ભીમદેવ પહેલો (અગિયારમી સદી) : ગુજરાતનો પરાક્રમી રાજા. તે ભીમદેવ નાગરાજ અને લક્ષ્મીનો પુત્ર અને દુર્લભરાજનો માનીતો ભત્રીજો હતો. દુર્લભરાજના આગ્રહથી ઈ. સ. 1022માં એનો રાજ્યાભિષેક થયો. ઈ. સ. 1025માં મહમૂદ ગઝનવીએ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર ચડાઈ કરવા પ્રયાણ કર્યું. તેણે મુલતાનથી લોદ્રવા (જેસલમેર પાસે) અને ચિકલોદર માતાનો ડુંગર વટાવી અણહિલવાડ તરફ કૂચ કરી. આ વખતે ભીમદેવ સામનો કરવાનું ટાળી ત્યાંથી નાસી ગયો. અણહિલવાડથી મહમૂદે સોમનાથ તરફ કૂચ કરી. એ સોમનાથ ઈ. સ. 1026(6ઠ્ઠી જાન્યુઆરી)માં પહોંચ્યો. સોમનાથ દુર્ગ પર હલ્લો કર્યો. મંદિરના પ્રવેશદ્વાર સમક્ષ ભીષણ યુદ્ધ ખેલાયું. આશરે પચાસ હજાર યોદ્ધા મંદિરનું રક્ષણ કરતાં વીરગતિ પામ્યા અને આખરે મંદિર મહમૂદના કબજામાં ગયું. તે સોમનાથ મંદિરમાં પ્રવેશ્યો. સોમનાથના લિંગને ઉખેડી, મંદિરને તોડીફોડીને તે અઢળક સંપત્તિ લૂંટી ગયો. મહમૂદ અહીં કાયમી સત્તા સ્થાપી શક્યો નહિ. ‘હિંદુઓનો બાદશાહ પરમદેવ’ એનો માર્ગ આંતરીને બેઠો હતો. આ પરમદેવ તે ભીમદેવ લાગે છે.
હેમચંદ્રાચાર્યે ‘દ્વયાશ્રય’ કાવ્યમાં ભીમદેવે સિંધુદેશના રાજા હમ્મુક પર ચડાઈ કરી એને હરાવ્યો હોવાનું પરાક્રમ વિગતે વર્ણવ્યું છે.
ગુજરાત પરની ગઝનવીની ચડાઈથી પ્રજામાં અરેરાટી વ્યાપી ગઈ. પરંતુ ભીમદેવે થોડા વખત બાદ સોમનાથનું નવું મંદિર બંધાવી દીધું. મોઢેરાનું સૂર્યમંદિર પણ આ અરસામાં ઈ. સ. 1027માં નિર્માણ કે સંસ્કરણ પામ્યું.
આબુનો પરમાર રાજા ધંધુક દુર્લભરાજનો સામંત હતો, પણ ભીમદેવના સમયમાં એણે સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો. ભીમદેવે ધંધુકને વશ કર્યો.
ભીમદેવના સમયમાં ગુજરાત અને માળવા વચ્ચેનો સંઘર્ષ ચાલુ રહ્યો. તે વખતે માળવામાં રાજા ભોજ અને ગુજરાતમાં ભીમદેવ રાજ્ય કરતા હતા. ધારાપતિ ભોજની રાજસભા વિદ્વત્તા અને કાવ્યરચના માટે ખ્યાતિ ધરાવતી હતી. આથી કોઈ વાર ભોજ ગુર્જરદેશની વિદ્વત્તાની કસોટી કરતો. આ પ્રકારની એક રસપ્રદ ઘટના ‘પ્રબંધચિંતામણિ’માં ‘ભોજભીમરાજા’ નામના સંબંધમાં જોવા મળે છે; જેમાં ભીમરાજાએ જૈન ધર્મના ધુરંધર ગોવિંદાચાર્યે રચેલી ગંભીર અર્થવાળી ગાથા ભોજરાજાને મોકલી. આ ગાથા સાંભળી ભોજરાજાનો ગર્વ ઓગળી ગયો અને ગુજરાતમાં પણ પ્રખર પંડિતો વસે છે એવી પ્રતીતિ થઈ.
અણહિલપુરના ઇતિહાસમાં મંત્રી દામોદર ડામર સંધિવિગ્રાહક તરીકે જાણીતો છે. એ વખતે ભોજરાજ અને ભીમદેવ વચ્ચે વૈમનસ્ય હતું. ડામરે ભોજની સભામાં ભીમના અમાપ રૂપનું વર્ણન કરતાં, ભોજના મનમાં ભીમને જોવાની ઇચ્છા જાગી ને ડામર વિપ્રના વેશમાં ભીમને ભોજની સભામાં લઈ પણ ગયો. પરંતુ ભોજને એનો ખરો ખ્યાલ આવે તે પહેલાં ભીમ ક્યાંય પલાયન થઈ ગયેલો.
હેમચંદ્રાચાર્યે ‘દ્વયાશ્રય’માં ભીમદેવે સિંધુપતિના પરાજય પછી ચેદિપતિ કર્ણ પર આક્રમણ કરી, એની પાસે દામોદર(ડામોર)ને મોકલી, પોતાનો પ્રભાવ દર્શાવી, ભોજની સ્વર્ણમંડપિકા, નીલકંઠ મહાદેવ, ચિંતામણિ ગણપતિ વગેરે દેવોની મૂર્તિઓ મેળવી હોવાની ઘટના નિરૂપી છે.
નડડુલ(નડુલ)ના ચાહમાન રાજ્યને ભીમદેવના સમયમાં સંઘર્ષ થયો. ભીમદેવની સેનાએ નડુલના રાજ્ય પર આક્રમણ કર્યું હોવાનું અને એ પૂરું સફળ નીવડ્યું ન હોવાનું માલૂમ પડે છે.
આમ ભીમદેવે પોતાના રાજ્યના સંરક્ષણ તથા અભ્યુદય માટે ઘણો પુરુષાર્થ કર્યો. સોમનાથનું નવું મંદિર, આબુ પરની વિમલવસહી અને મોઢેરાનું સૂર્યમંદિર એના સમયનાં મોટાં સ્થાપત્યકીય પ્રદાન છે. ભીમદેવે રાજધાનીમાં નવો ત્રિપુરુષપ્રાસાદ કરાવ્યો, શ્રીપત્તનમાં ભીમેશ્વરદેવનો અને ભટ્ટારિકા ભીરુઆણીનો પ્રાસાદ કરાવ્યો. રાણી ઉદયમતિએ નવી વાવ કરાવી. મંત્રી દામોદરનો કૂવો પણ એ વાવ જેવો જ વિખ્યાત હતો.
મહારાજાધિરાજ ભીમદેવે અનેક ભૂમિદાન આપેલાં. એને લગતાં છ તામ્રપત્રો મળ્યાં છે, જે (વિ. સં. 1086) ઈ. સ. 1029થી (વિ.સં. 1120) ઈ. સ. 1063નાં છે.
ભીમદેવના સમયમાં સુરાચાર્યે માળવા સાથેની વિદ્યાકીય સ્પર્ધામાં ગુજરાતની પ્રતિષ્ઠા રાખી હતી. જિનેશ્વર બુદ્ધિસાગર, ધર્મ, શાંતિસૂરિ વગેરે વિદ્વાનોએ પણ વિદ્યામાં ગણનાપાત્ર પ્રગતિ સાધી હતી.
ભીમદેવને ઉદયમતિ નામે રાણી હતી, જે સોરઠના ચૂડાસમા રાજા ખેંગારની પુત્રી હતી. તેને કર્ણ નામે પુત્ર હતો. બકુલાદેવી નામે પણ્યાંગના(વેશ્યા)ની રૂપસંપત્તિ તથા ગુણસંપત્તિથી પ્રભાવિત થઈ. એની શીલ-મર્યાદાની પ્રતીતિ થતાં ભીમદેવે એને પોતાના અંત:પુરમાં સ્થાન આપ્યું હતું. બકુલાદેવીને ક્ષેમરાજ કે હરિપાલ નામે પુત્ર હતો. ભીમદેવે લગભગ 43 વર્ષ, (વિ. સં. 1120) ઈ. સ. 1064 સુધી રાજ્ય કર્યું.
રામજીભાઈ ઠા. સાવલિયા