ભૂતાપીય ઊર્જા (geothermal energy) : પૃથ્વીના ઊંડાણમાં રહેલી ઉષ્માશક્તિ. પૃથ્વીના ઊંડાણમાં ઉષ્માશક્તિનો મોટો ભંડાર છે. પૃથ્વીના અંદરના ભાગેથી જેમ ઉપર આવીએ તેમ ઉષ્માશક્તિનું પ્રસરણ (diffusion) થાય છે અને તેનો ફેલાવો થતાં તાપમાન ઘટે છે. તેમ છતાં ઊંડાણે કેન્દ્રમાં તાપમાન વધુ અને મહદ્અંશે એકસરખું રહે છે. આ કારણસર ભૂસ્તરીય ઊર્જા એ ઊર્જાનો મોટો અખૂટ સ્રોત છે. ઊંચા તાપમાનનાં પાણીનાં ઝરણાં અને નાનામોટા જ્વાળામુખી(લાવારસ)ઓ એ ભૂસ્તરીય ઊર્જાનાં જાણીતાં ઉદાહરણો છે. ભારતમાં ઉત્તરે બદરીનારાયણ અને સૌરાષ્ટ્રમાં ઊના (જિ. અમરેલી) જેવા પ્રદેશમાં ગરમ પાણીનાં ઝરણાં, કુંડો વગેરે જોવા મળે છે.
પ્રાચીન રોમનો આ ઊર્જાનો ઉપયોગ પોતાનાં મકાનોને ગરમ રાખવામાં કરતા. આજે પણ આઇસલૅન્ડ, તુર્કી અને જાપાનના અમુક ભાગો જેવા દુનિયાના અમુક પ્રદેશોમાં ભૂતાપીય ઊર્જા જુદા જુદા સ્વરૂપે મળી રહે છે. ભૂતાપીય ઊર્જાનો સારો ઉપયોગ વીજઉત્પાદનમાં થાય છે. વીસમી સદીમાં ઇટાલી, ન્યૂઝીલૅન્ડ, જાપાન, આઇસલૅન્ડ, ઉત્તર અમેરિકા, મેક્સિકો અને અગાઉના સોવિયેત દેશોમાં ભૂતાપીય ઊર્જાથી ચાલતાં શક્તિ સંયંત્રો (power plants) સ્થપાયાં છે.
ભૂતાપીય ઊર્જાસ્રોતોને સામાન્ય રીતે પાંચ પ્રકારોમાં મૂકી શકાય : (1) અતિતપ્ત વરાળ (superheated steam), (2) વરાળ અને ગરમ પાણીનું મિશ્રણ (mixture of steam and hot water), (3) ગરમ ખડકાળ પદાર્થો (hot dry rocks), (4) દાબ સાથેનું ગરમ પાણી (pressurised hot water), (5) ભૂરસ લાવારસ (magma).
આ બધાં સ્રોત સ્વરૂપોમાં અતિતપ્ત વરાળ સૌથી સહેલાઈથી વીજઉત્પાદનમાં વપરાય છે. હાલનાં મોટાભાગનાં ભૂતાપીય ઊર્જા શક્તિસંયંત્રો આ સ્રોત વાપરે છે. સમય જતાં આ ટૅકનૉલૉજીમાં વિકાસ થયે બાકીનાં સ્વરૂપોનો પૂરા પ્રમાણમાં ઉપયોગ કરવાનું શક્ય બની રહેશે.
જે ભાગોમાં લાવારસનું પ્રમાણ વધુ હોય તેવા પ્રદેશો ભૂતાપીય ઊર્જા પ્રદેશો કહેવાય છે. પૃથ્વીના ઊંડા પડમાં રહેલ ખડકોમાં આવેલાં કિરણોત્સર્ગી (radioactive) તત્વોના ક્ષય(decay)ને લીધે ભૂતાપીય ઊર્જા મળી રહે છે. આવા ખડકો મોટા પ્રમાણમાં હોઈ તેઓ ઊર્જાનો મોટો સ્રોત પૂરો પાડે છે.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ