ભુજ (તાલુકો) : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો.
તે આશરે 23 18´ ઉ. અ. અને 69 42´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેનો વિસ્તાર આશરે 4,499.83 ચો.કિમી. છે. આ તાલુકાની ઉત્તરે કચ્છનું રણ, પૂર્વે અંજાર તાલુકો, દક્ષિણે મુંદ્રા તાલુકો, નૈર્ઋત્યે માંડવી તાલુકો અને પશ્ચિમે નખત્રાણ તાલુકો સીમા રૂપે આવેલા છે. આ તાલુકામાં 159 ગામડાં આવેલાં છે. તાલુકાની મુખ્ય નદીઓમાં પીપરી, ભૂખી, પુર અને નાગવંતી છે. આ તાલુકાના લોરિયા ગામ પાસે સમરાસર શેખવાલી પાસે તળાવ આવેલું છે. અહીંની આબોહવા ઉપોષ્ણકટિબંધ પ્રકારની છે. ઉનાળો ગરમ રહે છે. શિયાળો સૂકો અને પ્રમાણમાં ઠંડો અનુભવાય છે. તાલુકાની વસ્તી આશરે (2025 મુજબ) 3,50,013 છે. ભુજ શહેરની પૂર્વે ‘ભુજિયો પર્વત’ આવેલો છે. આ તાલુકામાં 1956 અને 2001માં થયેલ ભૂકંપને કારણે જાનમાલને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ તાલુકામાં સાક્ષરતાનું પ્રમાણ આશરે 63.5% હતું. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 943 મહિલાઓ છે.
આ તાલુકામાંથી રાજ્ય ધોરી માર્ગ નં. 42, 45, 47, 48, 49 અને 52 પસાર થાય છે. બ્રૉડગેજ રેલમાર્ગ પસાર થાય છે. અહીંથી પસાર થતા ધોરી માર્ગો પડોશી તાલુકામથક સાથે સંકળાયેલા છે. આ તાલુકામાં ખાનગી બસો અને છકડા (રિક્ષા) મળી રહે છે.
આ તાલુકામાં વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. પશુપાલન ઉપર આધારિત નાના પાયા પરના ચર્મઉદ્યોગ અને ડેરીઉદ્યોગ જોવા મળે છે. આ તાલુકામાં આવેલું ‘ખાવડા’ જે દૂધના માવા માટે વધુ જાણીતું બન્યું છે. ભુજમાં સૌથી વધુ માવાની આયાત ‘ખાવડા’થી થાય છે.
આ તાલુકામાં આવેલાં અંધાઉ, બાલાદીયા, ધ્રાંગ, કેરા, ખાવડા, કોટીયા, કુરાન, રેહા મુખ્ય ગામો છે. આ તાલુકામાં આવેલો ‘બન્નીનો ઘાસ પ્રદેશ’ જે એશિયાનો સૌથી મોટો ચરાણ પ્રદેશ છે. ઉપરોક્ત ગામોનું ઐતિહાસિક મહત્ત્વ વધુ છે. આ તાલુકામાં આવેલું ‘માધાપર’ ગામ જે એશિયાનું સૌથી મોટું ‘Richest village’ ગણાય છે.
ભુજ તાલુકામાં હાજીપીર પાસે લાખોદ પાસે લુણાનું ‘ક્રેટર લેક’ (ઉલ્કા દ્વારા નિર્માણ પામેલું સરોવર) જે વિશ્વનાં 200થી પણ ઓછાં સ્થાનો પૈકીનું એક છે. આ વિગત ‘Nasa Earth Observatory’ દ્વારા જાહેર કરાયેલી છે. ‘નાસા’ના જણાવ્યા મુજબ આવું કુદરતી સરોવર દુર્લભ છે. આ સરોવર આશરે 6900 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હશે. આ સમયગાળો ‘રેડિયોકાર્બન ડેટિંગ’ના આધારે જાણી શકાયો છે.
નીતિન કોઠારી