ભીમા (નદી) : દક્ષિણ ભારતની કૃષ્ણા નદીની મુખ્ય શાખા. તે પશ્ચિમ ઘાટના ભીમાશંકર નામના ઊંચાઈવાળા સ્થળેથી નીકળી મહારાષ્ટ્રમાં 725 કિમી. જેટલા અંતર સુધી અગ્નિકોણ તરફ વહે છે અને પછીથી તે કર્ણાટકમાં પ્રવેશી કૃષ્ણાને મળે છે. ભીમાશંકરમાંથી નીકળતી હોવાથી તેનું નામ ભીમા પડ્યું હોવાનું મનાય છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં સીના અને નીરાનો સમાવેશ થાય છે. ભીમા નદીનું જળપરિવાહથાળું પશ્ચિમે પશ્ચિમઘાટથી, ઉત્તરે બાલાઘાટ હારમાળાથી અને દક્ષિણે મહાદેવ હારમાળાથી સીમિત બની રહેલું છે.
ભીમા નદીની ખીણનો સમગ્ર વિસ્તાર ખોતરાઈને તૈયાર થયેલો છે, તેના કિનારે કિનારે ગીચ વસ્તી ધરાવતી વસાહતો વિકસેલી છે. મોસમ પ્રમાણે તેની જળસપાટી ઊંચીનીચી રહે છે. વર્ષાઋતુમાં તેમાં પૂર આવે છે. તો માર્ચ-એપ્રિલમાં તેનાં જળ શાંત, સ્થિર બનીને વહેતાં રહે છે. પૂર વખતે પાછાં પડતાં પાણીથી તેના કિનારાઓ પર કાંપનિર્મિત સીડીદાર અગાશીઓ રચાયેલી છે. તેની ફળદ્રૂપ જમીનોમાં શેરડી, જુવાર, બાજરી અને તેલીબિયાંના પાક લેવાય છે. આ વિસ્તારમાં પડતા ઓછા વરસાદની ખોટ પૂરી કરવા સિંચાઈ મારફતે ભીમાનાં જળ ઉપયોગી થઈ પડે છે.
ગિરીશભાઈ પંડ્યા