ભીંતચિત્ર : ખડકોની સપાટી પર કે ઇમારતોની ભીંતો પર કરવામાં આવતું ચિત્રકામ. ભીંતચિત્ર એ ભારત માટે જ નહિ, દુનિયા માટે પણ નવાઈની બાબત નથી. કારણ કે છેક પ્રાગૈતિહાસિક સમયથી એટલે કે જ્યારે માણસ વસ્ત્ર પહેરતો કે રાંધેલું ખાતો અને ભાષા પણ બોલતો નહોતો થયો ત્યારથી તે એક યા બીજા બહાને ભીંતચિત્રો કરતો થઈ ગયો હતો. તેના પુરાવારૂપે આજથી 10 હજાર વરસ પૂર્વેના સ્પેનમાં ઍલ્તમીર અને ફ્રાન્સમાં લૅસ્કોની ગુફાનાં શૈલચિત્રોથી શરૂ કરીને ભારતમાં સિંગનપુર, અમરાવતી અને ભીમબેટકા સુધી અને તે પછી આધુનિક સમયમાં વિવિધ સંપ્રદાયોની અસર તળે અનેક ભીંતચિત્રો મળી આવેલ છે.
ભારતમાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ના સમયના પ્રાસાદોમાં પણ ભીંતચિત્રો તો હશે જ, પરંતુ તેના પ્રતીતિજનક પુરાવા ઉપલબ્ધ નથી. આજથી 2100 વર્ષ પૂર્વેનાં એટલે કે પહેલી સદી ઈ. પૂ.થી શરૂ કરીને ઈ. સ.ની છઠ્ઠી સદી સુધીનાં 700 વર્ષના ગાળાનાં અજંટાનાં ભીંતચિત્રો ભારતમાં મોજૂદ છે. તેમાંની માવજત, તેનાં પાત્રોનું નિરૂપણ, તેમની અંગભંગિઓ, પોશાકો, આભૂષણો તથા પ્રાણી, પક્ષીઓ અને વનસ્પતિ ઇત્યાદિની રજૂઆત જે સક્ષમતાથી કરી છે, તે પરથી સહેજે માની શકાય કે તેનીયે પૂર્વે જરૂર ઉત્કૃષ્ટ ભીંતચિત્રોની પરંપરા અસ્તિત્વમાં હશે જ. આ પછીના સમયના જૂજ નમૂના ઇલોરાના કૈલાસમંદિરની છતોના છેડે થોડા બચેલા ચિત્રખંડો છે. તે ઘણે અંશે અપભ્રંશ શૈલી નામે ઓળખાતાં ચિત્રોના પ્રકારના છે.
‘ઓખાહરણ’ નામક આખ્યાનકાવ્યમાં શોણિતપુરના રાજા બાણાસુરના પ્રધાન કૌભાંડની પુત્રી ચિત્રલેખા ઘણી ઉચ્ચકક્ષાની ચિત્રકર્ત્રી હશે એમ તેણે કરેલાં વ્યક્તિચિત્રોનું વર્ણન વાંચીને લાગ્યા વિના રહેતું નથી. આવી ઉચ્ચ કોટિની કલાધરિત્રી જે યુગમાં થઈ હોય તે સમયે માત્ર નાના ફલક પરનાં જ ચિત્રો ઉપરાંત ભીંતચિત્રો પણ થતાં જ હશે એમ માનવામાં કશું વધારેપડતું નથી.
મિસરના પિરામિડોમાં ચીતરાયેલાં ઈ. પૂ. 1000થી 600નાં ભીંતચિત્રો હજી આજે પણ મોજૂદ છે. તે ચિત્રો વિશિષ્ટ શૈલી અને મર્યાદિત રંગછટાઓને કારણે ખૂબ જ પ્રખ્યાત બન્યાં છે. આ ભીંતચિત્રોનો સમય પણ અજંટાનાં ભીંતચિત્રોથી પૂર્વેનો કે તેની લગોલગનો હોઈ શકે.
ચીનમાં તુન હુ આંગની ગુફાનાં ચિત્રો અજંટા પછીનાં છે. એ ચિત્રોએ પણ દુનિયાનું ધ્યાન આકર્ષિત કરેલ છે.
ભારતમાં અજંટા પછી એ પરંપરાની ચિત્રશૈલીની અસરવાળાં સીતાનિવાસ અને શ્રીગિરિની ગુફાઓનાં ભીંતચિત્રો પણ જગવિખ્યાત છે.
આ બધાં સ્થળોનાં ભીંતચિત્રોને ઐતિહાસિક સમયમાં બનેલાં ગણવામાં આવે તો તે પછીનાં ભીંતચિત્રો મધ્યયુગમાં એટલે કે ઈ. સ.ની અગિયારમીથી અઢારમી કે ઓગણીસમી સદીમાં બન્યાં છે. જેમાંથી તેરમી સદીથી આગળ યુરોપિયન દેશોનાં ખ્રિસ્તી દેવળમાંનાં ફ્રેસ્કો ચિત્રો ભીંતચિત્રોની કક્ષાનાં ગણાય. યુરોપના રેનેસાં સમયના અનેક કલાકારો જેવા કે જ્યોત્તો, કારાવાજિયો, ચિમબૂએ મસાચિયો, ડુચિયો, ઉએલો, વૅનડાઇક, વેરોનેઝે, વેલૅસક્વિઝ, રાફેલ, માઇકલૅન્જેલો અને લિયોનાર્દો વગેરેએ ફ્રેસ્કો પદ્ધતિથી અનેક ભીંતચિત્રો કર્યાં છે.
ઈ. સ.ની સત્તરમી–અઢારમી સદીનાં, ભારતમાંનાં ભીંતચિત્રોમાં દક્ષિણમાં મટ્ટનચેરી અને તોડીક્કલમનાં તથા રાજસ્થાનમાં શેખાવટી, બુંદી, ઉદેપુર, ઓચ્છા, દતિયા ઇત્યાદિના રાજમહેલોનાં ચિત્રો જર્જરિત હાલતમાં પણ માણી શકાય તેવાં રહ્યાં છે.
ગુજરાતમાં બાઘ ગુફાઓ(હાલ મધ્યપ્રદેશ)નાં ચિત્રો છેક અજંટાની લગોલગનાં છે. પરંતુ તે પછી તે છેક અઢારમી સદીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીના આશ્રયે ખેડા જિલ્લામાં સંપ્રદાયના પ્રથમ મુખ્ય કેન્દ્ર વડતાલથી શરૂ કરીને બોચાસણ, રાસ, ઝારોલા, સોજિત્રા, બાકરોલ, ઉમરેઠ વગેરે સ્થળોએ મંદિરો અને ખાનગી રહેણાકના આવાસોની ઉપર મબલખ ભીંતચિત્રો બન્યાં છે.
વડોદરા જિલ્લામાં પણ ચાણોદ, ભીલાપુર, પુડા, હાંફેશ્વર, કાયાવરોહણ, ભાદરવા, કરખડી, કાન્હવા અને ગજેરા વગેરે ગામોમાં ઠીક ઠીક પ્રમાણમાં જૂનાં ભીંતચિત્રો હજીયે માણી શકાય તેવી હાલતમાં છે. ખુદ વડોદરા શહેરમાં પણ કામનાથ મંદિરના સંકુલમાં આવેલ રામનાથ મહાદેવના મંદિરનાં તથા શહેરની મધ્યમાં આવેલ ત્રાંબેકર વાડાની ભીંતો પર ચીતરાયેલાં ચિત્રો સારી અવસ્થામાં છે. ઉપરાંત ઘણે અંશે આધુનિક સમયનાં કહી શકાય તેવાં (1946થી 1948 સુધીમાં બનેલાં) કીર્તિમંદિરનાં ભીંતચિત્રો કલાકાર નંદલાલ બોઝે કૈલાસવાસી મહારાજા સયાજીરાવના ખાસ નિમંત્રણથી વડોદરા આવીને કરેલાં તે પણ મોજૂદ છે.
ભીંતચિત્રોનું વિષયવસ્તુ સામાન્ય રીતે ધાર્મિક-પૌરાણિક અને હાલના સમયમાં તો રોજિંદા માનવજીવનના પ્રસંગો વગેરે હોય છે. આમાં ધાર્મિક વિષયોમાં શ્રીકૃષ્ણની રાસલીલા, દાણલીલા, ગજેન્દ્રમોક્ષ, નાગદમન અને નારીકુંજર ઉપરાંત રાધા અને કૃષ્ણ, વસ્ત્રાહરણ આદિ પ્રસંગોનું ચિત્રણ હોય છે. રામાયણમાંથી રામ-રાવણ-યુદ્ધ, સીતાહરણ, લંકાદહન જેવા લોકભોગ્ય વિષયોનો સમાવેશ થયેલ છે. ‘શિવપુરાણ’માંથી પણ ઘણા પ્રસંગોને સાંકળી લેવાયા છે. ‘મહાભારત’માંથી પણ મત્સ્યવેધ, અર્જુન-દ્રૌપદીવિવાહ અને એ અંગેનો સ્વયંવર વગેરે પ્રસંગો ભીંતચિત્રોમાં સુંદર રીતે રજૂ થયેલ છે. ઓગણીસમી સદીની શરૂઆતનાં ચિત્રોમાં, તે સમયે દેશમાં આવી પહોંચેલ આગગાડીને ઘણાં સ્થળોએ – ખાસ કરીને ખેડા જિલ્લાનાં ભીંતચિત્રોમાં વિશેષ સ્થાન મળેલ છે. રાવણની સેનામાં ફિરંગી તોપચીઓ અને તોપો તથા ગોળા વગેરે પણ છે ! ખેડામાં ક્યાંક ક્યાંક ફિરંગી બૅન્ડવાજાવાળા સૈનિકો તેમના અફસરનું મનોરંજન કરતા પણ નજરે પડે છે. અંબાજી, બહુચરાજી અને ક્યાંક ચોસઠ જોગણીઓમાંથી કોઈકનું ચિત્રણ હોય, આમ લોકકલાનાં કેટલાંક તત્વો આ ચિત્રોમાં પ્રવેશ પામ્યાં છે. વળી ઇસ્લામની અસર તળે ક્યાંક ક્યાંક પાંખોવાળી પરીઓ અને ગુલજોહરી જેવાં પાત્રો જોવા મળે છે. અનલ નામનું પક્ષી 7–7 હાથીઓને પોતાનાં પંજા, ચાંચ અને પાંખમાં લઈને છેક આકાશમાં ઊડી જાય એવું પણ ચિત્ર દેખા દે છે.
ચિત્રસંયોજનની ર્દષ્ટિએ મિસરનાં ચિત્રોમાં સપાટ રંગો ભરીને માનવપાત્રોને માત્ર એક બાજુથી દેખાતાં હોય એ રીતે દર્શાવાયાં છે. સમગ્ર ગોઠવણી દ્વિપરિમાણીય રીતની છે. મધ્યકાલીન રાજસ્થાન તથા ગુજરાતનાં ચિત્રો લગભગ આ જ પદ્ધતિનાં લાગે છે. ફેર માત્ર એક જ કે મિસરનાં ચિત્રો પ્રભાવશાળી હોવા છતાં ગતિશીલ નથી લાગતાં. જ્યારે મધ્યકાલીન ચિત્રોમાં મનુષ્યપાત્રો અને પ્રાણીઓ વેગીલાં જણાય છે. આમાં બંને દેશોની જે-તે સમયની પરિસ્થિતિ અને તેના વિષયવસ્તુએ ભાગ ભજવ્યો હોય એમ લાગે છે.
સાહિત્ય-સ્વરૂપોની ર્દષ્ટિએ ભીંતચિત્રોને નવલકથા કે નાટક સાથે સરખાવી શકાય; કારણ ભીંતચિત્રમાં કેવળ અલંકરણનો હેતુ જો ન હોય તો તેમાં કથાનકને નિરૂપવામાં આવે છે. કથાનકની જરૂરત મુજબ કેટલાંક પાત્રોનું પુનરાવર્તન અનિવાર્ય બને છે. દા.ત., ભગવાન બુદ્ધ, શ્રીરામ કે રાવણ વિશેનું ભીંતચિત્ર હોય તો તેમાં જે તે મુખ્ય પાત્રને એક કરતાં વધારે વખત દેખાડવું પડે. પ્રતીકાત્મક રીતે મુખ્ય પાત્રની મહત્તા દર્શાવવા તેમને અન્ય પાત્રોની સરખામણીમાં વિશાળ પણ દર્શાવવાં પડે. દા.ત., અજંટાની પહેલા નંબરની વિહારગુફામાં ગર્ભગૃહની બહાર ડાબેજમણે અનુક્રમે બંને તરફ પદ્મપાણિ બોધિસત્વ અને વજ્રપાણિ અવલોકિતેશ્વરને ખાસ્સા મોટા દર્શાવાયા છે.
મિસર અને છેલ્લે વર્ણવેલ રાજસ્થાની ઇત્યાદિ ભીંતચિત્રોની વચ્ચેનાં અજંટા અને શ્રીગિરિનાં ગુફાચિત્રોમાં રંગો સપાટ નથી કે બધાં જ પાત્રો એક બાજુ જોતાં હોય એવું નથી. વળી માનવ અને અન્ય ચિતરણમાં ગોળાઈ કે ઘનત્વ (volume) દર્શાવવા માટે છાયા-પ્રકાશનો નહિ, પણ જે તે રંગની હળવી-ઘેરી છટાઓનો ઉપયોગ કર્યો છે, પરંતુ દૂરનું અંતર અતિ મર્યાદિત રીતે દર્શાવેલ છે. આવી ગોઠવણીને ભાસ્કર્ય-શિલ્પ સાથે સરખાવી શકાય. આમ મિસર કે ભારતનાં ચિત્રોમાં દૂર-સુદૂરનું અંતર દર્શાવવા માટે દેખીતી રીતે જ પ્રયત્ન કરાયો નથી અને આ રીતે ભીંતચિત્રને તેના ભીંત પર હોવાનો એક વિશિષ્ટ દરજ્જો પ્રાપ્ત થયો છે.
ભીંતચિત્રોનાં માધ્યમોમાં કુદરતી રીતે મળી આવતા ખનિજ રંગો અને તેને ર્દઢ બનાવવા માટે ગુંદર કે ઈંડાંનો ઉપયોગ થતો; તે માધ્યમોમાં કામ કરવા માટેની ખાસ પદ્ધતિ પ્રચલિત હતી; ઇટાલિયન અને રાજસ્થાની જયપુર-ભીના લેપ (plaster) પર જ ભીના રંગો વાપરી ચિત્ર કરવાની પદ્ધતિ (fresco) જાણીતી છે. ભવનની બહાર ખુલ્લામાં ટકી રહે તેવા માધ્યમમાં મોઝેકની પદ્ધતિ ઘણી ઉપયોગી થઈ પડે છે. મોઝેક ભીંતચિત્રો નાના નાના ચોરસ, લંબચોરસ, ગોળ કે ત્રિકોણ એમ જરૂરત મુજબના આકારના વિવિધરંગી કાચના ટુકડાઓને સૂઝપૂર્વક પ્લાસ્ટરમાં બેસાડીને બનાવાતો એક જટિલ પ્રકાર છે. તેમાં કલાકાર અને કારીગરની ખૂબ જ ચીવટ અને ધીરજની આવશ્યકતા છે.
ખનિજ રંગોમાં ગેરુ (red ochre), પીળી માટી (yellow ochre), બદામી માટી (burnt sienna), પથ્થરમાંથી નીકળતો લીલો રંગ (terreverte green) તથા ગળી અને કાળો (lamp black) વગેરેનો ઉપયોગ થયો છે. સફેદ રંગ માટે ખડી (mineral chalk) વપરાયેલ છે.
આ માધ્યમોમાં છેલ્લે ફોટોગ્રાફિક મ્યુરલનો ઉલ્લેખ અનિવાર્ય ગણાય. 1980 પછીનાં વર્ષો દરમિયાન ફોટોગ્રાફીમાં રંગ પ્રવેશ્યા અને છાપકામમાં પણ પ્રાવીણ્ય પ્રાપ્ત થયું ત્યારથી આ ફોટો મ્યુરલ્સનું ચલણ ઠીક પ્રમાણમાં દેખાવા માંડ્યું છે. નિષ્ણાતો દ્વારા આવાં તૈયાર છાપેલાં ર્દશ્યચિત્રો સુંદર રીતે પરભાર્યાં ભીંત પર ચોંટાડવામાં આવે છે. ફોટોગ્રાફી દ્વારા બનેલ આવાં મોટાં ર્દશ્યચિત્રો તો સ્વાભાવિક રીતે જ તાર્દશ હોય છે.
પરંપરાગત માધ્યમો પછી આધુનિક કલાની સાથોસાથ હવે ભીંતચિત્રો માટે લાકડું, ધાતુ, પથ્થર, કાચ, સળિયા કે તાર જેવી બીજી સામગ્રીનો પણ ઉપયોગ થવા લાગ્યો છે.
જગવિખ્યાત ભીંતચિત્રોમાં પિરામિડોમાંનાં ચિત્રો, અજંટા, બાઘ અને શ્રીલંકાનાં ભીંતચિત્રો, ચીનની ચોથી સદીની લંગમાન અને તુન હુઆંગ ગુફાઓનાં ભીંતચિત્રો, લિયોનાર્દો દ’ વિન્ચીનું ‘આખરી વાળુ’ (last supper), સિસ્ટાઇન ચૅપલ(રોમ)ની છત પરનાં માઇકલૅન્જેલોએ કરેલાં બાઇબલનાં ચિત્રો, પિકાસોનું ‘ગર્નિકા’, ઇટાલીના રાવેનાનાં રાજા કૉન્સ્ટન્ટાઇન અને રાણી થિયોડૉરાનાં ઉત્કૃષ્ટ મોઝેક ભીંતચિત્રો, પૉમ્પેઇના ફ્રૅસ્કો ભીંતચિત્રો, શિકાગો-અમેરિકામાં માર્ક શેગાલે બનાવેલ આશરે છ ફૂટ ઊંચી અને પાંચેક ફૂટની જાડાઈવાળી 40–50 ફૂટ લંબાઈવાળી બંને તરફ મોઝેક ચિત્રોથી ખચિત ભીંત વગેરેનો ઉલ્લેખ કરી શકાય. અંતમાં 1950ના દાયકાના મધ્યભાગે પૅરિસ ખાતે બનેલ યુનેસ્કોના મુખ્ય મથકના આલીશાન ભવનમાં વિખ્યાત આધુનિક ચિત્રકારોએ તૈયાર કરેલ ભિન્ન ભિન્ન માધ્યમોનાં ભીંતચિત્રોનો ઉલ્લેખ કરવો રહ્યો.
રમેશ પંડ્યા