ભૂખરાં ખૂણિયાં ટપકાંનો ઝાળ રોગ

January, 2001

ભૂખરાં ખૂણિયાં ટપકાંનો ઝાળ રોગ : આંબાના પાન ઉપર લોફોડરમિયમ મેન્જિફેરી નામની ફૂગથી થતો રોગ. આ ફૂગનું આક્રમણ થતાં પાનની સપાટી ઉપર ખાસ કરીને પાનની ધાર તરફ, સફેદ અનિયમિત ખૂણા પાડતાં ટપકાં ઉત્પન્ન થાય છે. ટપકાં વૃદ્ધિ પામી મોટાં થતાં એકબીજાંની સાથે ભળી જવાથી ધારની સમાંતરે રાખોડી અથવા ઝાંખા ભૂખરા બદામી રંગનાં ટપકાં ઉત્પન્ન થાય છે અને તેથી પાન સુકાઈ જાય છે. ભેજવાળું ગરમ વાતાવરણ આ ફૂગને અનુકૂળ હોય છે. તેના પરિણામે રોગની માત્રા વધી જતાં રોગની અસર હેઠળ અપરિપક્વ પાંદડાં ઝાડ ઉપરથી ખરી પડે છે. તેથી ઝાડ ઉપરનું પાનનું પ્રમાણ ઘટી જાય છે, અને તેથી ઝાડ નબળાં પડે છે. વળી ઉઘાડાં અપરિપક્વ ફળોને સૂર્યપ્રકાશ કે ગરમ પવન વધુ લાગતાં તે નીચે પડી જાય છે.

આ રોગને કાબૂમાં લેવા વર્ષમાં ચારથી પાંચ વાર આ પ્રમાણે ફૂગનાશકનો છંટકાવ કરાય છે : (1) નવેમ્બરની શરૂઆતમાં, મેન્કોઝેવ 0.22 %; (2) નવેમ્બરના અંતમાં, કાર્બનડાઝિમ 0.05 %; (3) જાન્યુઆરીમાં, કાર્બનડાઝિમ 0.05 % અને (4) માર્ચ એપ્રિલમાં, મેન્કોઝેવ અથવા કૅપ્ટાફૉલ 0.20 %.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ