ભૂગતિવિજ્ઞાન (geodynamics, tectonophysics) : ભૂસંચલનની પ્રક્રિયાઓ સાથે સંબદ્ધ ભૂસ્તરશાસ્ત્ર. ભૂસ્તરીય ક્રિયાઓ અને તેનાં કારણોના મૂળમાં જતું વિજ્ઞાન. ભૂસ્તરીય રચનાઓ અને સંરચનાઓ સાથે સંકળાયેલું ભૌતિક પ્રવિધિઓનું વિજ્ઞાન.

આ વિજ્ઞાનમાં ભૂસ્તરશાસ્ત્રીય સમસ્યાઓના ઉકેલ માટે ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનો આધાર લઈને અર્થઘટન કે મુલવણી કરવામાં આવે છે. પૃથ્વીના પેટાવિભાગો અને ભૂપૃષ્ઠરચનામાં થતા ફેરફારોની જાણકારી આ વિજ્ઞાન પૂરી પાડે છે. કુદરતમાં કાર્ય કરતાં પરિબળો, તેમના સૈદ્ધાંતિક આધારો અને પૃથ્વીની સપાટીથી માંડીને પેટાળમાં થતી રહેતી ભૂસંચલનની ક્રિયા-પ્રક્રિયાઓનો તેમજ પ્રતિબળોનાં ઉત્પત્તિસ્થાનોનો તાગ આ વિજ્ઞાનની સમજ કેળવવાથી મેળવી શકાય છે. ‘ભૂપરિવર્તન ભૂસ્તરશાસ્ત્ર’ અને ‘ભૂસંચલનવિદ્યા’ આ વિજ્ઞાનના સમાનાર્થી શબ્દો છે.

ગિરીશભાઈ પંડ્યા