ભુવનેશ્વર (શહેર)

January, 2001

ભુવનેશ્વર (શહેર) : ઓરિસા રાજ્યનું પાટનગર અને મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 21° 15´ ઉ. અ. અને 85° 50´ પૂ. રે. તે ઓરિસાના પુરી જિલ્લામાં ઈશાન ભાગમાં, કોલકાતાથી નૈર્ઋત્યમાં 386 કિમી.ને અંતરે આવેલું છે અને કોલકાતા-ચેન્નઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ પરનું તેમજ દક્ષિણ-પૂર્વીય રેલવિભાગ પરનું મુખ્ય મથક છે. મહાનદીના ત્રિકોણ-પ્રદેશના મથાળે આવેલું કટક અગાઉ ઓરિસાની રાજધાનીનું સ્થળ હતું, ત્યાં આજે પણ સરકારી કાર્યાલયની ઇમારતો છે. પરંતુ તે અતિ ફળદ્રૂપ વિસ્તાર હોવાથી ગીચ વસ્તીવાળું થઈ ગયેલું, તેથી

મુક્તેશ્વર મંદિર, ભુવનેશ્વર

ત્યાંથી 32 કિમી. દક્ષિણે આવેલું ભુવનેશ્વર રાજધાનીના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું અને 1948 પછી અહીં આયોજનબદ્ધ નવું પાટનગર બાંધવામાં આવેલું છે. ભુવનેશ્વરનો મોટો ભાગ લૅટરાઇટજન્ય હોવાથી ત્યાંનો વિશાળ વિસ્તાર ઉપલબ્ધ થઈ શક્યો અને તેને રાજધાનીના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યો. વાસ્તવમાં તો ભુવનેશ્વર મધ્યકાલીન ઇતિહાસકાળ દરમિયાન ઓરિસા સામ્રાજ્યનું મધ્યવર્તી સ્થાન રહેલું. તે રાજ્ય સંગ્રહાલય અને 1944માં સ્થપાયેલ ઉત્કલ યુનિવર્સિટીનું મથક છે. અહીં કૃષિ અને ટેક્નોલૉજીની યુનિવર્સિટી પણ છે.

ભુવનેશ્વર નજીક પુરી ખાતે ભારતભરમાં જાણીતું બનેલું ભગવાન શ્રી જગન્નાથજીનું મંદિર તથા કોણાર્કનું વિખ્યાત સૂર્યમંદિર આવેલું છે. ભુવનેશ્વર શહેર કલાત્મક હિન્દુ સ્થાપત્યવાળાં કેટલાંક ઉત્કૃષ્ટ બાંધકામોથી પ્રખ્યાત બનેલું છે. જૂના નગર વિભાગમાં 30 જેટલાં પ્રાચીન મંદિરો પણ છે. શહેરના મધ્ય ભાગમાં આવેલો ગાંધી મેમૉરિયલ ઉદ્યાન તેને વધુ રમણીય બનાવે છે. રાજધાની બન્યા પછીની તેની નવી ઇમારતોનું બાંધકામ પણ પરંપરાગત ચાલ્યા આવતા સ્થાપત્ય અને અર્વાચીન સ્થાપત્યના મિશ્ર નમૂનારૂપ બની રહેલું છે.

ભુવનેશ્વરનો ઇતિહાસ વાસ્તવમાં ત્રીજી સદીથી શરૂ થયેલો છે, તેનું પ્રમાણ આજુબાજુના પુરાતત્વીય અવશેષો પરથી મળી રહે છે. 5મી અને 10મી સદી વચ્ચેના ગાળામાં તે ઘણા હિન્દુવંશી રાજવીઓનું પાટનગર રહેલું, ત્યારે પણ તે હિન્દુઓના શિવપંથી ધાર્મિક સ્થાનક તરીકે જાણીતું હતું. 7મીથી 16મી સદી વચ્ચેના ગાળામાં બંધાયેલાં મુક્તેશ્વર તથા પરશુરામેશ્વર જેવાં ઘણાં મંદિરોમાં ઓરિસા-સ્થાપત્ય નજરે જોવા મળે છે.

તા. 29-10-1999ના રોજ ત્રાટકેલું વાવાઝોડું જે વીસમી સદીમાં ભારતમાં ફૂંકાયેલાં વાવાઝોડાં પૈકીનું સૌથી વધુ વિનાશક ગણાય છે, તેને કારણે ઓરિસાના કિનારાના વિસ્તારોમાં પારાવાર નુકસાન પહોંચેલું; પરંતુ ભુવનેશ્વર નજીકના પ્રસિદ્ધ સૂર્યમંદિર અને જગન્નાથજીના મંદિરને કોઈ અસર થઈ ન હતી.

ગિરીશભાઈ પંડ્યા