દ્રવ વાયુદાબમાપક (aneroid barometer), હિપ્સૉમિટર (hypsometer), થિયૉડોલાઇટ (theodolite) વગેરે જેવાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.

ભૂપૃષ્ઠ-આલેખન-પદ્ધતિઓ : નકશા પર ભૂપૃષ્ઠ દર્શાવવાની વિવિધ પદ્ધતિઓ છે :

(1) સ્થળ-ઉચ્ચાંક (spot-height), બેન્ચ માર્ક (bench-mark) અને ત્રિકોણમિતીય બિંદુ (trigonometrical  point) : સમુદ્ર-સપાટીથી સ્થળની ઊંચાઈ દર્શાવતી આ ત્રણેય પદ્ધતિઓ પાયામાં તો એક જ પ્રકારની છે, પરંતુ તેમના સર્વેક્ષણ-પ્રકાર અથવા તેને દર્શાવવાની પદ્ધતિને અનુલક્ષીને  તેમને જુદાં જુદાં નામ અને ચિહ્નો મળ્યાં છે. સામાન્ય રીતે નકશામાં સાદું ટપકું મૂકીને તેની બાજુમાં ઊંચાઈનો આંક દર્શાવ્યો હોય તે પદ્ધતિ સ્થળ-ઉચ્ચાંક નામથી ઓળખાય છે; દા.ત., 3609. સામાન્ય રીતે નહેર, સડકમાર્ગ કે રેલમાર્ગના સર્વેક્ષણમાં બેન્ચમાર્ક તરીકે ઓળખાતી પદ્ધતિમાં પ્રત્યક્ષ સ્વરૂપે સર્વેક્ષણની સ્થળયાદ જળવાઈ રહે તે માટે ત્યાં પાષાણ-તકતી પર ઊંચાઈનો આંક કોતરાવીને મૂકવામાં આવે છે તથા તેના પર BM લખવામાં આવે છે. નકશામાં પણ આ ઊંચાઈ BM લખીને દર્શાવાય છે; જેમ કે, BM 3609. આ ઉપરાંત ત્રિકોણમિતીય સર્વેક્ષણ-પદ્ધતિ દ્વારા જે સ્થળો કે શિખરોની ઊંચાઈ નક્કી કરવામાં આવી હોય એવાં સ્થળોની ઊંચાઈ નકશા પર વિશિષ્ટ રીતે ત્રિકોણચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે; જેમ કે, Δ 3609.

આ ત્રણેય પદ્ધતિઓ દ્વારા દર્શાવાતી ઊંચાઈ તદ્દન વાસ્તવિક હોય છે, પણ નકશો જોનારને આ ઊંચાણ દ્વારા આસપાસના પ્રદેશના ઢોળાવ, વિસ્તાર કે આકાર વિશે કોઈ જ માહિતી પ્રાપ્ત થતી નથી. આથી આ ત્રણેય પદ્ધતિઓને રંગસ્તર (વર્ણસ્તર), સમોચ્ચતામાન-રેખાપદ્ધતિ કે છાયાપદ્ધતિ જેવી અન્ય ઊંચાઈદર્શક પદ્ધતિઓ સાથે મિશ્ર કરવામાં આવે તો જ આ પદ્ધતિઓની વ્યાવહારિક ઉપયોગિતા વધે છે.

(2) ત્રૂટક રેખાઓ (hatchures) : ઈ. સ. 1799માં ઑસ્ટ્રિયન લશ્કરી અધિકારી લેહમ દ્વારા ભૂસપાટી પરની વિવિધ રચનાઓને ત્રૂટક રેખાઓથી પ્રદર્શિત કરવાની રીત શોધાઈ. લશ્કરી સર્વેક્ષણ હેઠળ તૈયાર થતા નકશાઓમાં આ પદ્ધતિથી ટેકરીઓ, પહાડો, નદીખીણો, વિવિધ પ્રકારના ઢોળાવો વગેરે ખૂબ સ્પષ્ટરૂપે દર્શાવવામાં આવતાં હતાં, જેથી સામાન્ય માનવીને કોઈ પણ પ્રકારની સમજૂતી વગર નકશા પરના પ્રદેશની મહત્વની પ્રાકૃતિક રચનાઓનો ખ્યાલ આવી જતો હતો (જુઓ આકૃતિ 1).

આકૃતિ 1 : ત્રૂટક રેખાઓ

ત્રૂટક રેખા એ ગણિતમાં વપરાતી એકમદીઠ સદિશ રેખા-વેક્ટર (vector) સંજ્ઞાની જેમ નાની રેખા છે, જેની વધતી-ઓછી જાડાઈ પ્રાદેશિક ઢોળાવનું પ્રમાણ દર્શાવે છે. તે આશરે  ઇંચ જેટલી લાંબી, એક છેડે સહેજ પહોળી તથા બીજે છેડે અણીવાળી હોય છે. કેટલાકે એકસરખી જાડાઈ ધરાવતી રેખાની કલ્પના કરીને નકશામાં  પ્રદેશનો ઢોળાવ દર્શાવવા માટે તેનો ઉપયોગ કર્યો છે. ઢોળાવ જેમ ઉગ્ર તેમ ત્રૂટક રેખાઓ વધુ નજીક નજીક દોરાય છે, આછા ઢોળાવ માટે તે એકબીજીથી વધુ અંતરવાળી છૂટી છૂટી હોય છે. આ પ્રકારના આલેખનમાં ભૂમિસ્વરૂપોના 45°થી વધુ ઉગ્ર ઢોળાવ ધરાવતા ભાગો લગભગ કાળા (ઘેરા) દેખાતા હતા. સપાટ મેદાન, ઉચ્ચપ્રદેશ કે પહાડોના સપાટ શિરોભાગવાળા ભાગો, ખીણના પટપ્રદેશો વગેરે રેખા વિનાના કોરા રાખવામાં આવતા. નકશા-આલેખનશાસ્ત્રમાં આ પ્રકારની પદ્ધતિએ લગભગ એક સદી સુધી પોતાનું સ્થાન જાળવી રાખેલું, જોકે તેમાં થોડાઘણા સુધારાઓ પણ થયેલા.

જે તે પ્રદેશમાં જઈને પ્રત્યક્ષ રીતે ત્રૂટક રેખાઓ દોરવાનું કાર્ય એ નકશાકાર પાસેથી ખૂબ સમય, ધીરજ, એકાગ્રતા અને પરિશ્રમ માગી લે છે. આમ ત્રૂટક રેખાઓ એ ક્ષેત્રકાર્ય (field-work) અને કચેરી-કાર્ય (office-work) એમ બંનેની નિપુણતાનું સર્જન ગણાય.

આ પદ્ધતિની મોટામાં મોટી ત્રુટિ એ હતી કે તે માત્ર ભૂમિસ્વરૂપોના આછા કે ઉગ્ર ઢોળાવ સિવાય બીજું કશું જ દર્શાવી શકતી ન હતી. વળી તેનાથી ઊંચાઈ અંગેની કોઈ જ માહિતી ઉપલબ્ધ થતી ન હતી. આ બધી મુશ્કેલીઓને લીધે સામાન્ય રીતે હાલમાં બનતા નકશાઓમાં આ પદ્ધતિનો ઉપયોગ થતો નથી અને તે એક જૂની હકીકત બની ગઈ છે.

(3) છાયાપદ્ધતિ (hill-shading) અથવા ચિત્રાત્મક પદ્ધતિ (pictorial method) : 19મી સદીના લગભગ અંતિમ ચરણમાં ભૂસ્તરીય સર્વેક્ષણ વખતે સર્વેક્ષકોએ ક્ષેત્રકાર્ય કરતી વખતે નકશામાં પૂરક સ્વરૂપે એમને જે ભૂમિસ્વરૂપો દેખાતાં હતાં તેનાં રેખાંકનો અથવા ત્રિપરિમાણીય ચિત્રો (block diagrams) દોર્યાં, તેમાં ભૂસ્તરીય રચનાઓ કે બંધારણ બતાવવામાં આવતું હતું, તે ખૂબ લોકપ્રિય બનેલું અને ધીમે ધીમે આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ પણ થવા લાગ્યો (જુઓ આકૃતિ 2).

નકશામાં છાયા-પદ્ધતિ બે રીતે જોવા મળે છે : એક તો ભૂમિસ્વરૂપ પર લંબરૂપ કિરણો સ્વરૂપે પડતા પ્રકાશ દ્વારા તેની ચારે બાજુઓ કે ઢોળાવો પર પ્રકાશ અને છાયા(light and shade)ની આભાનું  નિર્માણ થાય છે. તેની તુલના ફોટોગ્રાફિક પદ્ધતિ અથવા પેન્સિલશેડિંગ પદ્ધતિ સાથે કરી શકાય. જેમ ઢોળાવ આછો તેમ છાયા (shading) આછી તથા ઢોળાવ ઊભો કે ઉગ્ર તેમ તેના પરની છાયા ઘેરી કે કાળી. આમ આ પદ્ધતિથી તૈયાર કરેલા ભૂમિસ્વરૂપના રેખાચિત્ર પર ત્રિમિતીય આભા ઊભી થાય છે. આ પદ્ધતિને પ્લાસ્ટિક શેડિંગ (plastic shading) પણ કહેવાય છે.

ઉપરથી નીચે તરફ જોતાં ભૂપ્રદેશ કે ભૂમિસ્વરૂપ દેખાય છે, તેને બદલે આ પદ્ધતિમાં જાણે કે અગ્નિ કોણમાં રહીને 45° ના ખૂણેથી ઉપરથી (તિર્યક્ સ્થાનેથી) ભૂપ્રદેશ કે ભૂમિસ્વરૂપને નિહાળવામાં આવે છે. તેમજ એ જ સમયે તેનાથી વિરુદ્ધ દિશાએથી એટલે કે વાયવ્ય કોણમાંથી 45° ને ખૂણે પ્રકાશકિરણો ભૂપ્રદેશ કે ભૂમિસ્વરૂપ પર પડતાં તેમના પૂર્વ તથા અગ્નિકોણના ઢોળાવો પર તેની તીવ્રતા પ્રમાણે  છાયા-નિર્માણ થાય છે, જ્યારે તેની તુલનામાં ભૂપ્રદેશ કે ભૂમિસ્વરૂપોના વાયવ્યના અને પશ્ચિમના ઢોળાવો વધુ પ્રકાશિત દેખાય છે. આમ સમગ્ર રીતે જોતાં એ પ્રદેશ જે રીતે દેખાતો હોય તે રીતે પ્રકાશ-છાયાની પદ્ધતિએ વધુ અસરકારક અને ઉઠાવદાર ત્રિમિતીય આભાથી દર્શાવી શકાય છે.

આકૃતિ 2 : સાબરમતી–હાથમતી નદીતટનાં મૃણ્મય (ચિનાઈ માટી, અગ્નિજિત માટી, બેન્ટોનાઇટ વગેરે) ખનિજોનાં ખાણકેન્દ્ર તથા ભૂસ્તરીય ખડકસ્તરોના ઊર્ધ્વ આડછેદ

નકશામાં આ પદ્ધતિથી ભૂપૃષ્ઠની ઊંચાઈ અંગેનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી, પણ તેની સાથે બીજી ઊંચાઈદર્શક પદ્ધતિઓને સામેલ કરીને ભૂપૃષ્ઠ અંગેની વધુ સારી જાણકારી મેળવી શકાય છે. ચિત્રાત્મક પદ્ધતિવાળા આ નકશામાં કેટલીક સાંસ્કૃતિક વીગતો(રેલમાર્ગો, સડકમાર્ગો, વસાહતો વગેરે)ને રૂઢ સંજ્ઞાઓ કે સાંકેતિક ચિહ્નો દ્વારા પણ દર્શાવી શકાય છે. આ પદ્ધતિનો તેની ચિત્રાત્મક અસરને કારણે લોકપ્રિય વર્તમાનપત્રો કે સામયિકોમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

આકૃતિ 3 : છાયાપદ્ધતિ (hill-shading)

(4) સમોચ્ચતામાન (વૃત્તમાન) રેખાઓ (contours) : પૃથ્વીની સપાટી પરનાં ભૂમિસ્વરૂપો કે ભૂપ્રદેશોને તથા તેના ઢોળાવોને સંપૂર્ણપણે અને વાસ્તવિક રીતે ગાણિતિક વિગતો સાથે બતાવવા માટે કોઈ ઉત્તમ પદ્ધતિ હોય તો તે આ પદ્ધતિ છે. સરેરાશ સમુદ્ર-સપાટીથી એકસરખી (સમાન) ઊંચાઈ ધરાવતાં સ્થળો કે બિંદુઓને જોડતી રેખાને સમોચ્ચવૃત્ત-રેખા કહે છે. (જુઓ આકૃતિ 4.)

ભૂમિસપાટીની  ઊંચાઈ પ્રમાણે નકશામાં એકસરખા પણ વિશિષ્ટ અંતરગાળાથી આ રેખાઓનું આલેખન કરવામાં આવે છે; જેમ કે, 20 મીટરના ગાળાથી 0, 20, 40, 60, 80, 100, 120 મીટર અને આગળ – એમ આ રેખાઓ આલેખવામાં આવે છે. અલબત્ત, ઊંચાઈનો આ ગાળો એ સામાન્ય રીતે નકશાના પ્રમાણમાપને આધારે રાખવામાં આવતો હોય છે. (પ્રમાણમાપ : 1 સેમી. : ½ કિમી.; પ્રમાણગુણક 1:50,000). પ્રમાણમાપ ધરાવતા ભારતના સ્થળવર્ણન નકશામાં સમોચ્ચતામાન રેખાઓ વચ્ચેનો આ ઊંચાઈ-ગાળો 20 મીટરનો રાખવામાં આવેલો છે. સામાન્ય નિયમ મુજબ, ભૂપ્રદેશ કે ભૂમિસ્વરૂપોનો ઢોળાવ આછો હોય તેમ નકશામાં તેને દર્શાવતી, સમોચ્ચવૃત્ત-રેખાઓ વચ્ચેનું અંતર વધુ હોય છે, જ્યારે તેનાથી ઊલટું આ ઢોળાવ જેમ ઉગ્ર હોય તેમ નકશા પર તેને દર્શાવતી આ રેખાઓ એકબીજીથી વધુ નજીક નજીક હોય છે. એટલે અતિ ઉગ્ર કે લગભગ ઊભી દીવાલ જેવા કરાડ(cliff)ના ઢોળાવને દર્શાવતી આ રેખાઓ એકબીજીમાં ભળી જતી જણાય છે, પણ તે એકબીજીને કાપતી કે છેદતી નથી. [અલબત્ત, અપવાદરૂપે ઝૂલતી કરાડ (hanging cliff) દર્શાવતી આવી રેખાઓ એકબીજીને કાપે છે.] આધુનિક હવાઈ અને કૃત્રિમ ઉપગ્રહોના અવકાશી યુગમાં ભૂપ્રદેશના વિવિધ અંશાત્મક તફાવતે લીધેલા વિશિષ્ટ પ્રકારના ફોટોગ્રાફોનો આધાર લઈને પ્રાકૃતિક રચનાઓ કે ભૂમિઆકારોની ઊંચાઈ કેટલી હશે તે વિશિષ્ટ તંત્ર દ્વારા નક્કી કરીને સમોચ્ચતામાન-રેખાઓનું આલેખન થાય છે.

આકૃતિ 4 : સમોચ્ચતામાન રેખાઓ

આ પદ્ધતિ સ્થળની ઊંચાઈ અંગે તો સાચી વિગતો આપે જ છે; એટલું જ નહિ, પણ ભૂપ્રદેશ કે ભૂમિસ્વરૂપોના સામાન્ય ઢોળાવ, આકાર અને વિસ્તાર વિશે ઘણી બધી માહિતી પૂરી પાડે છે. ટેકરી કે  ખીણથી માંડીને વિવિધ ભૂમિસ્વરૂપો દર્શાવતી સમોચ્ચતામાન-રેખાઓ નકશા પર જુદા જુદા પ્રકારના આકાર ધારણ કરે છે અને કેટલા વિસ્તારને આવરે છે, તેનું જે વ્યક્તિએ તાલીમ લીધેલી હોય તે જ સમોચ્ચતામાન રેખાકૃત નકશાઓ પરથી પ્રદેશની પ્રાકૃતિક રચનાનું સાચું અર્થઘટન કે વાચન કરી શકે છે.

આકૃતિ 5 : રંગસ્તર પદ્ધતિ મુજબ ભૂરચનાનું નિદર્શન

(5) રંગસ્તર (વર્ણસ્તર) પદ્ધતિ (layer colouring or hypsometric tint method) : આ પદ્ધતિમાં સમુદ્રસપાટીથી અમુક નિશ્ચિત ઊંચાઈએ આવેલાં મેદાન, ઉચ્ચપ્રદેશ કે પર્વતીય પ્રદેશ વગેરે જેવાં વિવિધ ભૂમિસ્વરૂપોને નકશામાં જુદા જુદા રંગસ્તરનો ઉપયોગ કરીને બતાવવામાં આવે છે; જેમ કે, સમુદ્રસપાટીથી આશરે 200 મીટર ઊંચાઈનાં નીચાં મેદાનો લીલા રંગના પટ્ટાથી, તેનાથી વધુ ઊંચાઈનાં મેદાનો પોપટી રંગના પટ્ટાથી તેમજ 500થી 1,000 અને 2,000 મીટરની ઊંચાઈના ઉચ્ચપ્રદેશો જેવા વિસ્તારો પીળાથી માંડીને આછા તપખીરિયા કે ઘેરા તપખીરિયા રંગથી બતાવવામાં આવે છે. તેનાથી વિશેષ ઊંચા પહાડી પ્રદેશો કેસરી રંગના પટ્ટાથી, તો વળી તેનાથી પણ વધુ ઊંચાઈવાળા હિમાચ્છાદિત પ્રદેશો સફેદ અથવા તો જાંબલી રંગથી દર્શાવવામાં આવે છે. અલબત્ત, આ રંગપ્રથા કેટલીક વાર નકશાકાર પોતાની અભિરુચિ પ્રમાણે પણ નિયત કરતો હોય છે; આમ છતાં તેમાં આંતરરાષ્ટ્રીય ધોરણને અનુસરવું પડે છે.

એવી જ રીતે સમુદ્રના જળવિસ્તારો તેની તળરચનાને આધારે વિવિધ પ્રકારની ઊંડાઈ ધારણ કરે છે. જેમ જેમ જળ ઊંડાં તેમ તેમ નકશામાં તેના વાદળી રંગના પટ્ટા ઘેરા – એ ર્દષ્ટિએ ઊંડાઈ મુજબ ખંડીય છાજલીનાં છીછરાં જળથી માંડીને ખંડીય ઢાળ, ઊંડાઈએ આવેલી પર્વતમાળાઓ, મેદાનો અને ઊંડી ગર્તાઓના વિસ્તારો અનુક્રમે આછા વાદળી રંગથી માંડીને ઘેરા વાદળી રંગના પટ્ટાથી દર્શાવાય છે. આ રંગપ્રથા વિવિધ ઊંડાઈના જળવિસ્તારો માટે સારી માનસિક અસર ઉપજાવે છે.

આ પદ્ધતિથી દોરેલા નકશા દેખાવમાં સુંદર હોય છે, એટલું જ નહિ, પણ દોરવામાં સરળ પડતા હોવાથી આ પદ્ધતિ ખૂબ જ લોકપ્રિય બની છે. પુસ્તક, નકશાપોથી તથા ભીંતનકશામાં આ પદ્ધતિનો બહોળો ઉપયોગ થાય છે. ચોકસાઈની  ર્દષ્ટિએ જોતાં, આ પદ્ધતિ કંઈ ક્ષતિરહિત નથી. વિવિધ રંગપટ્ટાઓને લીધે નકશો જોનારના મનમાં જાણે કે એકબીજાથી જુદી જુદી ઊંચાઈએ આવેલ પગથિયાંરૂપ વિભાગો હોવાનો ભાસ પેદા કરે છે. એક રંગના પટ્ટાનું નિરીક્ષણ કરીએ છીએ ત્યારે જાણે તેમાં બીજી કોઈ પ્રાકૃતિક રચના જ નથી અને આ પ્રદેશ પ્લાસ્ટરની જેમ સપાટ બનાવી દીધો ન હોય તેવી ભૂલભરેલી કલ્પના ઊભી થાય છે. વળી સૂકો રણપ્રદેશ લીલા રંગથી દર્શાવવામાં આવે છે, જેથી જોનારના મનમાં ખેતીનો પ્રદેશ અથવા વનવિસ્તારનું ખોટું કલ્પનાચિત્ર ઊપસે છે વગેરે.

ઉપર મુજબની ભૂપૃષ્ઠની રચનાને વિવિધ રંગના પટ્ટાઓને સ્થાને કેટલીક વાર એક જ રંગ(મુખ્યત્વે કાળો)ની વધતી જતી ઊંચાઈ પ્રમાણેના અનુક્રમે આછીથી માંડીને ઘેરી છાયા દ્વારા પણ દર્શાવવામાં આવે છે (જુઓ આકૃતિ 5.)

(6) સંમિશ્રિત પદ્ધતિ (mixed method) : નકશા પર ભૂપૃષ્ઠની ઊંચાઈ કે પ્રાકૃતિક રચનાઓ દર્શાવનારી દરેક પદ્ધતિના ફાયદા-ગેરફાયદા અને મર્યાદાઓ છે, તેમ જ કોઈ એક પદ્ધતિ પરિપૂર્ણ નથી. આથી વર્તમાન યુગમાં બનતા નકશાઓમાં બધી પદ્ધતિઓની અસરકારક અને ચોકસાઈદર્શક બાબતોને ધ્યાનમાં લઈને જરૂરિયાત મુજબ તેનો સંમિશ્રિત સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે.

સામાન્ય રીતે નકશાપોથીના કે નાના માપના ભીંતનકશાઓમાં મુખ્યત્વે રંગસ્તર-પદ્ધતિની સાથે સ્થળ ઉચ્ચાંક કે બીજી ઊંચાઈદર્શક પદ્ધતિઓ મિશ્ર કરવાથી ભૂમિસપાટી પરની પ્રાકૃતિક રચનાનું અસરકારક નિરૂપણ થઈ શકે છે. એવી જ રીતે સ્થળવર્ણન નકશા (topographical maps) જેવા મોટા માપના નકશાઓમાં મુખ્યત્વે સમોચ્ચતામાન-રેખાઓ સાથે બેંચમાર્ક, સ્થળ-ઉચ્ચાંક, કે ત્રિકોણમિતીય બિંદુ જેવી અન્ય ઊંચાઈદર્શક પદ્ધતિઓ તેમજ પ્લાસ્ટિક શેડિંગ (ચિત્રાત્મક) જેવી પદ્ધતિઓ મિશ્ર કરવાથી પ્રદેશની પ્રાકૃતિક રચનાનો આબેહૂબ ચિતાર મેળવી શકાય છે.

બીજલ પરમાર