ભુવન સોમ : નવતર શૈલીનું હિંદી ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1969. 111 મિનિટ. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : મૃણાલ સેન પ્રોડક્શન. નિર્માતા-દિગ્દર્શક-પટકથાલેખક : મૃણાલ સેન. કથા : બનફૂલ. સંવાદ : સત્યેન્દ્ર શરત, બદરીનાથ. સંગીત : વિજય રાઘવરાવ. છબીકલા : કે. કે. મહાજન. કલાકારો : સુહાસિની મૂળે, ઉત્પલ દત્ત, સાધુ મહેર, શેખર ચૅટરજી, રોચક પંડિત, પુણ્ય દાસ. પાર્શ્વ સ્વર : અમિતાભ બચ્ચન.
નામાંકિત બંગાળી સર્જક મૃણાલ સેનનું પહેલું હિંદીભાષી ચલચિત્ર. આ ચિત્રથી ભારતીય ફિલ્મોમાં એક સમાંતર શૈલીનો આરંભ થયો. કથાનો નાયક ભુવન સોમ રેલવેનો એક વરિષ્ઠ અધિકારી છે. તે કડક મિજાજનો છે. કઠોર શિસ્તનો આગ્રહી છે, વિધુર છે. સારા અને નરસા અંગે તેના સ્પષ્ટ વિચારો છે. એક ટિકિટ કલેક્ટરને લાંચ લેવાના અપરાધમાં તે કડક શિક્ષા કરવાનો નિર્ણય લે છે. આ દરમિયાન તે શિકાર કરવાના ઇરાદાથી સૌરાષ્ટ્ર અને કચ્છ આવે છે, ત્યાં તેની મુલાકાત ગૌરી નામની એક ગ્રામીણ યુવતી સાથે થાય છે. ગૌરી પેલા ટિકિટ કલેક્ટરની જ પત્ની હતી. સુંદર, સરળ, ખુશમિજાજી ગૌરીના સાંનિધ્યમાં સોમસાહેબની દુનિયા બદલાઈ જાય છે. આ ચિત્ર જ્યારે કોલકાતામાં પ્રદર્શિત થયું ત્યારે સતત તેર અઠવાડિયાં સુધી એક જ છબીઘરમાં ચાલ્યું હતું, જે નોંધપાત્ર વાત છે.
પીયૂષ વ્યાસ